વિશ્ર્વ આખાને ભરડામાં લઇ રહેલો કોરોના ભારત માટે ખતરાની ઘંટી?

કોરોના પછીની ‘ગતિ’ કેવી હશે?

 કોરોના વાયરસ નાબુદ થતા પહેલા વિશ્ર્વ આખુ મંદીના ખપ્પરમાં : અમેરિકામાં મંદીના તબક્કાની દહેશત : રસી શોધાઇ હોવાનો દાવો, આજે દર્દીઓ પર પ્રયોગ થશે : વૈશ્ર્વિક બજારોના પગલે ભારતીય સ્ટોક માર્કેટમાં ધબાય નમ:

કોરોના વાયરસના ભરડાએ વિશ્ર્વ આખામાં દહેશતનો માહોલ ઉભો કર્યો છે. કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા વધતાની સાથે જ કોરોના વાયરસથી સંક્રમીત હોય તેવા લોકોના મોતના કિસ્સા પણ ભયજનક રીતે વધી રહ્યાં હોવાથી અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, સાઉદી અરેબીયા, ચીન અને ભારત સહિતના દેશોની સરકારો ઘેરી ચિંતામાં મુકાઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. કોરોના વાયરસનો કહેર હજુ જુલાઈ સુધી ચાલુ રહેશે તો અમેરિકામાં ફરી રિસેસનનો દૌર જોવા મળશે તેવું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે.

ગઈકાલે અમેરિકાના સ્ટોક માર્કેટનો ડાઉન જોન્સ ૨૯૯૯ પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. અત્યારે અમેરિકામાં રિસેસનનો માહોલ જોવા મળશે તેવો ફફડાટ રોકાણકારોમાં હતો. ૧૯૮૭ બાદ પ્રથમ વખત આ પ્રકારનો કડાકો બજારમાં જોવા મળતા રોકાણકારો ભયભીત બની ગયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રિસેસન જોવા મળશે તેવી દહેશત વ્યકત કરી હતી. જેના પગલે ભારતીય બજારમાં પણ અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે માઈનસમાં ગયા બાદ ફરીથી ૨૮૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ હતી. સેન્સેકસ ૩૧૬૭૦ની સપાટી સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. જો કે આજે બજારમાં વધુ વોલીટાલીટી જોવા મળશે. વર્તમાન સમયે સ્થિતિ ઓછી ભયજનક છે. જો કે ભવિષ્યમાં ગંભીર પરિણામો આવશે તેવી દહેશતના પગલે બજારમાં રોકાણકારો મુંઝાયા છે.

વિશ્ર્વના ટોચના ૨૦ અર્થતંત્રના બનેલા જી-૨૦ સંગઠનના સભ્યોની વર્ચ્યુઅલ મીટીંગ તાજેતરમાં થઈ હતી. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ દેશોના ટોચના નેતાઓ કોરોના વાયરસથી થઈ રહેલા નુકશાનને રોકવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આગામી સમયમાં વિશ્ર્વના લગભગ તમામ દેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળવા જઈ રહી છે. વર્તમાન સમયે વાયરસના સંક્રમણના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. અત્યાર સુધીમાં વાયરસથી ચેપીત લોકોની સારવાર માટે યોગ્ય દવા શોધાઈ નથી પરિણામે વાયરસના કારણે મોત નિપજવાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં હાલ ઠંડીનો માહોલ છે. આવા સંજોગોમાં વાયરસનો કહેર વધુ જોવા મળે છે. હજુ સુધી વિશ્ર્વના ટોચના દેશો દ્વારા સાચા આંકડા જાહેર કરાયા નથી. જો કે, વાયરસની અસર વધુ ગંભીર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ચીનમાં વાયરસનું સંક્રમણ લગભગ કંટ્રોલમાં હોવાનું કહેવાય છે પરંતુ ચીનના સ્થાને ઈરાન, ઈટાલી અને દુબઈ સહિતના સ્થળોએ વાયરસનો ફેલાવો ખુબજ ઝડપી થઈ રહ્યો છે. અમેરિકા પણ વાયરસના ઝપટમાં આવી ચૂકયું છે. દરમિયાન અમેરિકાએ વાયરસ સામેની રસી શોધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રસીનો આજે દર્દીઓ પર પ્રયોગ થશે. ૪૫ જેટલા દર્દીઓને આ પ્રયોગ દરમિયાન રસી આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસના કકળાટ વચ્ચે ડામાડોળ અર્થતંત્રને સ્થિર રાખવાનો સૌથી પેચીદો પ્રયોગ ભારત અને અમેરિકા કરવા જઈ રહ્યાં છે. બન્ને દેશો વાયરસથી થનાર નુકશાન સામે લડવાની તૈયારીમાં છે. દરમિયાન ચીનના વુહાન બાદ ઈટલીમાં કોરોના વાયરસની અસર વધુ ઘેરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્તમાન સમયે ઈટાલીમાં લોક ડાઉનનો નિર્ણય લેવાયો છે. પરિણામે ૬ કરોડથી વધુ લોકો ઘરમાં પુરી દેવામાં આવ્યા છે. હવે વાયરસ વધુ ગંભીર બન્યો હોવાનું કહેવાય છે. અગાઉ ચીનમાં સંક્રમણ સામે મોતના કેસ ઓછા હતા. બીજી તરફ હવે સંક્રમણની સાથો સાથ મોર્ટાલીટી રેટ એટલે કે મોતની ટકાવારી પણ સતત વધી રહી છે. ભારતમાં વાયરસના સંક્રમણના ૧૨૦ જેટલા કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં જો વાયરસ ભારતમાં પ્રવેશ કરશે તો મોટી જાનહાની સર્જશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગમચેતીના ભાગ‚પે લગભગ ૧૪ જેટલા રાજ્યોમાં શાળા-કોલેજો, થિયેટર, સ્વીમીંગપુલ સહિતના જાહેર સ્થળો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. સિદ્ધી વિનાયક, કાશી વિશ્ર્વનાથ, વૈષ્ણોદેવી સહિતના મંદિરમાં દર્શને જતા લાખો શ્રધ્ધાળુઓને રોકવામાં આવી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • કોરોનાને ગરમી સાથે શું લાગે વળગે?

ચીનના સીમાડા વટાવીને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં દેખા દિધેલા કોરોના વાયરસના ઉનાળાના ગરમ દિવસોમાં કાબુમાં આવે તેવી આશા ઉભી થઇ છે યુરોપ અને અમેરિકામાં આ પરિસ્થિતિ માથુ ઉંચકી રહી છે તેમ છતાં ગરમ ઋતુ વાયરસના પ્રતિક્રમણને દાબી શકે તેવી થિયરી આરોગ્ય જગતમાં આશાનું કિરણ બની છે અત્યારે તો નાટકિય રીતે દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોના વાયરસના ફેલાવાનો ઉછાળો સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાનું કારણ બનીને સામે આવી ગયો છે. શિયાળાના દિવસોની વિદાય અને ઉનાળા પ્રારંભમાં આ મહામારી કાબુમાં આવે તેવી આશા ઉભી થઇ છે પરંતુ આ દિવસોમાં ઇન્ડોનેશિયાથી થાઇલેન્ડ, મલેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં રોગચાળાના ફેલાવવાનું  પ્રમાણ આ દિવસોમાં વધી રહ્યો છે અને નવા કેસોની સંખ્યા સામે કોરોના વાયરસના પ્રસારણ આડે મોસમનો બદલાવ અને ખાસ કરીને ગરમઋતુનો અવરોધ ખુબ જ ઓછા પ્રમાણમાં દેખાઇ રહ્યો છે. ઉંચા તાપમાનમાં કોરોનો વાયરસ કાબુમાં આવી શકે એવી થિયરી વાસ્તવિક પરિણામો આપે તેવું દક્ષિણ-પૂર્વ એશિયામાં દેખાતું નથી. સિંગાપુરના લી-કુવાન સ્કુલ ઓફ પબ્લીક પોલિસીના પ્રાઘ્યાપક ટિકી પેન્સ્ટુએ જણાવ્યું હતું કે યુરોપના લોકો એવી આશા સેવી રહ્યા છે કે ઉનાળાના દિવસો અને ગરમ વાતાવરણ વાયરસને મારી નાખશે પરંતુ આ આશા સામે મને આશંકા છે કે એ કદાચ સાચી ન પણ નિવડે.

  • યુરોપ, તુર્કી અને યુકેથી આવતા ભારતીયોને પણ ‘નો-એન્ટ્રી’

યુરોપીયન દેશોમાં કોરોના વાયરસની તિવ્ર અસર જોવા મળી રહી છે. ઈટલી, ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપીયન દેશોમાં વાયરસના સંક્રમણ અને તેનાથી થતાં મોતના કિસ્સામાં ખુબજ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ તુર્કી, ઈરાન અને યુકેમાં પણ વાયરસના સંક્રમણની ઝડપ વધુ છે. આવા સંજોગોમાં વિશ્ર્વભરમાંથી પોતાના નાગરિકોને પરત બોલાવવા દરેક દેશ મથામણ કરે છે. ભારતે પણ ચીન, ઈરાન અને ઈટાલીમાંથી પોતાના નાગરિકોને લેવાનું શ‚ કર્યું હતું. જો કે, હવે સમય ખુબ ઝડપથી વ્યતીત થઈ રહ્યો છે. સંક્રમણની તિવ્રતા વધુ છે. પરિણામે ભયાનક ભવિષ્યને નિહાળી ભારત સરકારે યુરોપના દેશો તેમજ તુર્કી અને યુકે સહિતના દેશોમાંથી ભારતીય નાગરિકોને લેવાનું બંધ કરાયું છે. ૧૮મી માર્ચથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરમિયાન જે લોકો વિદેશ પ્રવાસ કરી આવ્યા હોય અથવા વિદેશ પ્રવાસ કરનાર લોકોના સંપર્કમાં આવ્યા હોય તે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. જે દેશોમાં કોરોના વાયરસની તિવ્ર અસર છે તે દેશો સાથે સંપર્ક ધરાવતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.

  • અમેરિકાની સુપ્રીમ કોર્ટ ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત બંધ!

કોરોના વાયરસના ભયના પગલે અમેરિકાના સુપ્રીમ કોર્ટને ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી તા.૧લી એપ્રીલ સુધી અમેરિકાની વડી અદાલતમાં કોઈ પણ જાતની દલીલ ઉપર લગામ મુકવામાં આવી છે. અગાઉ વર્ષ ૧૯૧૮માં આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો. જ્યારે વૈશ્ર્વિક સ્તરે સ્પેનીશ ફ્લુનો હાહાકાર જોવા મળ્યો હતો તે સમયે પણ હજારો લોકો સ્પેનીસ ફલુના કારણે મોતને ભેટયા હતા. આવી  જ સ્થિતિ ફરીથી જોવા મળી રહી હોય ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત અમેરિકાની સુપ્રીમ કોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને લગતો એક મામલો વડી અદાલતમાં ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેકસ રિટર્ન બાબતે સુનાવણી હાથ ધરાવાની હતી. આ સુનાવણી ૩૧ માર્ચ સુધીમાં પુરી કરવાની હતી. જો કે કોરોના વાયરસના ખૌફના પગલે સુપ્રીમ કોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા સુનાવણી લાંબા સમય માટે ટળી ચૂકી હોવાનું જાણવા મળે છે. અમેરિકાના ન્યૂયોર્ક સહિતના મોટા શહેરોમાં વાયરસના સંક્રમણના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે જેના પગલે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ગંભીરતા પારખીને પગલા લઇ રહી છે. વડી અદાલત પણ એક સદીમાં પ્રથમ વખત બંધ જોવા મળી છે.

  • હવે રમત ગમતની સંસ્થાઓ પણ ઘર બેઠા કામ કરશે!

વિશ્ર્વ આખામાં કોરોના વાયરસનો કહેર ખુબ જ વધુ જોવા મળી રહ્યો છે. સાથો સાથ તમામ ક્ષેત્રો પણ મંદીનાં ઓછાયા હેઠળ આવી ગયા હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે ત્યારે હવે કોરોનાના વાયરસે રમત-ગમત ક્ષેત્રને પણ બક્ષ્યું નથી ત્યારે હવે રમત-ગમતની તમામ સંસ્થાઓ ઘરબેઠા કામ કરશે તેવી સુચનાઓ પણ આપવામાં આવી છે. આ તકે બીસીસીઆઈ દ્વારા એ વાતનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે આગામી સુચના ન મળે ત્યાં સુધી બીસીસીઆઈમાં કામ કરતા કર્મચારીઓએ ઘર બેઠા જ કામ કરવું અને જ‚રીયાત લાગે તો જ ઓફિસે આવવું. માત્ર બીસીસીઆઈ જ નહીં પરંતુ કોરોના વાયરસનાં કારણે આઈપીએલને પણ સ્થગિત કરવામાં આવ્યું છે. સાથો સાથ તિરંગબાજી, બેડ મિન્ટન, ટેનિસ, એથ્લેટિકસ, હોકી, બાસ્કેટ બોલ, શુટીંગ તથા બોકસીંગ જેવી રમતો માટેની જે ટુર્નામેન્ટો નિર્ધારિત કરવામાં આવી હતી તેને પણ હવે આવનારા સમય સુધી સ્થગિત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે બાકી રહેલા બીજા અને ત્રીજા વન-ડેને કેન્સલ પણ કરવામાં આવ્યો છે તેથી હવે માત્ર રમતો જ નહીં પરંતુ રમત-ગમતની સંસ્થાઓએ સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ઘરબેઠા કામ કરવાની તાકિદ કરવામાં આવી છે.

Loading...