આત્મનિર્ભર યોજનાના ૧ લાખ દેવા માટે સહકારી મંડળીઓ સદ્ધર?

અર્બન બેંકો દ્વારા આત્મનિર્ભર લોનની વહેંચણી શરૂ, સહકારી મંડળીઓમાં ક્રેડીટ ઓછુ હોવાથી લોન આપવી કે નહીં તે અંગે વિચારણા

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આત્મનિર્ભર લોન મામલે લોકોમાં અનેક સવાલો

કોરોના કોવિડ-૧૯ની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. તે દરમિયાન અનેક નાના પાયાના ધંધાર્થીઓ અને મજૂરો પોતાની જીવન જરૂરીયાત વસ્તુઓ માટે પણ ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તેની સામે મજૂર વર્ગો અને લોકડાઉનની પરિસ્થિતિમાં બેકાર બનેલા ધંધાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય દરે રૂા.૧ લાખ સુધીની લોન આપવા માટે આત્મનિર્ભર યોજના જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત બેંક, અર્બન બેંક લોકોને આત્મનિર્ભર યોજનાનો લાભ આપી શકે તેમ છે. પરંતુ સહકારી મંડળીઓ દ્વારા તેમના સભાસદો માટે આત્મનિર્ભર લોનના રૂા.૧ લાખ આપવા માટે સદ્ધર છે કે નહીં તે જોવાનું રહ્યું છે. અર્બન બેંકો દ્વારા તો આત્મનિર્ભર લોનની વહેંચણીઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ સહકારી મંડળીઓમાં ક્રેડીટ ઓછુ હોવાથી લોન આપવી કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે. જ્યારે રૂા.૧ લાખની આત્મનિર્ભર લોનની યોજનાનો લાભ લેતા લોકોમાં પણ અનેક સવાલો થઈ રહ્યાં છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતથી માંડી મોટા-મોટા ઉદ્યોગપતિઓ પણ કામકાજ ઠપ્પ રહેવાથી ખરાબ આર્થિક પરિસ્થિતિ ભોગવી હતી. લોકડાઉનમાં પડી ભાંગેલા ધંધાર્થીઓ અને મજૂર વર્ગના લોકોને ફરીથી આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.૧ લાખ સુધીની લોન આપવાની આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે  અર્બન બેંક અને સરકારી બેંકો દ્વારા આત્મનિર્ભર લોનનું ધીરાણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ શહેરની સહકારી મંડળીઓ અને રાજ્ય સરકાર વચ્ચે લાંબી વાર્તાલાપ છતાં પણ મંડળીઓ પોતાના સભાસદોને આત્મનિર્ભર લોનની સહાય કરશે કે કેમ ? તે અંગે વિચારણા ચાલી રહી છે.

ક્રેડીટ સોસાયટીમાં આવતા ડિપોઝીટ અને રોજબરોજની બચતની રકમ ખૂબ ઓછી હોવાથી મંડળીઓનું ભંડોળ ઓછુ હોય છે. સહકારી મંડળીઓમાં આવતી ડિપોઝીટ ૯ ટકા પર મળતી હોય તો ૮ ટકા પર પોતાના સભાસદોને આત્મનિર્ભર લોન આપવી કેવી રીતે પોસાય તે અંગે સહકારી મંડળીઓના ચેરમેન દ્વારા અસમંજસમાં મુકાયા છે. સહકારી મંડળીઓમાં લોકડાઉન દરમિયાન પોતાના સભાસદો પાસેથી ડેઈલી બચત જેવી રેગ્યુલર ઈન્કમ પર રોક લાગવાથી ક્રેડીટ સોસાયટીઓમાં ભંડોળ મેન્ટેઈન કરવું ખુબ કપરું થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલી આત્મનિર્ભર યોજનામાં સહકારી મંડળીઓના સભાસદોને લાભ મળશે કે કેમ? અને સહકારી મંડળીઓ આત્મનિર્ભર લોન આપવા માટે સદ્ધર છે કે કેમ તે જોવાનું રહ્યું.

આત્મનિર્ભર લોનની પ્રક્રિયા

લોકડાઉનમાં પડી ભાંગેલા વેપાર-ઉદ્યોગ-ધંધાને ફરીથી બેઠો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર લોનની યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ તેની પ્રક્રિયાઓ વિશે લોકો હજુ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. આત્મનિર્ભર લોન મેળવવા માટે લોકોને ફોર્મ અથવા સ્ટેમ્પનો એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી. લોનની અરજી કર્યા બાદ અરજદારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મળવાપાત્ર લોનની રકમની ચૂકવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓને એક પોર્ટલની સુવિધા આપવામાં આવી છે જેના દ્વારા કોઈપણ અરજદાર એકથી વધુ સહકારી મંડળીઓમાં લોન માટે અરજી કરી શકે નહીં. આત્મનિર્ભર યોજના ખડેપગે થવા માટે તૈયાર ધંધાર્થીઓ માટે આવશ્યક હોય જેથી લોકડાઉન દરમિયાન પણ જે વેપાર-ઉદ્યોગ અથવા કાર્યક્ષેત્રો ચાલુ હતા તેવા વ્યક્તિઓને આ લોનનો લાભ મળવાપાત્ર નથી. જેમાં સહકારી મંડળીઓ અને બેંકોના કર્મચારીઓ તેમના ડિરેકટરો, એજન્ટો કે તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ કે તેમના પરિવારના સભ્યો, સરકારી કર્મચારીઓ, કોન્ટ્રાકટ બેઈઝ પર લોકડાઉનમાં પણ કામ કરતા લોકો અને પ્રા.લી. કંપનીના કર્મચારીઓને આત્મનિર્ભર લોનની યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

લોકડાઉન બાદ ધંધાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે તેવો હેતુ: હરગોપાલસિંહ જાડેજા

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન બાદ ફરી ઉભા થતા વેપાર રોજગાર માટે રૂ.૧ લાખ સુધી સામાન્ય દરે લોન આપવા માટે આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. જેના ભાગરૂપે શિવ શક્તિ સરાફી સહકારી મંડળી પણ પોતાના સભાસદો માટે લોન આપવા માટે સજ્જ છે. શહેરમાં હર એક સહકારી મંડળી આત્મનિર્ભર લોન આપી શકે તેમ શક્ય નથી. ક્રેડિટ સોસાયટીનું ભંડોળ વધુ ન હોવાથી મંડળીઓ પોતાના સભા સદોને લોન આપવી કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યા છે. જયારે શિવ શક્તિ સરાફી સહકારી મંડળી રાજકોટમાં છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત છે. મંડળી દ્વારા પોતાના જરૂરિયાતમંદ સભા સદો કે ધંધાર્થીઓને આત્મનિર્ભર લોનનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. શિવ શક્તિ સરાફી સહકારી મંડળી દ્વારા પોતાના સભા સદો માટે આત્મનિર્ભર લોનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ધોબી કામ કરતા, શાકભાજી નો વેપાર કરતા અને જે ધંધાર્થીને ખરેખર લોકડાઉન બાદ પોતાને જરૂરિયાત હોય તેવા સભા સદો માટે અત્યાર સુધી ૧૦૦ જેટલા ફોર્મના વિતરણ કરી તેમાંથી ૬૪ લોનને મંજૂરી અને ૪૨ લોન લોકોને ચૂકવી આપવામાં આવી છે. સામાન્ય ફોર્મની પ્રક્રિયા બાદ મંડળી દ્વારા ટુક સમયમાં જ સભા સદોને લોનની ચુકવણી કરી આપવામાં આવે છે. તેવું શિવ શક્તિ સરાફી સહકારી મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજા એ ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

Loading...