Abtak Media Google News

બજારનો રૂખ ઓળખવામાં મંદીવાળાએ થાપ ખાધી, સેટલમેન્ટ દિવસ બન્યો કત્તલનો દિવસ

મંદી કા મુહ કાલા… તેજી કા બોલબાલા…

બેંક નિફટી-એફ એન્ડ ઓની એકસ્પાયરી દરમિયાન અનેક શોર્ટ સેલીંગ કરનાર રોકાણકારો ફસાયા: સતત બે દિવસમાં સેન્સેકસ ૧૫૦૦ પોઈન્ટ ઉછળ્યો

શેરબજારમાં લાંબા સમયથી ફૂલગુલાબી માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા અનુકુળ પગલાના કારણે સેન્સેકસ ઝડપથી વધ્યો છે. બજેટની અસરો પણ તેજી લઈ આવી છે. જો કે, તેજીની આ વાત મંદીવાળાને પચતી નથી. ગમે ત્યારે સેન્સેકસ પડી જશે તેવી માન્યતાના કારણે મંદી એટલે કે શોર્ટ સેલીંગ કરવામાં આવ્યું છે. આજે બેંક નિફટી અને એફ એન્ડ ઓ ની એકસ્પાયરી છે. કોઈપણ ભોગે વલણ ચૂકવવાનું રહેશે. અનેક લોકો મંદી કરી ચૂક્યા છે. બીજી તરફ બજાર છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યું છે, આવી સ્થિતિમાં મંદીવાળા ફસાયા છે.

વર્તમાન સમયે પૂટ અને કોલનો રેસીયો ઓવરસોલ્ડ છે. એટલે ખુબ વધુ વેંચવાલી કરાઈ છે. ફેબ્રુઆરીની એકસ્પાયરી મુજબ ૧૫ ટકા સુધી વેંચવાલી જોવા મળી છે. બજારમાં મોમેન્ટમ પણ છે. પરંતુ તેજી હોવાના કારણે જે રોકાણકારોએ મંદી કરી છે તેવો સદંતર ફસાયા છે. ગઈકાલે પણ ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો હતો. આજે પણ સેન્સેકસ ૫૦૦ પોઈન્ટના આંકને અડક્યો છે. આજે એકસ્પાયરી હોવાના કારણે સોદાને કટ કરવો પડે તેવી સ્થિતિ છે.

વર્તમાન સમયે તેજીનો ટ્રેન્ડ છે. જે વખતે સેન્સેકસ ૫૦,૦૦૦ને અડક્યું ત્યારથી મંદીવાળા બજાર પડશે તેવી ધારણા કરી રહ્યાં હતા. બજારમાં કડાકો થશે તેવી શકયતા તેમને હતી પરંતુ સેન્સેકસ સડસડાટ ઉપર ચડી રહ્યો છે અને જેમણે ફેબ્રુઆરી મહિનામાં મોટા પ્રમાણમાં ફયુચર અને ઓપ્શન વેંચી નાખ્યા છે તેમની માટે કપરો સમય છે. આજે સેટલમેન્ટ દિવસ કત્તલનો દિવસ બની જશે. હજ્જારો રોકાણકારોના પૈસા ડૂબી જશે. ઉલ્લેખનીય છે કે, ૯૯ રોકાણકારો સેલીંગ બાદ કેરીફોવર્ડ કરતા પરિણામે નાણા ઓછા હોય છે અને ગમે તેમ કરી માલને જવા દેવો પડે છે.

ઉલ્લેખનીય છે કે, નિફટી ૧૪૬૦૦ના લેવલ પર પહોંચે એશિયન બજાર નીચે સરકશે તેવી ધારણા સાથે અનેક રોકાણકારોએ સેલીંગ કર્યું છે. ૧૫૦૦૦ની સપાટીએ નિફટી છે. હવે બજાર ઉપર જશે તેવી શકયતા છે. પરિણામે મોટા પ્રમાણમાં લોકો આજે રૂપિયા ગુમાવશે. ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેકસ ૪૫૧ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એકસીસ બેંક, ઈન્ડુસીન્ડ બેંક, ઓએનજીસી, ટીસીએસ સહિતના ટોચના શેર વધ્યા છે.

બેન્કિંગ ટેકનોલોજી, ઓટોમોટીવ, ટેલીકોમ અને ફાર્મા સહિતના સેકટરમાં આજે લેવાલી ખુલી છે. નિફટી-ફીફટી અત્યારે ૧૫૧ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. ૧૫૧૩૩ની સપાટીએ નિફટી-ફીફટી પહોંચી છે. યુપીએલ, ઈન્ડુસીન્ડ બેંક, એકસીસ બેંક, હિન્દાલકો અને બીપીસીએલ જેવી કંપનીઓમાં લેવાલી જોવા મળી રહી છે. નજીકના ભવિષ્યમાં સેન્સેકસ ૬૦ હજારની સપાટી નજીક પહોંચશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.