Abtak Media Google News

વિશ્વ હેલ્થ ડે

ઘરે બેસી તંદુરસ્ત રહેવા લોકોએ તેના ખોરાકનો સમય નિર્ધારીત કરી લેવો જોઈએ

આજે વર્લ્ડ હેલ્થ ડે ત્યારે સમગ્ર વિશ્ર્વ કોરોનાના ભરડામાં આવી ગયું છે અને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે માટે જયારે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે. આ તકે લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે તે પણ અત્યંત આવશ્યક છે. વર્લ્ડ હેલ્થ ડે નિમિતે અનેકવિધ સંસ્થાઓ દ્વારા મળતી વિગતો મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, કોરોનાએ લોકોને હેલ્થ થી વેલ્થ તરફ વાળ્યા છે. હાલ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થતા લોકોએ ઘરે બેસી કામ કરવું પડે છે ત્યારે આ સમયગાળામાં જો લોકો તેમની ફુડ હેબિટ ઉપર નિયંત્રણ રાખે અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આરોગે તો તેમનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય શકશે અને તેઓ સ્વસ્થ પણ બનશે.

આ સમયગાળા દરમિયાન લોકોએ ઘરનો ખોરાક ખાવો અત્યંત હિતાવહ છે જેમાં પ્રોટીન, વિટામીન અને મિનરલયુકત ખોરાકથી લોકો તંદુરસ્ત પણ રહે છે. રોજીંદા કાર્યોમાં લોકો કામ કરતી વખતે બહારનો ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે જેની પુરતી આ સમયમાં ઘરે રહી સ્વાસ્થ્યવર્ધક ખોરાકથી કરી શકાય છે. જયારે બીજી તરફ લોકોએ ખોરાકનું પ્રમાણ નિર્ધારીત કરવું પડે છે કે કેટલા માત્રામાં કયો ખોરાક કેટલા પ્રમાણમાં લેવો જોઈએ જેથી અતિરેક ખોરાક ન થાય અને સ્વાસ્થ્ય જોખમાય નહીં. હાલ જે સૌથી મોટો પ્રશ્ર્ન ઉદભવિત થાય છે આ સમયમાં તે એ છે કે, લોકડાઉનની સ્થિતિમાં લોકો કોઈપણ સમયે ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે જે ખરાઅર્થમાં અયોગ્ય છે ભલે કોઈ૫ણ વ્યકિત ઘરે રહી કામ કરતો હોય પરંતુ તેને યોગ્ય સમયે પુરતો ખોરાક લેવો એટલો જ જરૂરી છે. રાત્રીનાં ૯ વાગ્યા પહેલા જો જમવાનું પૂર્ણ થઈ જાય તો તે લોકોનાં સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી બની રહેશે. કામ કરતી વેળાએ લોકોને જો ભુખ લાગે તો તે સમયમાં તેઓએ ફળ, બાફેલી મકાઈ જેવો હેલ્ધી ખોરાક આરોગવો જોઈએ. લોકડાઉન સમયમાં અને ઋતુમાં ઉનાળો હોવાથી લોકોએ પુરતા પ્રમાણમાં પાણી પણ પીવું જોઈએ જેથી માથાનો દુખાવો, શરીર તુટવા જેવી તકલીફોનો સામનો ન કરવો પડે.

તબીબોના જણાવ્યા મુજબ લોકોએ ખોરાક લેતા પહેલા પાણીનું પ્રમાણ વધારવું જોઈએ જયારે ખોરાક લેતી વખતે પાણીનું સેવન નહીવત માત્રામાં કરવાનું પણ સુચવવામાં આવ્યું છે. રાજયમાં લોકોને સૌથી વધુ જો કોઈ ચીજનું વ્યસન હોય તો તે ચા અથવા કોફીનું માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે લોકડાઉન પીરીયડમાં લોકોએ તેમનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રતિ દિવસ ૨ થી ૩ કપ ચા અથવા તો કોફીનું સેવન કરવું જોઈએ જેથી પાચનશકિતમાં પણ વધારો થશે અને અન્ય કોઈ પ્રકારની તકલીફનો પણ સામનો નહીં કરવો પડે. ઘરમાં રહેતી વેળાએ લોકોએ પુરતા પ્રમાણમાં શારીરિક શ્રમ એટલે કે એકસાઈઝ પણ કરવી જોઈએ જેથી સ્વાસ્થ્ય પણ જળવાય અને સારા એવા વિચારોનું પણ આદાન-પ્રદાન થઈ શકશે.

સ્વાસ્થ્ય માટે બદામ અકસીર

આજે વર્લ્ડ હેલ્થ ડે એટલે કે હાલના લોકડાઉન સમયમાં લોકો તેનો ઉપયોગ પૂર્ણત: કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લોકોએ સ્વસ્થ રહેવા માટે કયો ખોરાક લેવો જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે ત્યારે તબીબોનાં જણાવ્યા મુજબ સ્વાસ્થ્ય માટે બદામ અત્યંત અકસીર ખોરાક ગણવામાં આવે છે. બદામનું સેવન કરવાથી હૃદયને લગતી તકલીફોમાંથી મુકિત પણ મળે છે. બ્લડપ્રેશર પણ નિયંત્રિત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે જયારે બીજી તરફ કાર્ડિયો વેસકયુલર રોગમાંથી પણ લોકોને બદામ જ ઉગાડે છે. પ્રતિ દિવસ બદામનું સેવન કરવાથી હૃદયને લગતી બિમારીમાં સાડા ત્રણ ટકા જેટલો ઘટાડો થઈ શકયો છે. એવી જ રીતે બદામનું સેવન કરવાથી ચામડીને લગતા રોગોમાં પણ ઘણાખરા અંશે ઘટાડો થાય છે તથા ખરડાઈ ગયેલી ચામડી પણ સારી અને સ્વસ્થ બની જઈ ઉપયોગી સાબિત થાય છે. બદામનાં સેવનથી ચામડીને લગતા જે રોગો થતા હોય તેમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળે છે. સાથો સાથ શરીરનાં વજનને નિયંત્રિત રાખવા માટે પણ બદામ અકસીર સાબિત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.