Abtak Media Google News

ભાજપ પ્રમુખ કિરીટ પટેલે તાલાલા યાર્ડના પ્રમુખ પદ પરથી રાજીનામુ દઈ જૂનાગઢ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવતા ફોર્મ રદ કરવાની માંગ

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ વિવાદમાં આવી છે, અને ગઇકાલે ફોર્મ ચકાસણીના દિવસે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખે ફોર્મ ભરતા તેમની સામે કોંગ્રેસના અગ્રણીએ વાંધા રજૂ કરવા છતાં યોગ્ય જવાબ ના મળતા કોંગ્રેસ આગેવાન ગઇકાલે રજીસ્ટાર કચેરી ખાતે પહોંચી કચેરીમાં જ ધરણાં ઉપર બેસી ગયા હતા. જેને લઇને સહકારી શ્રેત્રનાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની આગામી તા. ૧૬ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે અને ગઇકાલે આ ચૂંટણી માટે ભરાયેલા કુલ ૫૩ ફોર્મની ચકાસણીનો દિવસ હતો ત્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના સહકારી ક્ષેત્રના કોંગ્રેસી અગ્રણી કિશોરભાઈ હદવાણીએ આ ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ એ ખેડૂત વિભાગ અને સંઘ વિભાગમાં એમ બે જગ્યાએ ફોર્મ ભરતા લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો.

કિશોરભાઈ ના જણાવ્યા અનુસાર કિરીટભાઈ પટેલ બે વખત ગીર સોમનાથ જિલ્લાના તાલાળા  માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે ચુંટાયેલા છે અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થતા ગત તા.૩૦-૫-૨૦૨૦ ના રોજ તેમણે તાલાલા માર્કેટિંગ યાર્ડ માંથી રાજીનામું આપેલ છે, આમ તેમણે છુપાવેલી બાબતોને ધ્યાને લઇ જિલ્લા રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી સામે લેખિતમાં પુરાવાઓ અને કાયદાની કલમ સાથે વાંધા અરજી રજૂ કરી કિરીટ પટેલના ફોર્મ રદ કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતોને ધ્યાને લઇ જિલ્લા રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી ખરાડી એ યોગ્ય રીતે જવાબ નહીં આપી, પોતાનો ફોન બંધ રાખી, ઓફિસે પણ હાજર નહીં મળતા જિલ્લા રજીસ્ટાર ખરાડી સતાધારી ભાજપ બાજુનું વલણ ધરાવતા હોવાની અને સીધી રીતે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ ને મદદ કરે છે તેવા આક્ષેપો પણ કરી વિરોધ નોંધાવી આજે સાંજના છ વાગ્યે જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે ધરણાં ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી આ બાબતે લેખિતમાં યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનું જણાવી દીધું હતું.

જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે કોંગ્રેસી અગ્રણી કિશોરભાઈ હરવાણી ધરણાં ઉપર બેસી જતા, પોલીસ રજીસ્ટાર કચેરી ખાતે પહોંચી હતી અને અધિકારીઓ તથા આગેવાનો દ્વારા કિશોરભાઈને સમજાવવા પ્રયત્ન કર્યા હતા. બાદમાં રજિસ્ટ્રાર કચેરી દ્વારા આજે વાંધા અરજીનો યોગ્ય અને લેખિતમાં જવાબ આપવામાં આવશે તેવી ખાતરી અપાતાં કિશોરભાઈ હદવાણીએ ધરણાનો કાર્યક્રમ આજ સુધી સ્થગિત કર્યો હતો.જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ હંમેશા અનેક વિવાદોથી ખરડાયેલી રહી છે, અને મોટાભાગની ચૂંટણી ટાણે કંઈકને કંઈક મોટા વિવાદો સામે આવે છે, ત્યારે આ આ વખતે તા. ૧૬ ઓક્ટોબરના રોજ યોજાનારી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે બહાર આવેલા વિવાદે સહકારી ક્ષેત્રમાં તહલકો મચાવી દીધો છે, અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું ફોર્મ રદ થશે કે કેમ ? તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જો કે, કિશોરભાઈ હદવાણીએ જણાવ્યું છે કે, જો તેમની વાંધા અરજીનો યોગ્ય જવાબ નહીં મળે અને કિરીટ પટેલનું ફોર્મ રદ કરવામાં નહીં આવે તો તેઓ અદાલતના દ્વાર ખખડાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.