Abtak Media Google News

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને અપાયેલો કોન્ટ્રેક્ટ રદ થયા બાદ ભોપાલની દિલીપ બિલ્ડકોન કંપનીને ૫૭૦ કરોડ રૂપિયામાં અપાયો કોન્ટ્રેક્ટ

શહેરની ભાગોળે  હીરાસર ખાતે રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકામ શરૂ થઈ ગયું છે. આગામી ૩૦ મહિનામાં આ એરપોર્ટનું નિર્માણ થઈ જશે. હીરાસર ખાતે બનનારા એરપોર્ટનો ભોપાલની દિલીપ બિલ્ડકોન કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. એરપોર્ટ નિર્માણ માટે અંદાજે ૫૭૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે અગાઉ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ જરૂરી રકમ ભરવામાં ન આવતાં કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો હતો. હાલ તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું જોરશોરથી કામ શરૂ થઈ ગયું છે.

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ થશે. રાજકોટથી ૨૭ કિલોમીટરના અંતરે ૧૦૨૫.૫ હેક્ટર જમીન ઉપર નિર્માણ થશે. નવું એરપોર્ટ આગામી ૩૦ મહિનામાં તૈયાર થઈ જશે. નવા એરપોર્ટમાં ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. નવા એરપોર્ટના કારણે ૧૦ જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય ફાયદો થશે અને દેશનું સંભવત: સૌથી મોટું કાર્ગો સ્ટેશન નવા એરપોર્ટ ખાતે બનવાનું હોઈ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. મહત્ત્વનું છે કે વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન મોદી દ્વારા આ એરપોર્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હાલ અહીં બાઉન્ડરીનું કામ શરૂ કરાયું છે, સાથે-સાથે જમીનને પણ સમથળ બનવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રન વે બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર કરવાનું કામ ભોપાલની દિલીપ બિલ્ડકોનને સોંપવામાં આવ્યું છે. આગામી ૩૦ મહિનામાં રૂ.૫૭૦ કરોડના ખર્ચે એરપોર્ટનું કામ કરી આપવામાં આવશે. ત્યારે આ કંપનીએ હાલ હીરાસર ખાતે સાઈડ ઓફિસ ઊભી કરી છે તેમજ એરપોર્ટના નિર્માણનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે.

નવા એરપોર્ટમાં શુ સુવિધાઓ હશે?

  • ઊર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે.
  • ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ ઝિલાય એ પ્રકારનું પ્રતિબિંબ ઊભું કરવામાં આવશે.
  • રન-વેને સમાંતર બે ટેક્સી-ટ્રેક બનાવાશે.
  • હવાઇપટ્ટી, એક્ઝિટ ટેક્સી-ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.
  • નેશનલ હાઇવે ૮-એથી એરપોર્ટ સુધી પહોંચવા માટે ૬ લેન રોડ બનાવાશે
  • એરપોર્ટ નજીક એસ.ટી બસ સ્ટેન્ડ પણ બનાવાશે.
  • ૫૦૦થી ૭૦૦ એકર જમીનમાં એરપોર્ટ આસપાસ ફાઇવ સ્ટાર-થ્રી સ્ટાર હોટલ, કોમર્શિયલ બિલ્ડિંગ, એક્ઝિબિશન સેન્ટર સહિતના પ્રોજેક્ટ બનાવાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.