Abtak Media Google News

કોરોનાના કપરાકાળમાં પ્રજાએ ઘણો ભોગ આપ્યો, આપણે પણ થોડો ભોગ આપવો પડે તેવું કહી નાણામંત્રી નીતિન પટેલે વેરામાં કોઈ પ્રકારનો વધારો નહીં કરવાની કરી ઘોષણા

ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવું રૂા.227029 કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી, કમ નાણામંત્રી નીતિન પટેલે રાજ્યવાસીઓને સૌથી મોટી રાહત આપતા એવી ઘોષણા કરી હતી કે, આગામી નાણાકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા એકપણ પ્રકારના વેરામાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. આટલું જ નહીં કોરોનામાં આર્થિક કટોકટીના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ ધારાસભ્યની ગ્રાન્ટ આગામી નાણાકીય વર્ષના આરંભે જ શરૂ કરી દેવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનમાં પ્રજાએ ઘણો ભોગ આપ્યો છે. ધંધા-રોજગાર બંધ રહેવાના કારણે આર્થિક નુકશાની સહન કરી છે. જો પ્રજા ભોગ આપી શકતી હોય તો રાજ્ય સરકારની પણ ફરજ છે કે, થોડો ઘણો ભોગ આપવો જોઈએ. આગામી નાણાકીય વર્ષના અંદાજપત્રનું કદ ભલે મોટુ રહ્યું પરંતુ એકપણ પ્રકારના વેરામાં કોઈપણ જાતનો વધારો ન કરવાનો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં પણ ગુજરાતે વણથંભી વિકાસ યાત્રા જાળવી રાખી છે. આવામાં વેરામાં વધારો કર્યા વિના અમે આવકના નવા સ્ત્રોત ઉભા કરી વિકાસ યાત્રા સતત ચાલુ રાખીશું તેવી પણ ખાતરી નાણામંત્રીએ આપી હતી. સાથો સાથ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આગામી નાણાકીય વર્ષના આરંભથી જ ધારાસભ્યોની ગ્રાન્ટ જે છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે તે શરૂ કરી દેવામાં આવશે. વેરામાં વધારો નહીં કરવાની નાણામંત્રીની જાહેરાતથી જનતાને મોટી  રાહત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.