Abtak Media Google News

પોરબંદરના ૮ નેવી જવાનો પણ કોરોનાની ઝપટે : જૂનાગઢમાં પણ એક મહિલા કોરોનાગ્રસ્ત

સૌરાષ્ટ્રમાં કોરોનાનો વધતો જતો હાહાકાર : ૧૨ જિલ્લામાં ૫૦૦થી વધુ કોરોનાગ્રસ્ત

રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં દારૂના ગુનાહમાં અમદાવાદ પાસા હેઠળ મોકલેલા બુટલેગરનો કબ્જો મેળવવા રાજકોટ એસઓજીની ટીમ લેવા ગયા બાદ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસઓજીની ટીમ ના પીએસઆઇ સહિત ત્રણ લોકોને કોરેઇન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર ના ૮ નેવી જવાનો પણ કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં પણ વધુ એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યાનું જાણવા મળ્યું છે. જયારે સૌરાષ્ટ્રમાં કુલ ૧૨  જિલ્લામાં અત્યાર સુધી ૫૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં માંડાડુંગર વિસ્તારમાંથી દારૂના ધંધાર્થી ભાવેશ ડાભીને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલા બુટલેગરનો કબ્જો મેળવવા માટે રાજકોટ એસઓજીના પીએસઆઇ એમ.એન. અંસારી સહિત ત્રણ જવાનો આરોપીનો કબ્જો મેળવવા અમદાવાદ ગયા હતા. ત્યાંથી આરોપી ભાવેશ ડાભીને કારમા બેસાડી રાજકોટ લાવ્યા બાદ નિયમ મુજબ તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો આજરોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે.

આરોપી ભાવેશ ડાભીને અમદાવાદ સાબરમતી જેલમાંથી કોરોનાનો ચેપ લાગતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેનો કબ્જો મેળવવા ગયેલા એસઓજીના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફના ત્રણ જવાનોને ફેસિલિટી કોરેઇન્ટાઇન કરી તેમના સેમ્પલ મેળવવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથધરી છે.

અગાઉ પણ રાજકોટના હોટસ્પોટ વિસ્તારમાં જ્યારે કોરોનાનો રાફડો ફાટ્યો હતો ત્યારે પવિત્ર રમઝાન માસ પર એસઓજી પીએસઆઇ એમ.એન. અંસારીએ રોઝા રહેતા ભાઈઓ બહેનોની સેવામાં હતા ત્યારે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ત્યારે પણ તેમને

કોરેઇન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વધુ એક વાર આરોપીના કબ્જા દરમિયાન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેમને વધુ એક વખત ફેસિલિટી કોરેઇન્ટાઇન કરવામાં આવ્યા છે.

જૂનાગઢમાં પણ ગત મોડી રાતે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં સુખનાથ ચોક પાસે લાધાવડ વિસ્તારમાંથી રહેતી ૩૦ વર્ષની મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરી સંપર્કમાં આવેલા લોકોને કોરેઇન્ટાઇન કરવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથધરી છે.જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૩૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં તમામ ૧૨ જિલ્લામાં કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે ત્યારે કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. ભાવનગર અને રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો ફેલાવો વધતા બન્ને જિલ્લામાં ૧૦૦ થી પણ વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે વધુમાં સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને પોરબંદરમાં પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. સામે સાજા થતા દર્દીઓની પણ સંખ્યા વધતા રાહતનો શ્વાસ અનુભવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.