Abtak Media Google News

ત્રણ તબક્કાના મતદાન માટે તૈયારીઓ સાથે અનલોકને બનાવાયું વેગવાન

બિહારમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગૃહ મંત્રાલયે અનલોકની પ્રક્રિયાને આગળ વધારીને સોશિયલ ડિસ્ટન્સ અને લોકોને એકઠા થવાના નિયમોમાં છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. એક તરફ દેશભરમાં કોરોના સંક્રમણ અને લોકલ ટ્રાન્સમીશન એટલે કે સ્થાનિક સંક્રમણનો પ્રભાવ વધતો જતો હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે જાણે કે, ચૂંટણીમાં કોરોના બે અસર થઈ જતો હોય અને રાજકારણને કોરોના નડવાનો ન હોય તેમ બિહારમાં ચૂંટણી માટે ખાસ અનલોકની મંજૂરી આપવામાં આવી છે. કાગડા બધે કાળા હોય તેમ બિહારથી લઈને બોસ્ટન સુધી જાણે કે, રાજકીય લોકોમાં એક જ પ્રકારની વિચારધારા પ્રવર્તતી હોય તેમ અમેરિકાની ચૂંટણીમાં પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નેશનલ ડિબેટમાં કોરોનાને ગણકારતા જ ન હોય તેમ તેમણે કોરોનાને ધ્યાને ન લઈને ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવી દીધો છે. આ જ રીતે બિહારમાં પણ લોકસભાની પેટા ચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનલોક-૫ની ગાઈડ લાઈન જારી કરી છે. ૩૦મી સપ્ટેમબરે જાહેર થયેલી આ ગાઈડ લાઈનમાં ૧૦૦થી વધુ વ્યક્તિને ભેગા થવા માટે ૧૫મી ઓકટોબર સુધી છુટ દેવામાં આવશે.

બુધવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો રાજ્યમાં પ્રારંભ થયો હતો. ગૃહ મંત્રાલયે રાજકીય મેળાવડા અને હોલથી ૫૦ ટકાની ક્ષમતામાં ૨૦૦ માણસોની મર્યાદામાં એકઠા થવાને રજા આપી હતી. રાજકીય પક્ષોએ સરકારના આ વલણને આવકારી આ જાહેરનામુ ચૂંટણી પ્રચારને વેગવાન બનાવશે તેવું જણાવ્યું હતું. ઓકટોબર ૧૫ પહેલા ૧૦૦ માણસોની મર્યાદાનું પાલન કરવામાં આવશે. સાથે સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, થર્મલ સ્કેનીંગ, હેન્ડવોશ, સેનેટાઈઝરની વ્યવસ્થા બંધ બારણે અને જાહેરમાં થતાં કાર્યક્રમોના આયોજન માટે રાખવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણીને અનુલક્ષીને  ખાસ પ્રકારની માર્ગદર્શીકા જાહેર કરશે. બિહારમાં લોકસભાની એક બેઠકની પેટા ચૂંટણી અને વિધાનસભાની ૫૯ મત વિસ્તારોમાં ત્રણ તબક્કામાં ૨૮ ઓકટોબર, ૩જી નવેમ્બર અને ૭મી નવેમ્બરે મતદાન થશે અને ૧૦મી નવેમ્બરે મત ગણતરી થશે. બિહારમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા કોરોના અંગેના પ્રતિબંધો અને નિયમોમાં હળવાશ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

કિંગમેકર રામવિલાસ પાસવાન ‘રામશરણ’

બિહારના દિગ્ગજ દલિત નેતાની પાંચ દાયકા જૂની રાજકીય સફર પૂર્ણ

બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનનું ૭૪ વર્ષની વયે ગુરૂવારે નિધન થતાં બિહારના સામાજીક, રાજકીય ક્ષેત્રે મોટો આઘાત પ્રવર્તી રહ્યો છે. રામવિલાસ પાસવાન રાજકીય મુસદ્દી અને દલિત નેતા તરીકે કિંગમેકર તરીકે ખુબજ લાંબી પાંચ દાયકાની રાજકીય કારકિર્દી ધરાવતા હતા. ૭૪ વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં હૃદયની સારવારના ઓપરેશન દરમિયાન તેમણે અલવીદા લીધી હતી. પાસવાન મિત્રો બનાવવામાં અને સંબંધોના વાવેતર માટે જાણીતા હતા. તેમના હાથ પકડીને અનેક લોકોએ રાજકીય વેંતરણી પાર કરી દીધી હોવાથી તેમને કિંગમેકર ગણવામાં આવતા હતા. ૧૯૬૯માં પ્રથમ વખત ધારાસભ્ય બનીને તેમણે કોંગ્રેસ વિરોધી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે રાજકારણ માટે પોલીસની નોકરી છોડી દીધી હતી અને અનેક પડકારો અને પરિવર્તનોનો સામનો કરી તેમણે રાષ્ટ્રીય કક્ષાના દલિત નેતાની છાપ ઉભી કરી હતી. બિહારના ખાગરીયામાં ૧૯૪૬માં જન્મેલા પાસવાન લોકસભામાં ૮ વખત ચૂંટાયા હતા અને અત્યારે રાજ્યસભાના સભ્ય હતા. પાસવાન સાથે જનતા દલ યુનાઈટેડમાં રહેલા કે.સી.ત્યાગી, ચરણસિંગ જેવા નેતાઓની હરોળના રામવિલાસ પાસવાન વી.પી.સિંગ સરકાર ૧૯૮૯માં મંત્રી રહ્યાં હતા.  નીતિશકુમાર, અટલ બિહાર વાજપાઈ, નરેન્દ્ર મોદી સહિતના મોટાભાગના રાજકીય નેતાઓ સાથે રામવિલાસ પાસવાન ખાસ પાસ બાન તરીકે રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.