રાજકોટમાં કાલે ૬ સ્થળેથી અપાશે કોરોના વેક્સિન

સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સિનેશન બૂથની કામગીરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિહાળશે

દેશવાસીઓ જે શુભ ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તેનો આવતીકાલે સવારે અંત આવી જશે. કાલે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના વેક્સિનનું લોન્ચીંગ કરવામાં આવશે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના નામના રાક્ષસને નાથવા માટે ભારત દ્વારા મહારસીકરણ અભિયાનનો કાલથી આરંભ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં અલગ અલગ છ સ્થળેથી કાલે કોરોના વેકસીન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સિવિલ હાસ્પિટલ સ્થિત વેક્સિનેશન બુથની કામગીરી વડાપ્રધાન લાઈવ નિહાળશે. જ્યારે અન્ય પાંચ બુથ પરની કામગીરી તેઓને વિડીયો સ્ક્રીન દ્વારા બતાવવામાં આવશે.

આવતીકાલે સવારે ૧૦:૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ કોરોના વેકસીનનું લોન્ચીંગ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીડીયુ સિવિલ હોસ્પિટલ સહિત છ સ્થળોએ કાલે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતેના બુથનું લોન્ચીંગ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતેના વેક્સિનેશન બુથનું લોન્ચીંગ ગોવિંદભાઈ પટેલ દ્વારા, સ્ટર્લીંગ હોસ્પિયલ ખાતેના વેક્સિનેશન બુથનું લોન્ચીંગ ધારાસભ્ય લાખાભાઈ સાંગઠીયા દ્વારા, વોકહાર્ટ હોસ્પિટલ ખાતેના વેક્સિનેશન બુથનું ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી દ્વારા, શ્યામનગર આરોગ્ય કેન્દ્રના વેક્સિનેશન બુથનું લોન્ચીંગ ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા જ્યારે કોઠારીયા રોડ આરોગ્ય કેન્દ્ર ખાતેના વેક્સિનેશન બુથનું લોન્ચીંગ સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા દ્વારા કરવામાં આવશે. વેક્સિન બુથ પર મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહેશે.  વેક્સિનેશન બુથ પર ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ વેઈટીંગ રૂમ, બીજો વેક્સિનેશન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ રાખવામાં આવ્યો છે.

પ્રથમ રૂમમાં વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, બીજા રૂમમાં વેક્સિન આપવાની પ્રક્રિયા અને વેક્સિન અપાયા બાદ કોવિન સોફટવેરમાં તેની એન્ટ્રી કરાશે અને ત્રીજા રૂમમાં વેક્સિન લેનાર વ્યક્તિને ૩૦ મીનીટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કાલે અલગ અલગ ૬ સ્થળેથી વેક્સિનનું લોન્ચીંગ કરવામાં આવશે જે પૈકી સિવિલ ખાતેના વેક્સિન બુથ પર થતી કામગીરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ નિહાળશે. જ્યારે અન્ય પાંચ બુથ પરની કામગીરી તેઓને વિડિયો સ્ક્રીન દ્વારા દર્શાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરને કોરોના વેક્સિનના ૧૬૫૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ મહાપાલિકા દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે, ૧૦ સ્થળેથી વેક્સિન ઝુંબેશ શરૂ કરાશે પરંતુ હવે માત્ર છ સ્થળેથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મેં કોરોના વેક્સિન લીધી છે તેવા બેજ લગાવશે રસી લેનાર વ્યક્તિ

કોરોના નામના રાક્ષસને નાથવા માટે ભારતમાં વિશ્ર્વના સૌથી મોટા મહારસિકરણ અભિયાનનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની વેક્સિન લેનાર તમામ વ્યક્તિ પોતે મેં કોરોનાની વક્સિન લીધી છે તેવો બેઝ પોતાના શરીર પર લગાવશે. હાલ લોકોમાં એવી પણ અસમંજસ ચાલી રહી છે કે કોરોનાની રસી લીધા બાદ કોઈ આડઅસર તો નહીં થાય ને તે તમામ અસમંજસો અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોનાની રસી લેનાર વ્યક્તિને શર્ટ પર એક બેઝ લગાવવામાં આવશે જેમાં તે વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી છે નો ઉલ્લેખ કરવામાં આવશે જેમાં અન્ય લોકો પણ વેક્સિન લેવા પ્રેરાઈ.

Loading...