કોરોનાથી કાશીના પર્યટન ઉદ્યોગને ૩ હજાર કરોડનું નુકશાન; વિશેષ પેકેજની માંગ

અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા શહેરની હાલત કથળી

જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં સ્થિતિ સુધરે એવી શકયતા નથી: પ્રવાસન વેલ્ફેર એસો.

કોરોનાના કારણે દેશના પ્રવાસન ઉદ્યોગને મોટું નુકશાન થયું છે. તેમાં દેશની પ્રવાસનનગરી તથા સાંસ્કૃતિકનગરી તરીકે જાણીતા વારાણસી પણ બાકાત નથી હવે અહી હાલત નહીં સુધરે તો નાણાંકીય વર્ષમાં રૂા.૩ હજાર કરોડનું નુકશાન થવાની ધારણા છે. જેથી પ્રવાસન ઉદ્યોગે સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરીછે.

દેશમાં કોરોનાની શરૂઆતથી જે લોકડાઉન થયું ત્યારથી જ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ છે. જેની સૌથી વધુ માઠી અસર પ્રવાસન ઉદ્યોગને થઈ છે. દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં મહત્વનું યોગદાન આપતા વારાણસી શહેર સામેલ છે. પણ હવે અનલોક થયા બાદ પણ પ્રવાસન ઉદ્યોગ લગભગ ઠપ છે.

પ્રવાસન વેલ્ફેર એસોસિએશન વારાણસીનાં અધ્યક્ષ રાહુલ મહેતાએ જણાવ્યું હતુ કે વારાણસી માત્ર પ્રવાસન ઉદ્યોગ પર જ નિર્ભર છે.

લોકડાઉન બાદ આર્થિક મુશ્કેલી છે. અને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સમય લાગે તેમ છે. વારાણસીમાં જ દર વર્ષે ૩.૫ લાખ વિદેશી પ્રવાસીયો અને ૬૦ લાખ સ્થાનિક પ્રવાસીઓ આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા છ સાત માસથી પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ છે. અને આગામી વર્ષનાં જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી સુધારાની કોઈ શકયતા નથી.એવામાં જો માર્ચ સુધીમાં પ્રવાસન કંઈ નહી કરે તો એક અનુમાન મુજબ ૩ હજાર કરોડનું આ ઉદ્યોગને નુકશાન થશે.સૌથી વધુ મુશ્કેલી પ્રવાસન ઉદ્યોગ પરજ નભતા ટેકસી ડ્રાઈવર, નાવિક તથા ટુરીસ્ટ ગાઈડની સ્થિતિ બહુ ખરાબ છે. આવી સ્થિતિમાં અમે સરકાર પાસે પ્રવાસન ઉદ્યોગ માટે ખાસ પેકેજની માગણી કરી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું કે અમારો એસોસીએશને એક ફિલ્મ ટુરીઝમ કમીટી બનાવી છે જેના થકી વારાણસીમાં પ્રવાસન ફિલ્મ પ્રવાસનની મદદથી વધારવાની કોશિષ કરવામાં આવી રહી છે.

Loading...