સૌરાષ્ટ્ર નું કોરોના કવચ “કોવિશિલ્ડના 77 હજાર ડોઝ” ક્યા જિલ્લાને કેટલા ડોઝ મળશે? વાંચો સમગ્ર વિગત

રસીની “રસ્સાખેંચ” પૂર્ણ!!

વેલકમ વેક્સિન; રાજકોટ એરપોર્ટ પર રસીનું તિલક અને શ્રીફળ વધેરી સ્વાગત કરાયું

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી સાત જિલ્લામાં ડોઝ મોકલાયા; કોરોનામુક્ત થવું હવે હાથવેંતમાં

કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા આગામી ૧૬મી જાન્યુઆરીથી વિશ્ર્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની ભારતમાં શરૂઆત થવા જઈ રહી છે. આ મહા અભિયાનમાં ‘જાદુઈ છડી’ની જેમ ફાળો ભજવનારી ‘ત્રીદેવ’ રૂપી બે રસીઓ કોવિશીલ્ડ અને કોવેકિસનની પ્રથમ ખેપ આવી જતા મહા રસીકરણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગઈકાલે પૂણે એરપોર્ટથી દિલ્હી પહોચ્યા બાદ અલગઅલગ ૧૩ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિશીલ્ડના ૫૫ લાખ ડોઝે પહોચાડાયા હતા જેમાંથી ગુજરાતને મળેલા કુલ ડોઝમાંથી સૌરાષ્ટ્રને કોરોના કવચ રૂપી ૭૭ હજાર ડોઝ મળ્યા છે જે આજરોજ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોચતા કૃષિમંત્રી આર.સી.ફળદુ, સાંસદ મોહન કુંડારીયા સહિતના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓએ શ્રીફળ વધેરી, કંકુ તીલક કરી વેકિસનનું વેલકમ કર્યું હતુ.

ગુજરાતના હૃદયસમા સૌરાષ્ટ્રને મળેલા કુલ ૭૭ હજાર ડોઝમાંથી રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાનાં ૭ સ્થળોએ પહોચાડાયા છે. જેમાંથી રાજકોટ જિલ્લા પંચાયતને ૯૦૦૦ ડોઝ, રાજકોટ મનપાને ૧૬૫૦૦ ડોઝ જયારે જામનગર જિલ્લા પંચાયત અને મનપાને ક્રમશ: ૫૦૦૦ અને ૯૦૦૦ ડોઝ, દ્વારકાને ૪૫૦૦, પોરબંદરને ૪૦૦૦, મોરબીને ૫૦૦૦ અને કચ્છને ૧૬૦૦૦ ડોઝ મળ્યા છે. આ તમામ ડોઝ ૨ થી ૮ ડીગ્રી સેલ્સીયસન્સે જળવાઈ રહે તે તાપમાને સંગ્રહાશે આ માટે તમામ જિલ્લાનાં મહાનગરોમાં કોલ્ડ સ્ટોરેજ સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે. બેન્ડ, બાજા અને બારાત તૈયાર જ હતા માત્ર રાહ હતી તો વરરૂપી વેકિસનએ પણ હવે, આવી જતા ૧૬મીથી રસીકરણ શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. જેમાંથી ઉગરી પહેલા જેવી પરિસ્થિતિ કરવા તમામ રાષ્ટ્રો ઉંધેકાંધ થયા છે. તો બીજી તરફ રસીને લઈ સો ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ, સંગ્રહ ક્ષમતા અને કિંમતોને લઈ રસીની ‘રસ્સા ખેંચ’ જામી હતી. પરંતુ વિશ્ર્વના મોટાભાગના દેશો અને ભારતમાં પણ રસીકરણ ઝુંબેશ હાથ ધરાતા આ ‘રસ્સા ખેંચ’નો અંત આવ્યો છે તો સાથે જ કોરોનામાંથી મૂકત થવું હવે, હાથવેંતમાં જ હોય તેમ લાગી રહ્યું છે.

Loading...