Abtak Media Google News

કોરોના મહામારી વિરૂધ્ધ વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ આવતા સાત દિવસમાં શરૂ કરી દેવાની સરકારની જાહેરાત

પ્રથમ તબકકાનાં રસીકરણ માટે ૨૯,૦૦૦ કોલ્ડ ચેઈન પોઈન્ટસ તૈયાર; ૩૭ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વેકિસન સ્ટોર ઉભા કરાયા

હેલ્થવર્કર અને ફ્રંટલાઈન વોલ્યિન્ટસે રસી માટે નોંધણી કરાવવાની જરૂરિયાત નહિં

૧૨૫ જિલ્લાઓમાં રસી માટેનો પૂર્વાભ્યાસ સફળ

કોરોના વાયરસના ભરડામાંથી મુકત થવા વિશ્વ આખું પ્રયાસમાં જુટાયું છે. કોરોના સામેની લડાઈ વધુ મજબુત બનાવવા રસીકરણ અભિયાન અમેરિકા, બ્રિટન, રશિયા સહિતના મોટાભાગનાં દેશોમાં શરૂ થઈ ગયું છે. ત્યારે હવે, વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન કે જે ભારતમાં આગામી અઠવાડિયાથી શરૂ થવા જઈ રહ્યું છે. આવતા સાત દિવસમાં રસીના ડોઝ આપવાની શરૂઆત થઈ જાય તેમ પ્રથમ વખત ઓફીશ્યલી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના રસીના ડોઝ માટે દર્દીઓએ કોવિન એપ દ્વારા નોંધણી કરાવવી ફરજીયાત છે. પરંતુ હવે, આમાંથી હેલ્થવર્કર અને ફ્રંટલાઈન વોલિયન્ટર્સને બાકાત રખાયા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે, હેલ્થ વર્કસ અને ફ્રંટલાઈન વોલિયન્ટર્સને નોંધણી કરાવવાની જરૂરીયાત નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને જુલાઈ માસ સુધીમાં રસી આપવાનું સરકારનું લક્ષ્યાંક છે. જે માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ પ્રથમ ૩૦ કરોડમાંથી ૩ કરોડને મફતમાં રસી અપાશે. આ માટે દેશભરનાં ૩૭ રાજયો અને સંઘ પ્રદેશોમાં વેકિસન સ્ટોર ઉભા કરાયા છે. રસીનાં સંગ્રહ માટે ૨૯ હજાર જેટલા કોલ્ડચેઈન પોઈન્ટસ તૈયાર કરાયા છે. જેમાં રસી ઉત્પાદક કંપનીઓ પાસેથી સીધા જ ડોઝ યોગ્ય સ્થળે પહોચી શકે તે માટે ખાસ કરનાલ, મુંબઈ, ચેન્નઈ અને કોલકતામાં વેસિન સ્ટોર બનાવાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશના ૧૨૮ જિલ્લામાં ટીકાકરણ માટે પૂર્વાભ્યાસ કરાયો છે. જેના આધારે ડેટા તૈયાર કરાયો છે. જોકે, રસીકરણ કયારે શરૂ થશે? તેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવાનો બાકી છે. પરંતુ અંદાજે આવતા અઠવાડિયેથી શરૂ થઈ જાય તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.