કોરોનાનું પણ કૌભાંડ: બોગસ વીમા પકવતી ગેંગ ઝડપાઇ

નેગેટિવ રિપોર્ટને પોઝિટિવ બતાવી વીમો પકવતા ૩ તબીબોની ધરપકડ કરાઈ

કોરોનામાં અગાઉ રેમદેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું હતું જેનો રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડઘો પડ્યો હતો. જે બાદ કોરોનાનું બીજું એક કૌભાંડ સામે આવ્યું છે. કોરોના સંક્રમિત થતા દર્દીઓના સારવારમાં  વીમારૂપે મળતી સહાયમાં પણ કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા રેકેટનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. કોરોના દરમિયાન ઇન્શ્યોરન્સ ક્લેમ પકવવાનુ કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે જે.પી. પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ બાલાજી હોસ્પિટલના સંચાલક, દ્વારકેશ લેબના સંચાલક, એચડીએફસી એર્ગો ઇન્શ્યોરન્સના એજન્ટ અને મિતેષ પ્રજાપતિ સામે ગુનો નોંધાયો હતો.

અમદાવાદ ખાતે બનાવટી કોરોના રિપોર્ટ તૈયાર કરી કૌભાંડ આચરવાના કૌભાંડમાં ચાલી રહેલી તપાસ દરમિયાન ટોળકી દ્વારા વધુ એક બનાવટી કોરોના રિપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવતા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી ગોરવાની કેર હોસ્પિટલના ભેજાબાજ એડમિનિસ્ટ્રેટર દિપક તિવારીની પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ શહેરના જેતલપુર રોડ પર આવેલા ન્યૂબર્ગ લેબોરેટરી ખાતે ગત ૮મી જાન્યુઆરીના રોજ એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ મેડિક્લેમ કંપનીમાંથી કોવિડ-૧૯ના ત્રણ રિપોર્ટ ચકાસણી માટે આવ્યાં હતા. જેની તપાસ કરતા મિતેશકુમાર પ્રજાપતિ અને તેમના પત્ની જ્યોતિબહેનનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે ચકાસણી માટે આવેલા રિપોર્ટ જોતા તેમા છેડાછેડ કરી નેગેટીવ રિપોર્ટને પોઝિટીવ બનાવવામાં આવ્યુ માલુમ પડ્યું હતુ.ગત ૮મી જાન્યુઆરીના રોજ જે.પી પોલીસ સ્ટેશન ખાતે કોવિડ-૧૯ ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે પોલીસ તપાસ કરતા મીતેશકુમાર પ્રજાપિત, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા અને વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મુખ્યસૂત્રધાર મીતેશકુમારની પુછપરછ કરતા ઉપરોક્ત બનાવ અંગેની તમામ હકિકત બહાર આવી હતી.

જેમાં એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા પ્રવિણકુમાર પરમાર પાસે મીતેશ પ્રજાપતિએ કોવિડ – ૧૯નો ઇન્શ્યોરન્સ કઢાવ્યો હતો. ઇન્શ્યોરન્સના રૂપિયા મેળવવા માટે ટોળકીએ બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીના સંચાલકની મદદથી ખોટા અને બનાવટી રિપોર્ટ તૈયાર કરી મીતેશ અને તેની પત્નીના કોરોના રિપોર્ટ નેગેટીવ હોવા છતાં પોઝિટીવ બનાવી મેડિક્લેમ પાસ કરાવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. દંપત્તિએ વડોદરામાં એક પણ દિવસ આવ્યા વગર અને સારવાર લીધા વગર બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા.

આ મામલે બનાવની તપાસ કરી રહેલા જેપી પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.પી ગોસાઇએ જણાવ્યુ હતું કે, ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની પુછપરછ કરતા ગોરવા વિસ્તારમાં આવેલી કેર હોસ્પિટલમાં એડમિનીસ્ટ્રેટર તરીકે કામ કરતા દિપક તિવારીની સંડોવણી બહાર આવી હતી. દિપક અને એચડીએફસી એર્ગો હેલ્થ  મેડીકલેઇમ કંપનીના એજન્ટ કરીકે કામ કરતા પ્રવિણ પરમારની સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એજન્ટ પ્રવિણના કહેવાથી દિપક તિવારી દ્વારા કોરોનાના નેગેટીવ રિપોર્ટમાં ’આઈ લવ પીડીએફ:  એપ્લિકેશન થકી એડિટીંગ કરી બનાવટી પોઝિટીવ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો.બનાવટી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે એજન્ટ પ્રવિણ, એડમિનીસ્ટ્રેટર દિપકને પ્રતિ રિપોર્ટ રૂ. ૧૦ હજાર નક્કી કર્યા હતા. જો કે, તપાસમાં આવનારા સમયમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.

Loading...