Abtak Media Google News

ગરીબોની કસ્તુરી હવે અમીરોની ’શાન’ બની જશે

ફક્ત ઉત્તરપ્રદેશ દર વર્ષે આશરે ૨ લાખ ટન ડુંગળી ‘ઓહિયા’ કરી જાય છે

જ્યારે પણ શાકભાજીની વાત આવે ત્યારે મોંઘવારી શબ્દ ધ્યાને આવી જ જાય. ક્યારેક ડુંગળી રડાવે તો હવે બટેટા પણ રડાવવા લાગ્યા છે. માળખાગત સુવિધાઓના અભાવે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ  જાય છે. બીજું પાસું એ પણ છે કે, હવે શાકભાજીની જે ગુણવતા જળવાવી જોઈએ તે પણ ક્યાંક જળવાતી ન હોય તેવું ચોક્કસ અવાર નવાર ધ્યાને આવતું હોય છે. પેસ્ટીસાઈડના ચલણમાં શાકભાજીની ગુણવત્તા તળિયે પહોંચી છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

પરિસ્થિતિ કોઈ પણ હોય તેમ છતાં શાકભાજીનો ઉપયોગ ઘટી શકે નહીં. એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, દર વર્ષે ફક્ત ઉત્તર પ્રદેશ ૨.૧ લાખ ટન ડુંગળીનો વપરાશકર્તા છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી મોટો ઉપભોક્તા છે. ઉત્તરપ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. તેના પછી મોટા ઉપભોક્તામાં અનુક્રમે બિહાર અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

જો કે, દેશભરમાં ડુંગળીના ઉત્પાદન અને વપરાશને ધ્યાને લેવામાં આવે તો દર વર્ષે દેશમાં ૧૬૫ લાખ ટન ડુંગળીનો ઉપયોગ ડોમેસ્ટિક ક્ષેત્રે કરવામાં આવે છે જે વાર્ષિક ઉત્પાદન કરતા ઘણો ઓછો છે. જો વાર્ષિક ઉત્પાદનનો આંક વપરાશની સામે વધુ હોય તેમ છતાં ડુંગળીના ભાવ દર વર્ષે આસમાને પહોંચે છે તેની પાછળ અમુક મહ્ત્વના પરિબળો જવાબદાર છે. દેશમાં પ્રથમ તો માળખાગત સુવિધાઓ જેમ કે, સંગ્રહ શક્તિ, જાળવણી, કોલ્ડ સ્ટોરેજ, કૃષિઓને તાત્કાલિક પૈસાની પડતી જરૂરિયાત જવાબદાર છે. જેના પરિણામે ખેડૂતો ઓછા ભાવે મોટા વેપારીઓને ડુંગળી વેચવા મજબૂર બને છે. જે બાદ અમુક મોટા વેપારીઓ ડુંગળીની નિકાસ કરતા હોય છે જેથી ભારતમાં ઉત્પાદિત ડુંગળીનો જથ્થો વિદેશ પહોંચી જતો હોય છે અને જરૂર પડ્યે એશિયાના ડુંગળીના સૌથી મોટા નિકાશકારે અન્ય દેશ પાસેથી નિકાસ કરવાની ફરજ પડે છે. બીજી બાજુ અમુક મોટા વેપારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે નીચા ભાવે ડુંગળીની ખરીદી કરીને ગેરકાયદેસર સંગ્રહખોરી કરીને દેશમાં અછતની રાહ જોતા હોય છે અને અછત વર્તતા સંગ્રહખોરો ઊંચા ભાવે ડુંગળી વેચી મોટો નફો મેળવતા હોય છે.

ઉપરોક્ત બંને મુદાઓને અટકાવી ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા સરકારે પ્રથમ નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જ્યારે સ્ટોક મર્યાદા પણ નક્કી કરી છે. જો કોઈ વેપારી નિર્ધારિત સ્ટોક મર્યાદાથી વધુ જથ્થાનો સંગ્રહ કરે તો આકરા દંડ સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉત્પાદન અને ઉપયોગના જથ્થાનો રેશિયો જાળવી દેશમાં ડુંગળીના ભાવને આસમાને પહોંચતા અટકાવી શકાય.

દેશમાં ડુંગળીની વર્તાઈ રહેલી અછતને પુરવા સરકારે અંગ દેશોમાંથી ડુંગળીની આયાત કરવા નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં ડુંગળીનો જથ્થો ઇજિપ્તથી ભારત પહોંચી જશે જેથી ભાવને અમુક અંશે કાબૂમાં લઈ શકાય. આ નિર્ણયના કારણે દેશના અમુક ભાગોમાં ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ નીચે આવ્યા છે. ઉપરાંત ડુંગળીનો નવો પાક નવેમ્બર માસના બીજા અઠવાડિયામાં બજારમાં આવી પહોંચે તેવા સંકેતો મળી રહ્યા છે. ડુંગળીની નવી ઉપજ અને આયાતી ડુંગળી ભાવને કાબૂમાં લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બજવશે અને નવેમ્બર માસના બીજા અઠવાડિયાના અંત સુધીમાં દેશના અનેક ભાગોમાં ડુંગળીના ભાવમાં નિયંત્રણ આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.