લોકોની ‘અશિસ્ત’થી કોરોના બોમ્બ ફાટવાની તૈયારીમાં!

અબ તુમ્હારે હવાલે ‘કોરોના’ સાથીઓ

લોકોની સલામતી જાળવી એ સરકારની પ્રાથમિક ફરજ, સરકાર શું કામ વધુ કોરોના ટેસ્ટ કરવાથી ડરી રહી છે?: હાઇકોર્ટ

સમગ્ર વિશ્ર્વમાં હાલ જે રીતે કોરોનાએ તેનો કહેર વરસાવ્યો છે તેનાથી વિશ્ર્વ આખુ ભયભીત થઈ ચુકયું છે. કોરોના કોઈપણ રીતે લોકોને ન સ્પર્શે અને કોરોનાની ચેઈન તુટે તે માટે સરકાર દ્વારા લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ચોથા લોકડાઉનમાં જે રીતે છુટછાટ આપવામાં આવી છે તેનાથી લોકોની બેવકુફીનું પ્રમાણ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને સાથો સાથ લોકો બેખૌફ પણ બની ગયા છે જો આ પરિસ્થિતિ આવનારા સમયમાં જોવા મળશે તો કોરોના બોમ્બ ફુટશે તેમાં નવાઈ નહીં. કયાંકને કયાંક હાલ અબ તુમ્હારે હવાલે કોરોના સાથીઓ તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. આ લોકડાઉન દરમિયાન લોકોની અશિસ્ત પણ ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળી છે જેથી પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, લોકોની અશિસ્ત શું કોરોના બોમ્બ ફોડશે કે કેમ? ત્યારે બીજી તરફ સરકાર પણ તેની જવાબદારીમાંથી વિમુકત થતી હોય તેવું લાગી રહ્યું છે. હાઈકોર્ટ દ્વારા એ વાતની સ્પષ્ટ કરવામાં આવી હતી કે, લોકોની સલામતી જાળવવી તે સરકારની મુખ્ય ફરજ છે.

ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં કોરોનાને લઈ એક પણ દિવસનું લોકડાઉન રાખવામાં આવ્યું ન હતું જેનું કારણ એટલું જ છે કે, ત્યાં લોકો સ્વયંશિસ્તનું પાલન કરી રહ્યા છે અને તેઓએ કઈ પ્રકારની તકેદારી રાખવી તે પણ તેઓ બખુબી રીતે સમજી રહ્યા છે. આવનારો સમય ભારત દેશ માટે અત્યંત કપરો સાબિત થશે તેવું પણ માનવામાં આવે છે. હાલ અત્યારનાં દેશમાં ચોથું લોકડાઉન છે જેમાં અનેકવિધ ફેરફારો પણ થયા હોય તેવું ચિત્ર પણ સામે આવ્યું છે ત્યારે બીજી તરફ પાંચમું લોકડાઉન પૂર્ણત: અલગ પ્રકારનું રહેશે તેવું હાલ જોવા મળે છે. સરકાર જો ૩૧ મે સુધી લોકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો હોય તો કયાંકને કયાંક પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોત પરંતુ બેખૌફ બનેલા લોકોની બેવકુફીથી કોરોનાનાં કેસમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. દેશમાં જો થર્મલ સ્કેનીંગની સુવિધા આપવામાં આવી હોત તો અનેકવિધ કેસોનો નિકાલ થઈ શકયો હોત. સરકાર કોરોનાને લઈ જે ટેસ્ટમાં ઘટાડો કર્યો છે તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, સરકાર હાલ ડરી રહી છે કે જો ટેસ્ટ વધુ કરવામાં આવશે તો પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો પણ થશે.

ટેસ્ટમાં વધારો થતા પોઝિટિવ કેસોમાં પણ વધારો

જે રીતે કોરોના ટેસ્ટ થવા જોઈએ તે મુજબ ન થતા પોઝીટીવ કેસ ખરાઅર્થમાં આવી શકતા નથી. સરકાર દ્વારા કોરોના ટેસ્ટ ખુબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવતા હોવાથી કેસોમાં પણ વધારો તેટલા જ પ્રમાણમાં થતો જોવા મળે છે. જો સરકાર કોરોના ટેસ્ટ વધુને વધુ કરે તો કેસોમાં અનેકગણો વધારો થઈ શકે છે. આ મુદાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વધુ ટેસ્ટ કરવા માટે સરકાર કયાં કારણોસર ડરી રહી છે પરંતુ હાલ ચોથા લોકડાઉનમાં સરકાર દ્વારા જે છુટછાટ આપવામાં આવી છે તેમાં ટેસ્ટમાં વધારો થતા પોઝીટીવ કેસોની સંખ્યામાં આશરે ૫ ટકાનો વધારો પણ નોંધાયો છે. બીજી તરફ મધ્યપ્રદેશ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે તે ખરાઅર્થમાં સરાહનીય વાત ગણી શકાય. ફેબ્રુઆરીથી ૨૧ મે સુધી પ્રતિ ૧૦૦ ટેસ્ટમાં ૪ ટકા પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળતો હતો જે ૨૧ મે બાદ પ્રતિ ૧૦૦ ટેસ્ટમાં ૫ ટકા પોઝીટીવ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજયો જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગણા, ચંદીગઢ, તમિલનાડુ અને બિહારમાં કેસોની સંખ્યામાં ૫ ટકાથી ૧૮ ટકા સુધી વધારો નોંધાયો છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ોઝિટિવ કેસોની સંખ્યા ૬ હજારને પાર

દેશમાં કોરોના દિન-પ્રતિદિન તેમનો કહેર વરસાવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લી ૨૪ કલાકમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૬૦૦૦ને પાર પહોંચી છે જયારે ગુજરાત રાજયમાં પણ ગત ૨૪ કલાકમાં કેસ ૩૯૪એ પહોંચ્યા છે. દેશમાં કુલ કોરોનાનાં કેસ ૩૧ લાખે પહોંચ્યા છે જયારે મૃત્યુઆંક ૩૮૬૭એ પહોંચ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યાર સુધીમાં હાલ ૪૧.૨૮ ટકા દર્દીઓ કોરોનાથી રીકવર થયા છે ત્યારે હાલ ઈદનાં જશ્નનો ઉનમાદ

કોરોના ફેલાવવામાં વધારો કરશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. કારણકે હાલ જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લોકો સવારે ૭ વાગ્યાથી ૪ વાગ્યા સુધી જે પ્રમાણે તેઓ ફરી રહ્યા છે તેનાથી એ પણ ડર હાલ સરકારને સતાવે છે કે, કેસોની સંખ્યામાં વધારો ન થાય પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટપણે માનવામાં આવે છે કે, જો આજ સ્થિતિ યથાવત આવનારા થોડા દિવસોમાં રહી તો કોરોનાનો બોમ્બ ફાટશે કે જેને રોકવો સરકાર માટે અત્યંત કપરો બની રહેશે.

રેલવે, વિમાન યાત્રામાં લોકોએ સ્વયંશિસ્ત જાળવી કોરોનાને માત આપવી પડશે

રેલવે, વિમાન યાત્રામાં લોકો જે મુસાફરી કરશે તે સર્વેએ સ્વયંશિસ્ત જાળવવું પડશે અને કોરોનાને માત આપવી પડશે. આ મુદાને ધ્યાને લઈ હાલ સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા વિદેશમાંથી ભારતીયોને સ્વદેશ લાવવા માટે વિદેશ ફલાઈટો માટેની પરવાનગી આપવામાં આવી છે ત્યારે વિમાન સેવા આપનાર વિમાનોએ પણ આચારસંહિતાનો અમલ કરવો પડશે. સાથોસાથ સરકારે લોકોને હિમાયત પણ કરી છે કે, જે વ્યકિત ભારત આવવા

માંગતા હોય તે સર્વેએ તેમના કવોરોન્ટાઈનની વ્યવસ્થા અને આરોગ્ય અને પરીવાર કલ્યાણ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શીકાનું પાલન કરવું ફરજીયાત છે. બીજી તરફ કોરોના લોકડાઉનનાં પગલે લાંબા સમયથી ડોમેસ્ટીક ફલાઈટોનું પરીવહન શકય થઈ શકયું ન હતું પરંતુ તે આજથી રાબેતા મુજબ શરૂ થશે ત્યારે વિમાન સેવાનો લાભ તે જ લોકોને આપવામાં આવશે જે સંપૂર્ણ સ્વસ્થ અને સંક્રમણ વગરનાં હોય.

કોરોનાનાં લક્ષણો દેખાય તો  જ સ્વયંશિસ્તથી ૧૪ દિવસ કવોરેન્ટાઈન થવું જોઈએ: સી.આર. પાટીલ

હાલ અન્ય પ્રાંત કે અન્ય રાજયોમાંથી રોજગારી અર્થે આવેલા મજુરોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળ્યો છે પરંતુ આ તમામ કામદારો અથવા કોઈ કારણઅર્થે પ્રવાસે ગયેલ લોકોને કોરોનાનાં લક્ષણો દેખાય તો જ સ્વયંશિસ્તથી ૧૪ દિવસ કવોરોન્ટાઈન રહેવું જોઈએ તેમ સુરતનાં સાંસદ સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં જણાવ્યા મુજબ અન્ય રાજયોમાંથી આવતા લોકોએ ૧૪ દિવસ કવોરોન્ટાઈન થવું જોઈએ. આ નિર્ણયને સાંસદ દ્વારા નકારવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, જો જે-તે વ્યકિતને કોરોનાનાં લક્ષણો દેખાય તો જ તેઓએ ૧૪ દિવસ કવોરોન્ટાઈન સ્વયંશિસ્તથી જ થવું જોઈએ અન્યથા નહીં. આ વાતથી એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે, સરકાર હાલ લોકોને શિસ્ત જાળવી કોરોના સામે લડાઈ લડવા માટે જણાવી રહી છે.

Loading...