કોરોના કેડો મુકતો નથી, વધુ ૪૫ કેસ: ૮૭ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ થનારાની સંખ્યામાં વધારો: રિકવરી રેટ ૮૧.૧૯ ટકાએ આંબયો

કોરોના કેડો મુકવાનું નામ લેતો નથી, ગઈકાલે દિવસ દરમિયાન ૧૦૪ પોઝિટિવ કેસો મળી આવ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ ૪૫ કેસો નોંધાયા છે. શહેરના ૮૭ વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં કોવીડ અને નોન કોવિડથી આજે જિલ્લામાં ૧૫ વ્યક્તિના જીવનદીપ બુજાઈ ગયા છે. બીજી તરફ સારી વાત એ છે કે, પોઝિટિવ કેસોની સરખામણીએ હવે ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધી છે અને રિકવરી રેટ પણ ૮૧.૧૯ ટકાએ પહોંચી જવા પામ્યો છે.

મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગઈકાલ સાંજે ૫ વાગ્યાથી લઈ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના વધુ ૪૫ કેસો મળી આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૬૧૩૩એ પહોંચવા પામી છે. આજ સુધી કુલ ૪૯૪૩ લોકોએ કોરોનાને હરાવ્યો છે અને આજે રિકવરી રેટ પણ ૮૧.૧૯ ટકાએ પહોંચ્યો છે. આજ સુધીમાં કુલ ૨,૧૬,૬૧૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સામે પોઝિટિવિટી રેટ માત્ર ૨.૮૧ ટકા છે. ગઈકાલે ૧૦૪ કેસ નોંધાયા હતા. જેની સામે ૧૦૮ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યા હતા. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ હેલ્થ બુલેટીનમાં રાજકોટ જિલ્લામાં કોવિડ અને નોન કોવિડથી ૧૫ લોકોના મૃત્યુ નિપજયા છે. શહેરમાં બિગબજાર સામે બ્રહ્મકુંજ સોસાયટી, મોરબી રોડ પર જમના પાર્ક, ટાગોર રોડ પર જનતા સોસાયટી, પંચવટી મેઈન રોડ અમૃતા સોસાયટી, એરપોર્ટ રોડ પર આશુતોષ સોસાયટી, પેડક રોડ પર ગુજરાત સોસાયટી, રઘુવીર પાર્ક, સાધુવાસવાણી રોડ સ્ટાર રેસીડેન્સી, કિશાન પરાચોકમાં રાધેકૃષ્ના સોસાયટી સહિત ૮૭ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ગઈકાલે કોર્પોરેશનની ૧૦૩૧ સર્વેલન્સ ટીમ દ્વારા ૪૪૯૭૮ ઘરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાવ-શરદીના લક્ષણ ધરાવતા ૩૩ વ્યક્તિ મળ્યા હતા તેને સારવાર આપવામાં આવી હતી. ધનવંતરી દ્વારા સરેરાશ રોજ ૨૨૫ ઓપીડી કરવામાં આવી રહી છે. ૫૦ ધનવંતરી રથનો ગઈકાલે ૧૧૨૫૭ વ્યક્તિએ લાભ લીધો હતો જ્યારે ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે ૨૪૯૩ ઓપીડી થયાનું નોંધાયું છે. સંજીવની રથ દ્વારા હોમ કવોરન્ટાઈન કરાયેલા ૧૨૭૭ ઘરોને પણ હેલ્થ ચકાસણીની સુવિધા આપવામાં આવી રહી છે.

Loading...