Abtak Media Google News

ફૂટપાથ પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવામાં મહાપાલિકાના અધિકારીઓને સૂચના

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં આજે મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અવાજ તથા હવાનું પ્રદૂષણ ફેલાવતા છકડા રિક્ષાને પ્રતિબંધિત કરવા માટે વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવશે. તેમાં માલસામાનના પરિવહન માટે છકડા રિક્ષાના વિકલ્પરૂપ વાહનની વિચારણા કરી છકડા રિક્ષાને રાજકોટ શહેરમાં આવાગમન ઉપર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે, પોલીસ કમિશનરે એક ખાસ બેઠક બોલાવી હતી. જેમાં ઉક્ત બાબતે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ વેપારીઓ સાથે બેઠક યોજવાનું નિયત કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ કહ્યું કે, આગામી તા. ૮ને શુક્રવારના રોજ બપોરે ૧૨ વાગ્યે પોલીસ કમિશનરની ઓફિસના સભાખંડમાં આ બેઠક યોજવામાં આવશે. જેમાં વેપારીઓ ઉપસ્થિત રહી શકે છે.

આ બેઠકમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ટ્રાફિકની બાબતમાં રાજ્ય સરકાર અને મહાપાલિકાના અધિકારીઓને મહત્વના દિશા નિર્દેશ આપ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં જ્યા ઝીબ્રા ક્રોસિંગ, નો એન્ટ્રી, નો પાર્કિંગના સાઇનેઝિસ મારવાના બાકી છે, ત્યાં ત્વરિત આ સાઇનેઝિસ લગાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ માટે લગાવવા આવેલા સીસીટીવી કેમેરાના આડે આવતી વૃક્ષોની ડાળીઓની કટાઇ કરવા પણ સૂચના આપી હતી.

રાજકોટ શહેરમાં એસટીની બસો નિયત મર્યાદા કરતા વધુ ગતિથી દોડતી હોવાનું ધ્યાને પોલીસને ધ્યાને આવ્યું છે. આ બાબતે એસટી નિગમના ડ્રાઇવર્સને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબત નિગમના અધિકારીઓને ધ્યાને લાવવામાં આવશે. એ બાદ જો પણ શહેરની અંદર નિયત મર્યાદા કરતા વધુ ગતિથી એસટીની બસો દોડશે તો તેની સામે નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે, તેવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રાજકોટ મહાપાલિકાના અધિકારીઓને એક મહત્વપૂર્ણ સૂચના અપાઇ હતી કે રાજકોટ શહેરના માર્ગોના ફૂટપાથ પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. ફૂટપાથ પાથરણાવાળા, દૂર કરવામાં આવે તો રાહદારીઓ સારી રીતે તેનો ઉ૫યોગ કરી શકે એમ છે. આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડરનું કાર્ડ ન ધરાવતા લારીગલ્લાના વેપારીઓ સામે સંયુકત રીતે કાર્યવાહી કરવા માટે પણ બેઠકમાં ચર્ચાવિચારણા થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.