Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં અન્ય બીમારીઓના દર્દીઓમાં ૮૦% નો ધરખમ ધટાડો: ભીડ-ભાડ ન થાય તે માટે ફક્ત ઇમરજન્સી સારવાર ચાલુ: ઓપીડી અડધો દિવસ સુધી જ ચાલુ: દર્દીઓ અંતર રાખી લાઈનમાં ઉભા રહ્યા

કોરોના કોવિડ ૧૯ ના વાયરસના પગલે દુનિયાભરમાં મહામારી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ દેશને પણ લોક ડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કુલ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે અને જેમાંથી ૩ લોકોના મોત નિપજ્યા છે. જેના દ્વારા કોરોનાએ અન્ય બીમારીઓના દર્દીઓને કોરા કર્યા હોય તેવું લાગી રહ્યું છે.સૌરાષ્ટ્રમાં દર્દીઓના કેન્દ્ર સ્થાન પર રહેતી પીડિયું સિવિલ હોસ્પિટલમાં શહેર અને આસપાસના જિલ્લાઓ માંથી જુદી જુદી બીમારીઓ ની સારવાર માટે હજારોની સંખ્યા દર્દીઓ આવતા હોય છે. પરંતુ કોરોનાની બીમારી થી બચવા કેન્દ્ર સરકારના આદેશ દ્વારા સમગ્ર દેશ લોક ડાઉન બાદ સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની ભીડ ઘટાડવા સામાન્ય બીમારીઓ માટે દર્દીઓને હોસ્પિટલ ના આવવા અને જરૂર લાગે તો ઇમરજન્સી સારવાર લેવાનો અનુરોધ કર્યો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં અન્ય બીમારીઓના દર્દીઓમાં ૮૦% જેટલો ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના કોવિડ ૧૯ ના કારણે અન્ય તમામ બીમારીઓના દર્દીઓ માં મોટો ઘટાડો જોવા મળે છે. જેમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં કોરોના શંકાસ્પદ દર્દીઓ અને પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. કોરોના ચેપી રોગ હોવાને કારણે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય બાબતે કોઈ પણ દર્દીઓ કે તેના સંબંધીઓને હોસ્પિટલ માં ન આવવા અને ઘર પાસેજ તબીબનો સંપર્ક કરી સારવાર લેવાનો અનુરોધ આપતા સિવિલ હોસ્પિટલમાં સન્નાટો છવાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રભર માંથી રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલ ખાતે હર રોજ ૨૫૦૦ થી ૩૦૦૦ દર્દીઓની ઓપીડી સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ લોક ડાઉનના પગલે હોસ્પિટલમાં પણ ભીડના થાય તે માટે ઓપીડી અડધો દિવસ ચાલુ રાખવામાં આવી રહી છે. જેનાથી હોસ્પિટલમાં દર્દીઓમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. દર્દીઓથી ધમધમતું સિવિલ હોસ્પિટલમાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે.

છેલ્લાં ૩ થી ૪ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના ૫૦૦ થી ૬૦૦ જ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સાથે આવતા દર્દીઓને પણ ભીડભાળ ન થાય તે રીતે સારવાર આપવામાં આવી રહી છે. કેસબારી અને દવાબારી એ લાગતી લાંબી કતારો સુન પડી ગઈ છે.સાથે ઇનડોર દર્દીઓના વોર્ડમાં પણ જરૂર ન જણાય તેમને રજા આપવામાં આવી છે. જેથી ઇનડોર વોર્ડ પણ ખાલીખમ થઇ ગયા છે.

આ સાથે કોરોના વાયરસ ખૂબ ચેપી હોવાથી બે લોકો વચ્ચે જરૂરી અંતર રાખવાનું સુચવામાં આવ્યું છે. ત્યારે શહેરભરમાં મેડિકલ સ્ટોર કે ભીડભાળ વાડા સ્થળ પર એક એક મિત્રના અંતર પર ગોડ રાઉન્ડ કરવામાં આવ્યા છે. જે રીતે સિવિલ હોસ્પિટલમાં પણ નવી બિલ્ડિંગમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ માટે ફલૂ વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યાં સારવાર માટે આવતા દર્દીઓ માટે એક એક મીટર ના અંતર પર ગોડ રાઉન્ડ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે જ દર્દીઓને લાઈનમાં ઉભું રહેવાનું રહેશે.

કોરોના વાયરસના પગલે લોકોની ભીડ અને ચેપ ન લાગવાના પ્રશ્ને સિવિલ હોસ્પિટલમાં  આવતા જુદી જુદી બીમારીઓના દર્દીઓને બને ત્યાં સુધી પોતાના ઘર ની આસપાસના જ આરોગ્યકેન્દ્ર પર જ દવાઓ લઈ લેવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય કોઈ પણ ઇમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ૨૪સ૭ ખડેપગે હોવાનુ જણાવ્યું હતું. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં અન્ય બીમારીઓના દર્દીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

સિવિલ હોસ્પિટલમાં ડિસઈન્ફેકશનની કામગીરી

કોરોનાના સંક્રમણના સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓનાં ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ, નવીબિલ્ડીંગ, જુની બિલ્ડીંગ સહિતના વિભાગમાં ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ડિસ ઈન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી હતી. ચીફ ઓફીસર ડી.જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ સીવીલના વિવિધ વોર્ડ પાસે ડિસ ઈન્ફકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

જરૂરિયાતમંદ લોકોને દવાની ફ્રી હોમ ડિલેવરી

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર પર વાઈરસનુંહ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે લોકોને ઘરની બહાર ન નીકળવું પડે અને ઘર બેઠા જ જરૂરી દવઓ મળી રહે તે માટે કુરીયર એસોસીએશનના હોદેદારો દ્વારા મનપા સાથે બેઠક યોજી નાગરીકોને ફ્રી હોમ ડીલવરી કરવાનો નિર્ણય લીધો હતો.

હોમ કોરન્ટાઈન કરાયેલા લોકોના ઘરે જઈ તપાસ કરતા તબીબો

કોરોના સંક્રમણના સામે લેવાઈ રહેલા વિવિધ પગલાના ભાગરૂપે વિદેશથી આવેલા લોકોના પરિવારને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ચાર પોઝેટીવ કેસના દર્દી સહિત ૬૬૨ કોરોન્ટાઈન લોકોના હોમની તબીબી ટીમો દ્વારા સવાર સાંજ રૂબરૂ મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. જરૂર પડયે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી તબીબી ટીમો દ્વારા માહિતી ઉચ્ચ અધિકારી સુધી આપવામાં આવે છે.

કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનાં તબીબો ખડપગે: ઓપીડીમાં થયો વધારો

રાજકોટ શહેરમાં ચાર કોરોનાના પોઝીટીવ કેસ જોવા મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જંગલેશ્ર્વર વિસ્તાર કોલેજ વાડી, જાગનાથ સોસાયટીમાં કોરોના વાઇરસના સંક્રમણ સામેના સાવચેતીના પગલારૂપે આરોગ્ય કેન્દ્રોને ચોવીસે કલાક ખુલ્લુ રાખવા સૂચના અપાઇ છે. ૧૮ વોર્ડના ર૧ આરોગ્ય કેન્દ્રમાં આવતા તાવના દર્દીઓ, શરદી, ઉઘરસ, શંકાસ્પદ કોરન્ટાઇન દર્દીઓના લોહીના નમૂના લઇ સ્થળ પર જ સારવાર આપવા અને જરૂર પડે વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવા સુચના અપાઇ છે. તો બીજી બાજુ અઢાર વોર્ડના લોકોના ઘરે જઇ કોરોનાના સંક્રમણ કેસ અટકાવવા તેમજ નિયંત્રણના ભાગરુપે આરોગ્ય કાર્યકરો, મેડીકલ ઓફીસર, આશાવર્કર, એ.એન.એમ. સ્ટાફ, લેબોરેટરી ટેકનીશયનને ઉચ્ચ અધિકારી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. વોર્ડવાઇઝ સર્વે ચાલુ કરી તમામ દર્દીઓના નામ સરનામા, એડ્રેસ મેળવી ઉપરી અધિકારીને માહીતી આપી આરોગ્ય લક્ષી પત્રિકાનું વિતરણ કરવા જણાવ્યું છે.

હાલમાં આરોપ વિભાગની સુચનાથી લોકોને ભયભીત ન થવા દઇ લોકોને કોરોના વાઇરસ અંગે માર્ગદર્શન આપવા જણાવાયું છે. કોરોના ગ્રસ્ત ચાર વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ દર્દીઓને ઘર સુધી તબીબી સેવા આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.