કોરોનાનો કહેર: ડીઝની વર્લ્ડ કંપનીના ૨૮ હજાર કર્મચારીઓની છટણી

મહામારીની આ સ્થિતિમાં છટણી એક માત્ર વિકલ્પ: કંપની

કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચુકયો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી અમેરિકન કંપની ડિઝનીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા ૨૮,૦૦૦ કર્મચારીઓને છુટા કરવાનું નકકી કર્યું છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે કોરોના મહામારીનો કહેર લાંબા સમયથી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમ પાર્કમાં કર્મચારીઓને છુટા કરવામાં આવશે.

ડિઝની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખુબ જ દુ:ખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સોશિયલ ડિસ્ટન્સીંગ અને ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું એ પણ જરૂરી છે. મહામારીની અનિશ્ર્ચિતતાના કારણે આ નિર્ણય લેવાયો છે. કંપનીના જણાવ્યા અનુસાર તે થીમ પાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે ૨૮,૦૦૦ કર્મચારીઓને છુટા કરશે. ફકત ફલોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝનીના થીમપાર્કમાં મહામારી પહેલા ૧,૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છુટા કરવાની યોજના છે. આ છટણી બાદ કંપનીમાં ૮૨,૦૦૦ કર્મચારીઓ કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના લીધે વોલ્ટ ડીઝની વર્લ્ડને બંધ કરી દેવાયું હતું જે જુલાઈ માસમાં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું જોકે, કોરોનાના કારણે અહીં પર્યટકોની સંખ્યામાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.

Loading...