સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબુ: વધુ ૩૦૦ પોઝિટિવ કેસ

રાજકોટમાં એક અઠવાડિયામાં શહેરી વિસ્તારના ૧૧ સહિત ૬૭ દર્દીઓને કોરોના ભરખી ગયો

જામનગરમાં ૫૫, અમરેલીમાં ૨૬, ગીર સોમનાથ ૧૬, પોરબંદર ૧૩ અને જૂનાગઢ ૨૦ કેસ

સૌરાષ્ટ્રમાં કોરોનાની દહેશત વધતી દેખાઈ રહી છે. એક જ દિવસમાં ૩૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજ રોજ રાજકોટમાં વધુ ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટમાંછેલ્લા એક અઠવાડિયામાં ૬૭ કોરોનાગ્રસ્ત લોકોના મોત નિપજ્યા છે. જેમાં ૧૧ મોત રાજકોટ શહેરી વિસ્તારમાં જ નોંધાયા છે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ કોરોના રાફડો ફાટ્યો છે.

રાજકોટમાં મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે ૭૮૮ સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેનાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજ રોજ વધુ ૪ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજ્યા છે. છેલ્લા એક અઠવાડિયા સમયગાળામાં રાજકોટ શહેરી વિસ્તારમાં ૧૧ મળી કુલ ૬૭ દર્દીના મોત નિપજ્યા છે. ગઈ કાલે કેન્સર હોસ્પિટલમાં ૩ નર્સ સહિત ૭ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ને સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. ખાસ ગોંડલ તાલુકામાં સબ જેલમાં કોરોના સંક્રમણ વધતા ૧૦ કેદીઓ કોરોના સંક્રમણમાં ચડી ચુક્યા છે. જ્યારે જેતપુર તાલુકામા એન્ટીજન કીટના ઉપયોગથી છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે જેતપુર અને ધોરાજીમાં વધુ ૮-૮ કોરોના કેસ, ગોંડલમાં ૬, જસદણ ૪, અને રાજકોટ તાલુકા કંડોરણાં અને પડધરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસ વાયુવેગે વધી રહ્યા છે.જામનગર જિલ્લામાં ગઈ કાલે ન્યાયાધીશ સહિત વધુ ૫૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં વધુ ૨૬, ગીર સોમનાથ જિલ્લામાં ૧૬, પોરબંદર ૧૩, મોરબી ૪ અને જૂનાગઢ વધુ ૨૦ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા હતા.

Loading...