રાજકોટના તમામ એન્ટ્રી પોઇન્ટ સહિત બ્યુટી પાર્લર અને હેર સલૂનમાં કોરોના ટેસ્ટ કરાશે

લોકો એકત્રિત થતા હોય તેવી તમામ દુકાનો ખાતે ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે

દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. અગાઉની સાપેક્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. જેના કારણે હવે અગાઉની જેમ રાજકોટના તમામ પ્રવેશદ્વારો ખાતે ચેક પોસ્ટ ઉભી કરી કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. ઉપરાંત બ્યુટી પાર્લર – હેર સલૂન સહિતની જગ્યાઓએ પણ કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે જેથી વધી રહેલા ચેપને અટકાવી શકાય.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજકોટ હાલ હોટ સ્પોટ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર ચિંતામાં મુકાયું છે. વધતા જતા કોરોના સંક્રમણને ડામવા હેતુસર જ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અવાર નવાર રાજકોટ ખાતે દોડી આવે છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા અગાઉની જેમ લોક ડાઉનની પણ જરૂરિયાત જણાઈ રહી છે પરંતુ દેશ હાલ જે રીતે કોરોના સંક્રમણ અને આર્થિક સંકળામણના બે મોરચે લડી રહ્યું છે તેને ધ્યાને રાખી હાલના સંજોગોમાં લોક ડાઉન અમલી બનાવવું અસંભવ જેવુ છે. જેથી લોક ડાઉન નહીં પરંતુ અન્ય શહેરોમાંથી આવતા તમામ સ્થળાંતરીતોનો પ્રવેશદ્વાર ખાતે જ કોરોના ટેસ્ટ કરીને ચેપનો ફેલાવો અટકાવવા નિર્ણય કરાયો છે.

રાજકોટના તમામ એન્ટ્રી પોઇન્ટ ખાતે પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને આરોગ્ય તંત્રની ટીમ દ્વારા જે તે ચેક પોસ્ટ ખાતે હાજર રહીને તમામ સ્થળાંતરીતોનો રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સંક્રમણની ચેઇનને તોડી પાડવા તંત્રએ કવાયત હાથ ધરી છે.

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી, માલિયાસણ ચોકડી, માધાપર, ગોંડલ ચોકડી સહિતના એન્ટ્રી પોઇન્ટ ખાતે હાલ ચેક પોસ્ટ ઉભું કરી દેવામાં આવ્યું છે. અહીંથી રાજકોટ શહેરમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત જણાશે તો ત્વરિત ધોરણે તેને આઇસોલેટ કરી તેમની સાથેના પરિજનોને કવોરંટાઇન કરવામાં આવશે જેથી સંક્રમણની ચેઇન તોડી શકાય.

સાથોસાથ મનપાની ટીમ દ્વારા જેટલી દુકાનો, શો રૂમ સહિતના સ્થળો જેવા કે બ્યુટી પાર્લર, હેર સલૂન સહિતના સ્થળોએ પણ કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે જેથી સંક્રમણની ચેઇનને તોડી શકાય અને કોરોનાના ભરડામાંથી રાજકોટને મુક્ત કરી શકાય.

ઉપરાંત લોકોની અવર જવર વધુ રહેતી હોય તેવી તમામ દુકાન – શો રૂમ – પાનની દુકાનો ખાતે વધુ કડક વલણ દાખવી ગમે ત્યારે મનપા તેમજ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતું હતું પરંતુ હવેના સમયમાં કડક વલણ રાખીને આ ચેકીંગ હાથ ધરવામાં આવશે. ચેકીંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું જો ઉલ્લંઘન થતું જણાશે તો દંડથી માંડી લાઇસન્સ રદ્દ કરવું તેમજ સિલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને ડામી દેવા તંત્ર વધુ હરકતમાં આવ્યું છે. કોઈ પણ પ્રકારે આ ચેઇનને તોડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આ પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે અને હવેના સમયમાં આ નિર્ણયોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.

Loading...