કોરોના વોરિયર બન્યા કોરોના મુક્ત

દુઆ અને દવાએ મને બક્ષ્યુ નવજીવન : મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જાવેદ પઠાણ

સમયનું ચક્ર હર હંમેશ માનવીને નવા નવા સંઘર્ષોનો સામનો કરાવે છે. પણ કોઈએ કહ્યું છે કે,”અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં આ પંક્તિને અનેક લોકો તેમની અથાક મહેનત અને કાર્યનિષ્ઠા થકી સાચા અર્થમાં ચરિતાર્થ કરતા હોય છે. આવા વ્યક્તિઓ પૈકીના એક વ્યક્તિ એટલે રાજકોટ જિલ્લાના મલ્ટિપર્પઝ હેલ્થવર્કર જાવેદભાઈ પઠાણ અને તેમના પત્ની રઈસાબેન પઠાણ જેમણે ૧૫ દિવસમાં કોરોનાનો મ્હાત આપી છે.

જસદણ તાલુકાના વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈ અને તેમના પત્ની રઈસાબેન તા. ૨૩-૬ના રોજ તેમના એક સબંધીની સેવામાં હતા. અને તેમના સંપર્કમાં આવવાથી આ દંપતિ પણ કોરોના પોઝીટીવ આવ્યા. અને તાત્કાલિક તેમને રાજકોટની કોવિડ – ૧૯ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

રાજકોટની કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા આ દંપતિ પૈકી જાવેદભાઈએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાનો સૌથી પહેલો કેસ તા. ૧૮ મી માર્ચે જ્યારે રાજકોટમાં નોંધાયો ત્યારથી લઈને ૨૨મી મે સુધી નિરંતર ૫૬ દિવસ રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કાર્યરત રહી ખડે પગે ફરજ બજાવી હતી. એટલું જ નહી, પરંતુ રમજાન માસના પ્રત્યેક દિવસે પણ રોજા રાખીને અલ્લાહની ઈબાદત સાથે માનવ માત્રની સેવાનું પુણ્ય કાર્ય કરીને તેમણે તે સમયે જંગલેશ્વરવાસીઓના મનમાંથી કોરોનાના ભયને દૂર કર્યો હતો. પરંતુ હવે તેમને કોરોના સામે લડવાનું હતું.

રાજકોટની કોવિડ – ૧૯ સિવિલ હોસ્પિટલમાં તેમની અને તેમના પત્નીની સારવાર શરૂ થઈ, સવાર – સાંજ આર્યુવેદિક ઉકાળા, પૌષ્ટિક આહાર અને હોસ્પિટલના સ્ટાફની નક્કર કામગીરીથી ૯ દિવસમાં પઠાણ દંપતિ કોરોનામાંથી મુક્ત થયું.

જંગલેશ્વરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીની કોરોના સારવારની સફરની વાત કરતાં જાવેદભાઈ જણાવે છે કે,”મને જ્યારે ખબર પડી કે અમને બન્નેને કોરોના છે. ત્યારથી જ મે મનોબળ મક્કમ બનાવી લીધું હતું. હોસ્પિટલમાં દાખલ થયા બાદ મિત્રોની દુઆ, હોસ્પિટલના આયુર્વેદિક ઉકાળા અને તેમની ઉત્તમ સારવારથી અમે બન્ને જલ્દી તંદુરસ્ત થઈ ગયા. કદાચ ! મે કોરોનાના દર્દીઓની સેવા અલ્લાહની ઈબાદત સમજીને કરી હતી. તેની ફલશ્રુતિ રૂપે દર્દીઓની દુઆ અને સીવીલ હોસ્પિટલના ડોકટરોની દવાએ અમને નવજીવન આપ્યું છે. એવું હું માનુ છું.

તંદુરસ્ત થઈ ગયા બાદ પઠાણ દંપતીને પોતાના ઘરે અથવા રાજકોટની સમરસ હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન થવાનું હતું. ત્યારે આ દંપતીએ પોતાના ઘરથી બદલે સમરસ હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન થવાનું પસંદ કર્યું. આ વિશે વાત કરતાં રઇસાબેન જણાવે છે કે,”સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન થવાનો એક જ હેતુ હતો કે અમે અન્ય લોકોના સંપર્કમાં ન આવીએ, સરકારની માર્ગદર્શિકા અનુસાર ક્વોરોન્ટાઇન થવું આવશ્યક હતું માટે જો અમે ઘરની પસંદગી કરીએ તો શક્ય છે કે કોઈ વ્યક્તિ અમારા સંપર્કમાં આવે ! માટે અમે હોસ્ટેલમાં રહ્યા. ૬ દિવસના ક્વોરોન્ટાઇન પિરિયડમાં પણ અમને પૌષ્ટિક આહાર અને ઉકાળા આપવામાં આવતા હતા.

૬ દિવસના ક્વોરન્ટાઇન પિરિયડને પૂર્ણ કરીને પઠાણ દંપતિને તા.૬ના રોજ સમરસ હોસ્ટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વિદાય વેળાએ જાવેદભાઈએ લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે તેમના હાથને સેનેટાઇઝ કરવા, માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કર્યો હતો. આમ પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવનાર જાવેદભાઈ એ લોકોને તો કોરોના સંક્રમણથી બચાવવાની સાથોસાથ કોરોનાના સંક્રમણથી પોતે પણ મૂક્ત બની કોરોનાને મ્હાત આપી છે.

Loading...