Abtak Media Google News

રાજકોટમાં વધુ બે કોરોનાગ્રસ્ત : જામનગરમાં એક દિવસમાં ૨૦ લોકો કોરોનાની ઝપટે, બેનાં મોત : સુરેન્દ્રનગરમાં વધુ ૧૦ કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્રમાં કોરોનાને હાહાકાર મચાવ્યો છે. વધુ એક દિવસમાં સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લામાં ૫૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજકોટ જિલ્લામાં ગઈ કાલે ૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજ રોજ શહેરી વિસ્તારમાં વધુ બે કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ૨૪ કલાકમાં વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત નિપજ્યા છે.  સુરેન્દ્રનગરમાં પણ વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અમરેલી,જૂનાગઢ, વેરાવળ અને ભાવનગરમાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યા વધી છે.

રાજકોટમાં ગઈ કાલે ઝવેરી, આરોગ્ય કર્મચારી સહિત ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે આજ રોજ સવારે રૈયા રોડ હનુમાન મઢી પાસે વીંછીયાથી આવેલા ૪૪ વર્ષના પુરુષ અને બાલાજી હોલ પાસે ઓમનગર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષના મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગઈ નંદા હોલ પાસે રહેતા રેખાબેન યોગેશભાઈ ખેર નામના ૩૫ વર્ષના મહિલાને કોરોના નો ચેપ લાગ્યો છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૧૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે ગોંડલમાં રહેતા દંપતીને પણ કોરોના હોવાનું જાણવા મળ્યું છે. ભોજરાજપરા વિસ્તારના વિનોદભાઈ બચુભાઇ રૈયાણી નામના ૬૫ વર્ષના વૃદ્ધ અને તેમના પત્નિ હંસાબેન પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા. કોરોનાગ્રસ્ત દંપતીની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાથી આરોગ્ય વિભાગમાં ચિંતાનો વિષય બન્યો છે.જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ ૪૦ અને તેમના પત્ની રેશ્માબેન ઉ.વર્ષ ૩૫ ને કોરોના પોઝીટીવ આવ્યો છે.જાવેદભાઇ રાજકોટ રહે છે બે દિવસ પહેલા તેમનાં સબંધીને કોરોના પોઝીટીવ આવતા કોવિડ પોઝીટીવ સેન્ટરમાં મુકવા ગયા હોવાનું જાણવા મળ્યું છે.તેમના સંપર્ક માં આવેલા ૧૦ લોકો ને સમરસ ખાતે કોરેન્ટાઇન કરેલ છે. તથા રઝા નગર ૪ ના ૩૬ ઘર ને ક્ધટાઇન્ટ કરેલ છે. જેમાં  ૧૬૧ સભ્યો છે.આ બંને કેસ રાજકોટ શહેરના ગણાશે નહીં.

જામનગર જિલ્લામાં ગઈ કાલે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ૨૪ કલાકમાં વધુ ૨૦ દર્દીઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. જ્યારે બે દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગરમાં કોરોના સંક્રમણની બેકાબુ ગતિ આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો બની છે. જેમાં છેલ્લા ૮ દિવસમાં જિલ્લામાં ૭૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક ૧૫૦ને પાર પહોંચ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો કહેર વકર્યો છે. ગઈ કાલે સુરેન્દ્રનગર શહેરમાં ૮ જ્યારે વઢવાણ અને પાટડીમાં વધુ એક-એક કોરોનાગ્રસ્ત રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ એક દિવસમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારોમાં આવેલા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કાર્યવાહી હાથધરી છે.

જૂનાગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી રહી છે.ગઈ કાલે જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં કેશોદના શેરગઢના ૫૦ વર્ષના મહિલા, રેલવે સ્ટેશન રોડ પર ૩૫ વર્ષના પુરુષ સહિત વધુ ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને રજા આપવામાં આવી છે.

રાજુલા તાલુકામાં અત્યાર સુધી કોરોનામુક્ત રહ્યા બાદ ગઈ કાલે તાલુકાનો સૌપ્રથમ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયો છે. સાંઈબાબા મંદિર પાસે રહેતા જીતેન્દ્રકુમાર મંગલદાસ મેહતા નામના ૬૯ વર્ષના વૃદ્ધ મુંબઈથી આવ્યા બાદ તેઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.