Abtak Media Google News

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ટેકસ બ્રાંચના અધિકારીઓ સાથે બેઠક બાદ કરશે સત્તાવાર જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા હાલ એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૧૦ ટકા રાહત આપવામાં આવી રહી છે. આગામી ૩૧મી જુલાઈના રોજ વેરા વળતર યોજનાની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આ યોજના વધુ એક કે બે માસ સુધી લંબાવવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ આજે ટેકસ બ્રાંચના અધિકારીઓ સાથે બેઠક કરશે ત્યારબાદ યોજના લંબાવવા અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે.

ગત એપ્રિલ માસથી કોર્પોરેશન દ્વારા વેરા વળતર યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯નો એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને ટેકસમાં ૧૦ ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકત પર વિશેષ ૫ ટકા વળતર સાથે ૧૫ ટકા રીબેટ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજસુધીમાં કુલ રૂ.૧૦૨ કરોડની આવક થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી હોવાના કારણે ટેકસની આવકમાં અત્યાર સુધીમાં ૩૨ કરોડથી વધુનું તોતીંગ ગાબડુ પડયું છે. ટેકસની આવક ઘટી જતા હાલ મહાપાલિકા ખુબ જ આર્થિક સંકળામણ અનુભવી રહી છે. ૧૫ હજારથી વધુ કરદાતાઓએ કાર્પેટ એરિયાની સામે વાંધો ઉઠાવ્યો છે. જયારે કેટલાય કરદાતાઓએ વેરો વધતા એડવાન્સ ટેકસ ભર્યો નથી બીજી તરફ વાંધાઅરજી કરનાર ૧૫૦૦થી વધુ કરદાતાઓની અરજીઓ પેન્ડીંગ છે. જો વેરા વળતર યોજનાની મુદત લંબાવવામાં ન આવે તો હજારો કરદાતાઓ ટેકસ રીબેટ યોજનાથી વંચિત રહે તેમ છે. ઉકત તમામ બાબતોને ધ્યાનમાં લઈ મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ આજે બપોરે ટેકસ બ્રાંચના અધિકારીઓ સાથે એક બેઠક યોજશે. જેમાં આવકના આંકડાઓ મેળવવામાં આવશે ત્યારબાદ વેરા વળતર યોજનાની મુદત એક માસ માટે વધારવી કે બે માસ માટે તે અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.