Abtak Media Google News

અત્યારે એવો યુગ પ્રવર્તે છે કે, મા-બાપો માટે દીકરા-દીકરીઓને તેમના જીવનને સુખી અને સમૃઘ્ધ બનાવવા માટે સામાજીક સલામત અર્થે ભણાવવા- ગણાવવા વિના ચાલે તેમ નથી. પોતાની ઉત્તમોત્તમ કારકિર્દી માટે દીકરા-દીકરીઓને ઉચિત ડીગ્રી સુધી શિક્ષણ આપવું જ પડે છે અને તે માટે સારી સ્કુલ તેમજ કોલેજમાં અભ્યાસ કરાવવો જ પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેમને અનય શહેરોમાં મોકલવા પડે છે. બીજી બાજુ, અત્યારના સામાજીક વાતાવરણમાં દીકરા-દીકરીની વધુમાં વધુ સંભાળ લેવાનો સમય પણ આ જ હોય છે. જે દીકરા-દીકરીઓના મા-બાપ ભણેલા હોતા નથી એમને તો અત્યંત કઠિન સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

આજની વાસ્તવિકતા એ છે કે, આપણી આસપાસ એવું વાતાવરણ, સ્ટાર માઘ્યમો, ટીવી ચેનલોથી બન્યું છે કે આજના બાળકો ખુબ જ ઝડપથી દેખાદેખી કે કોઇપણ કારણસર પ્રેમના દીવા સ્વપ્નોમાં રાચતા બોલબાલા અને પ્રભાવ વધતો ચાલ્યો છે. ઘરમાં  બાળકો, સ્ત્રીઓ, વડીલો-વૃઘ્ધો સૌ સાથે જ સતત ટીવી પાછળ પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે. ટીવીના પ્રભાવના સૌથી ખરાબ અસર નાદાન બાળકો અને કિશોર-કિશોરીઓના માનસ પર થતી જોવા મળે છે. બાળકો ટીવી ચેનલો  પર દર્શાવાતી સિરિયલોની અસર હેઠળ જલદી આવી જાય છે. પુખ્ત ન થયેલા એવા બાળકો સ્કુલમાં જઇને પ્રેમની કાલ્પનિક દુનિયામાં સરી પડે છે.

શારીરિક માનસિક પરિવર્તનની આ નાજુક ઉમરના તબકકે ટીવીએ ઉછેરેલી કાલ્પનિક સૃષ્ટિની ભરમાળ હેઠળ આવેશમાં નાદાન કિશોર-કિશોરીઓ પરિચય, ફ્ર્રેન્ડશીપ, પ્રેમ, રોમાન્સ, એમ બરબાદીના પંથે આગળ વધવા તલાશ આરંભી દે છે. જેમાં સફળ પણ થાય છે. જે આ કાચી ઉંમરે તો શારીરિક આકર્ષણનું જાદુઇ પરિણામ ફળ હોય છે. જે છેતરામણું ભ્રામક હાય છે. જેના માઠા ફળ છોકરીઓએ જ ભોગવવા પડે છે. છોકરીની જિંદગી બરબાદ થતી હોય છે અને સ્ત્રી લાગણીશીલ હોઇ કેટલીયવાર નયના જેવા બનાવો અખબારોના પાને ચમકતા હોય છે.

કિશોરાવસ્થામાં પ્રેમમાં પડવાની ઘટના કોઇપણ રીતે યોગ્ય નથી. પરંતુ યોગ્ય દોરવણી ન મળવાથી અને ફિલ્મો ટીવી સીરીયલોનો પ્રભાવે કિશોરીઓ પ્રેમની ભ્રામકજાળમાં ફસાઇ જતી હોય છે. ટી.વી. ન હોવું જોઇએ કે ટીવી એ ખરાબ છે છે એમ કહેવાનો મારો કોઇ આશય નથી. પરંતુ ટીવીમાં જે સારું માહીતીપ્રદ, જ્ઞાનવર્ધક, મનોરંજન કરનારું હોય તે વિવેકબુઘ્ધિથી જોવું જોઇએ. પરંતુ જે ખરેખર ખરાબ છે તે છોડી દેવું જોઇએ. આ માટે વડીલોએ પોતાના બાળકોને સમજાવીને રસ લઇ કેટલાક કાર્યક્રમો ન જોવા સંમતિ મેળવવી જોઇએ અને પ્રેમના ખોટા  ખ્યાલોનો ભ્રમ પણ વાલીઓએ સંકોચ છોડીને દૂર કરવો જોઇએ.

વિઘાર્થીની ઉંમર ભણવાની છે નવું નવું જાણવું શીખવું, જિજ્ઞાસાપૂર્વક જ્ઞાન સંપાદન કરવું, ઇત્તર પ્રવૃત્તિઓ જેવી કે, રમતગમત, સ્પર્ધાઓમાં ભાગ લેવો, શિષ્ટ સાહિત્યનું વાંચન, લેખન કરવું, વિવિધ સ્પર્ધા, કલામાં ભાગ લઇ કૌશલ્યો વિકસાવવા આવી બાબતો દ્વારા વિકાસ જ ઘ્યેય હોવું જોઇએ.

વિઘાર્થી મિત્રો માટે કારકીર્દી બનાવવા માટેના આ સોનેરીકાળને પ્રેમલા પ્રેમલીના નાટક પાછળ વેડફીને અમૂલ્ય જીવન બરબાદ ન કરશો. નહીં તો જિંદગીભર પસ્તાવો થશે. પ્રેમ તો થઇ જાય, એ પુખ્ત ઉંમરે થાય, જે સાચો પ્રેમ હશે તમારા વિચારોમાં સારું-નરસું પારખવાની વિવેક શકિત હશે જે સાચા પ્રેમને ચકાસી શકશે અને તે લગ્નમાં પરિણામે તો સફળ પણ થાય. કિશોરાવસ્થાનો પ્રેમ એ પ્રેમ નથી. પણ શારીરિક આકર્ષણમાં અંજાઇને ફિલ્મી સ્ટાઇલથી મોજમજા માણવાની ગોઠવણ માત્ર પ્રેમના ભ્રમ હેઠળ હોય છે. બીજુ કંઇ નથી. જેમાં આ ઉંમરે પ્રેમના નામે છોકરી લપસી તો તેના ભાવિ જીવનમાં તકલીફો રહેવાની અને કલુપિત બનવાનું

કિશોરાવસ્થામાં પ્રેમના ચકકરમાં ન અટવાતાં કારકીર્દીના વિકાસ પાછળ ઘ્યાન કેન્દ્રીત કરવું અનિવાર્ય બની જાય છે. જો એમાં થાપ ખવાઇ જાય તો તો માબાપની ઇજજત અને દીકરા-દીકરીનાં જીવન બરબાદ થઇ જાય છે? આપણા મા-બાપો પોતાના દીકરા-દીકરીઓ તેમની કિશોરાવસ્થામાં શું શીખવું, શું ન શીખવું, શું જોવું, શું ન  જોવું, શું સાંભળવું, શું ન સાંભળવું, મિત્રતા કરવી તો કોની સાથે કરવી, કોની સાથે ન કરવી, કોનો ભરોસો કરવો, કોનો ન કરવો, અ વિષેની સમજ આપતા નથી, એને માટેનું સમયપત્ર રાખતા નથી એમની પાસે બેસીને સમાજમાં, સ્કુલમાં અને મિત્રોની સંગતિમા કેમ રહેવું, કેટલો વખત હળવું મળવું અને ઘરમાં જ રહીને કેવાં પુસ્તકો વાંચવા-વંચાવવાએ મુજબ એમનું ઘડતર કરતા નથી! દીકરા-દીકરી જાતે જ પોતાની પ્રવૃતિઓનું ટાઇમ ટેબલ બનાવે માબાપને વહાલપૂર્વક તેને લખતો ખ્યાલ આપે અને એનો અમલ કરે એ જોવું જોઇએ.

માબાપોએ પણ એવી માનસિકતા મેળવવી જોઇએ અને અહીં બીજી એક બહુ મહત્વની બાબત એ છે કે માબાપો, વાલીઓએ દીકરા-દીકરીના ભણતર અન સંસ્કારિતા વિષે શિક્ષકોના નિયમિત સંપર્કમાં રહેવું ધટે માબાપ ન ભૂલે કે જીવનનો પોતાનો એક લય છે. બાળકમાં એ લયની એની મેળે લહેરાવા દો, બંધુ આપમેળે સુંદર સર્જાશ, સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. પ્લેટોએ કહ્યું છે કે જે સમાજ યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરે છે. તેને લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડે છે. ઓસ્કાર વાઈલ્ડે કહ્યું કે One school opens means one jail closed –એક શાળા શરૂ થાય ત્યારે એક જેલ બંધ થાય છે.

આપણી શાળાઓમાં આજે વિષયશિક્ષણની બોલબાલા છે. આ વિઘાર્થી હોશિયાર છે કે ઠોઠ છે એમ કોઇ કહે તો તેનો અર્થ આપણે એવો જ કરતા હોઇએ છીએ કે અમુક વિષયમાં હોશિયાર કે ઠોઠ છે. વિઘાર્થી પોતે હોશિયાર કે ઠોઠ નથી તે સમજવું જરુરી છે. વિઘાર્થી ગણિતમાં નાપાસ થાય એટલે જીવતરમાં નાપાસ થતો નથી. આઇન્સ્ટાઇન અને ગાંધીજીને તેમના શિક્ષકોએ ઠોઠ કહ્યા હતા.

વસ્તુત: વિષયો તો સાધન છે – સાધનનું મહત્વ વાપરનારા પર આધાર રાખે છે. ક્રમભાગ્યે આજે વિષયશિક્ષણે વિઘાર્થીને હડસેલી દીધો છે. માબાપ, શિક્ષકો બધાં જ વિષયશિક્ષણને મહત્વ આપે છે, જીવનશિક્ષણને નહીં.

જીવનશિક્ષણમાં મહત્વનું શું છે?

વિઘાર્થીનું આરોગ્ય, આત્મવિશ્વાસ, આત્મસંતોષ,

આ આત્મવિશ્વાસ કેમ વધે? જીવનનું પ્રાણબળ કેમ વિકસે? આ માટે બે ચાવી છે-

૧. બાળકને અપમાન અને નિરાશા મળવાં જોઇએ.

ર. નાનાં-નાનાં કામો દ્વારા આત્મવિશ્વાસ કેળવાય છે.

માણસ જયારે મનગમતી પ્રવૃતિમાં રોકયેલો રહે છે ત્યારે અંદરથી આનંદના ઘુંટડા આવે છે. તેથી તોલે કશું જ ન આવે. માટે આપણે શિક્ષણોએ આવું વાતાવરણ શાળામાં સર્જવાનું બાળકને ઊંચુ આભ અને આત્મવિશ્ર્વાસ આપો.

બાળકના વિકાસમાં સદવાચન અને સત્સંગ મહત્વનો ભાગ ભજવે છે. નાનપણથી જ પૂસ્તક-પ્રીતી કેળવવો. સારા પુસ્તકો અપાવવા અને વાંચવાની ટેવ પાટવી એ એમને સાચી ગીફટ આપ્યા બરાબર લેખાશે અને કિશોરાવસ્થાને શોભાવે તથા જીવનયાત્રાને દીપાવે એવો વારસો આપ્યાની ગરજ સારશે!

બાળકોને ભણાવવાં તેમ કહેવું તે કરતાં બાળકોને કેળવવા એમ કહેવું વધું સારું છે. ભણાવી શકાય તે વિષય – પરંતુ કેળવવું એ વધારે અગત્યનું છે. બાળકમાં સુટેવનું ઘડતર કરવું, સંસ્કારસિંચન કરવું તે અગત્યનું છે. સાત વર્ષ સુધીભણાવવાનું કેવું? ત્યાં તો માત્ર કેળવણી જ ચાલે, કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શકિતને ઉમંરના પ્રમાણમાં પ્રગતિ થવા દેવાની અનુકુળતા કરી આપવી તે પછી તે ઊગશે તો આપમેળે જ ભીતર બધું પડયું જ છે – આપણે તો ખાલી મદદ કરવાની છે. શિક્ષણ નું કામ તો માળીનું છે. સ્વામી વિવેકાનંદ કહ્યું છે:  Every child potentially divine દરેક બાળકમાં દિવ્યતા રહેલી છે. એ દિવ્યતાનું પ્રકટીકરણ કેળવણી દ્વારા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.