કોરોનાથી ‘હાશકારો’ બજારને ટનાટન કર્યુ !: સોના-ચાંદીમાં ધરખમ ઘટાડો !!!

વૈશ્વિક ડામાડોળ પરિસ્થતીએ વિદેશી રોકાણકારોની ભારત તરફ મીટ!!!

ગઈકાલે ૭૦૦ પોઈન્ટના ઉછાળા બાદ આજે પણ સેન્સેકસ ૪૫૦ પોઈન્ટ ઉછળ્યો

કોરોના મહામારીમાં અત્યારે મળેલા હાશકારાથી શેરબજાર ટનાટન છે. ગઈકાલે ૭૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા બાદ આજે પણ સેન્સેકસ ૨૦૦ પોઈન્ટ સુધી ઉછળ્યો છે. બજારમાં ઉભા થયેલા અનુકુળ વાતાવરણ પાછળ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના સમીકરણો જવાબદાર છે. વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં સત્તા પરિવર્તનની વાતો વચ્ચે રોકાણકારોનો વિશ્ર્વાસ બિડન ઉપર નથી તેવો માહોલ ઉભો થયો છે. રોકાણકારો અમેરિકાની જગ્યાએ અન્ય સુરક્ષીત રોકાણ માટેના સ્થળ શોધી રહ્યાં છે. જેના પરિણામે ભારતમાં વિદેશી ફંડ વધ્યું છે. બીજી તરફ ભારતીય વાતાવરણમાં પણ તંદુરસ્તીનો અણસાર મળી રહ્યો છે.

કોરોનાની અસર ઓછી થવાની સાથે વેકસીન માટે પણ ઉજળા સંજોગો ઉભા થતાં ભારતીય ઉદ્યોગો ફરી ધમધમવા લાગ્યા છે. કોરોનામાં કળ વળી હોવાથી વેપાર-ધંધામાં હાશકારો થયો છે. જેના પરિણામે શેરબજાર પણ ટનાટન જઈ રહ્યું છે. મહામારીનો ડર ઓછો થયો હોવાના કારણે સોનુ પણ ગગડ્યું છે. ગઈકાલે સોનુ ૫૦,૦૦૦ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. સોના-ચાંદીમાં આવેલો ઘટાડો આગામી સમયમાં અર્થતંત્ર ઉપરનું જોખમ ઘટ્યું હોવાનું સુચવે છે.

બીજી તરફ શેરબજારમાં ગત ૨૪ માર્ચ બાદ ૬૬ ટકાના દરે સરેરાશ વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી બજારમાં લેવાલીનો માહોલ રચાયો છે. ખાસ કરીને સ્મોલકેપ અને મીડકેપમાં રોકાણકારોનો રસ વધ્યો છે. અત્યારે ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારો માટે સુરક્ષીત સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતનું માર્કેટ સશક્ત છે.

ગત ૨૪ માર્ચના રોજ સેન્સેકસ છેક ૨૫૬૩૯ પોઈન્ટ સુધી પટકાયું હતું. મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે બજાર સુસ્ત રહી હતી. દરમિયાન અત્યારે વાતાવરણ સાનુકુળ હોવાથી સેન્સેકસ ૪૨૯૫૯ પોઈન્ટ સુધી ઉચકાયું છે. વિપ્રો, ઈન્ફોસીસ, એચસીએલ સહિતની કંપનીઓની આગેવાનીમાં શેરબજારમાં સતત તેજી જોવા મળી છે. સીઆઈઓ-ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ સહિતના ક્ષેત્રમાં વિદેશી ભંડોળ આવ્યું છે. અમેરિકાના સ્થાને ભારત તરફ વિદેશી રોકાણકારોનો રસ વધ્યો હોવાનું અમેરિકાની ચૂંટણી બાદ સામે આવી રહ્યું છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં બીએસઈનું માર્કેટ કેપ ૬૩.૬ લાખ કરોડ જેટલું વધ્યું છે. ભારતીય સ્ટોકમાં રૂા.૫૦,૨૦૦ કરોડનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, રિલાયન્સ અને એકસીસ બેંક સહિતના શેરના કારણે સેન્સેકસમાં ત્રીજા ભાગનો ઉછાળો આવ્યો છે. કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર વધુ મજબૂતાઈથી ઉભરી આવશે તેવા સંજોગો ઉભા થયા છે. શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર માનવામાં આવે છે. અત્યારે આવેલી તેજી ભવિષ્યમાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ તરફ ઈશારો કરી રહી છે.

સેન્સેકસમાં આજે ૩૭૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેન્સેકસનો લો ૪૨૬૬૦ હતો. જ્યારે હાઈ અત્યાર સુધીમાં ૪૨૯૬૬નો રહ્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૨૯૬૦ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બજાજ ફાયનાન્સ, ઈન્ડુસીન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, એસબીઆઈ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સીમેન્ટ સહિતના શેરમાં ૨ ટકાથી લઈ ૪.૩૦ ટકાનો સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આજે બેન્કીંગ, ઓઈલ એન્ડ ગેસ તેમજ એન્જીનીયરીંગ ક્ષેત્રમાં લેવાલી રહી છે. જ્યારે ટેકનોલોજી, ટેલીકોમ અને કેમીકલમાં વેંચવાલીનો માહોલ સર્જાયો છે. અલબત એકંદરે આજે પણ બજાર ટનાટન રહેશે તેવી ધારણા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.