Abtak Media Google News

ભારતમાં માનવામાં આવતા તમામ ધર્મોમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો સ્પષ્ટ નિષેધ છે તેમ છતાં વારંવાર આ મુદ્દો સામાજીક, રાજકીય અને કોમી મુદ્દો બનતો આવે છે

માનવ સમાજ માટે ધર્મ એ જીવન જીવવાનો સામાજીક અને આધ્યાત્મિક આધાર છે. ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકને ધાર્મિક સ્વાયતતાનો મૌલીક અધિકાર આપવામાં આવ્યો છે. કોને કેવો ધર્મ પાળવો તેનું અનુશાસન અનુસરવું, કોનુ અનુયાયી બનવું તે દરેક વ્યક્તિને સ્વાયત અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ ધર્મની આ સ્વાયતતાનો આ અધિકાર બિન ધાર્મિક હેતુ અને માત્રને માત્ર લાભા લાભનો વિષય બનાવીને તેનો દૂરઉપયોગ થવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સગવડીયો ધર્મ પરિવર્તન ક્યારેય માન્ય રાખી ન શકાય.

અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા આ ચુકાદામાં જણાવાયું હતું કે, માત્રને માત્ર લગ્ન માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન ક્યારેય સ્વીકાર્ય ન ગણી શકાય. કોર્ટે આંતર ધર્મિય દંપતિએ કોર્ટમાં પોલીસની સહાય માટે અને યુવતીના પિતાને આ લગ્નમાં બાધક ન બનવા અંગેની દાખલ કરેલી અરજીનો નિકાલ કરતા જણાવાયું હતું.

ધર્મને માત્રને માત્ર લગ્ન માટેનો આધાર બનાવીને અત્યારે આંતરધર્મિય લગ્નની જે પરંપરા ઉભી થઈ છે તેનાથી ધર્મ પરિવર્તનને સગવડીયો વિષય બનાવી દેવામાં આવ્યો છે. ધર્મ એ વ્યક્તિ-ઈશ્ર્વર વચ્ચેની આધ્યાત્મિક કડી છે તેને માત્રને માત્ર સામાજીક અને કાયદાકીય લાભ મેળવવા માટે ઉપયોગ ન કરી શકાય.

ભારત વર્ષમાં દાયકાઓ નહીં પરંતુ સદીઓથી ધર્મનો મુદ્દો સામાજીક અને રાજકીય લાભ માટે ખેલાતો રહ્યો છે. મુગલકાળમાં પણ પોતાની સત્તા અને વસ્તીનું સમર્થન મેળવવા માટે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું અને ભારતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો વારંવાર સામાજીક, રાજકીય અને લોહીયાળ ઘર્ષણનો નિમીત બન્યું હતું.અલબત કોઈપણ ધર્મમાં પોતાના અનુયાયીઓ તરીકે અન્ય ધર્મના લોકોને સામેલ કરવા માટે જોર જબરદસ્તી કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. કહેવતો પણ છે કે, મારીને મુસ્લમાન ન બનાવાય… મિયાને મહાદેવ બનાવવામાં જોર જબરદસ્તી ન ચાલે. ધર્મ એક સ્વાયત, સ્વતંત્ર અભિગમનો વિષય છે. કોઈપણ વ્યક્તિને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી ન શકાય. અત્યારના સમયમાં લવ જેહાદ જેવા મુદ્દાઓ ભારત જેવા બિનસાંપ્રદાયીક રાષ્ટ્ર માટે એક સળગતો પ્રશ્ર્ન બની ગયો છે. ફાલ્ગુનીમાંથી ફરીદા બનાવવાની ઘટનાઓ વારંવાર સામાજીક વૈમન્સયનું કારણ બને છે. ભારતના તમામ પ્રવર્તમાન સમયમાં માનવામાં આવતા ધર્મોમાં હિન્દુ-મુસ્લીમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈનમાં પોતાના અનુયાયીઓને સ્પષ્ટપણે એવી હિમાયત કરવામાં આવી છે કે ક્યારેય કોઈ વ્યક્તિને બળજબરીથી સ્વધર્મમાં લાવવું નહીં.

અલ્હાબાદ હાઈકોર્ટમાં એક ચુકાદામાં જણાવાયું છે કે, માત્રને માત્ર સગવડીયો ધર્મપરિવર્તન માન્ય ન ગણી શકાય. અલ્હાબાદ હાઈકોર્ટે પ્રિયાંસી ઉર્ફે સમરીનની જૂન ૨૯ ૨૦૨૦ના ધર્મ પરિવર્તન કરીને ૩૧મી જુલાઈએ માત્રને માત્ર લગ્ન માટે જ ધર્મપરિવર્તન કરવા અંગેનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે કલમ ૨૨૬ની જોગવાઈ અનુસાર ન્યાયમૂર્તિ મહેશચંદ્ર ત્રિપાઠીની ખંડપીઠે નુરજહાં બેગમ કેસ ૨૦૧૪ના ચુકાદા અંગે નિર્ણય લીધો હતો કે, ધર્મ પરિવર્તન માત્રને માત્ર લગ્ન માટે સ્વીકાર્ય ન ગણી શકાય. કોર્ટે હિન્દુમાંથી મુસ્લીમ બનેલી અને માત્રને માત્ર નિકાહ માટે ધર્મ પરિવર્તન કરનાર યુવતીની સુરક્ષા માટેની અરજીનો નિકાલ કરતા જણાવ્યું હતું. ૨૦૧૪માં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ઈસ્લામ ધર્મની કોઈ જાણકારી વગર માત્રને માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તન કર્યું હતું. આ મુદ્દે કોર્ટે જણાવ્યું હતું કે, સગવડીયો ધર્મ પરિવર્તન ક્યારેય સ્વીકાર્ય હોતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.