Abtak Media Google News

હું વિકાસ છું, હું છું ગુજરાતના સૂત્ર સાથે ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવતા અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે શાસક પક્ષ ભાજપની પ્રથમ ચરણની હું વિકાસ છું, હું છું ગુજરાતના સૂત્ર સાથેની ગુજરાત ગૌરવ યાત્રાનો રવિવારે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પક્ષનો ફ્લેગ ફરકાવીને આરંભ કરાવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આ યાત્રા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૭૬ વિધાનસભા બેઠકોને આવરી લેશે. આ પ્રસંગે અમિતભાઇએ ભાજપના બે દશકમાં ગુજરાતના થયેલા વિકાસ અને ત્રણ વર્ષથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે તેમાં કરેલી મદદની સીલસીલાબંધ વિગતો આપીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને પછી નરેન્દ્ર મોદી હોય કોંગ્રેસની ત્રણ ત્રણ પેઢીએ ગુજરાતને સતત અન્યાય જ કર્યો છે તેનો હિસાબ ભાઇ રાહુલ પાસે જનતા માગી રહી છે. તેમણે કહ્યું કે, વિકાસને મજાક બનાવનારા, ગાંડો કહેનારાઓને આગામી ચૂંટણીમાં જનતા બરાબરનો જવાબ આપશે ત્યારે રાહુલ બાબાને ખબર પડશે.

As1ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, આ સરદાર સાહેબની પૂણ્ય ભૂમિ છે. જ્યાંથી દેશને એકસૂત્રે બાંધવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આજે ત્યાંથી ગુજરાતની ગૌરવ યાત્રા શરૂ થાય છે. જે આવનારી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતિ અપાવશે. આ તબક્કે તેમણે ભાજપના કાર્યકરોને ગામે ગામ, પ્રત્યેક બૂથ ઉપર કમળ ખીલવવા માટે જવાબદારી ઉપાડી લઇ પરિશ્રમ કરવા હાકલ કરી હતી. નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યાં તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે આપેલું ગુજરાતનું વિકાસનું મોડેલ દેશે આજે સ્વીકારી લીધું છે તે જ ગુજરાતનું ગૌરવ છે. આજે કોંગ્રેસના નેતાઓ ભાજપનો હિસાબ માગે છે તેમ જણાવી રાહુલ ગાંધીને વેધક પ્રશ્નો કરતા કહ્યું કે,તમારી ત્રણ પેઢીએ ગુજરાતને અન્યાય કર્યો છે તેનો જવાબ આપો, સરદાર સાહેબ, મોરારજીભાઇ અને નરેન્દ્રભાઇને તમારા શાસનમાં ખૂબ જ અન્યાય થયો છે. મૃત્યુ પછી પણ સરદારને ભારતરત્ન ન આપ્યો તેનો હિસાબ માગવાની જરૂર છે. આજે કોંગ્રેસને વિકાસના આંકડા દેખાતા નથી. પરંતુ જ્યારે ચૂંટણી પછી ડબ્બા ખુલશે મતગણતરી થશે તે દિવસે ખબર પડી જશે. ભાજપ ૧૫૦ પ્લસ બેઠકો સાથે વિજયી થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કયર્ો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતનો વિકાસ સતત આગળ વધશે. તેમણે હાલમાં ચાલી રહેલા વિકાસની મજાક અંગે કહ્યું કે, હું વિકાસ છું, હું ગુજરાત છું અમે વિકાસને મજાક નહીં પણ મિજાજ બનાવી દીધો છે. વિકાસને ગાંડો કહેનારા લોકો ખુદ ગાંડા થયા છે તેમ કહી રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસને ચામાચિડીયા સાથે સરખાવીને કહ્યું કે, જેણે પ્રકાશ જોયો જ નથી, તેને સૂરજ વિશે શું ખબર હોય. તેમણે રાહુલ ગાંધીને પણ કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા અનેકગણો વિકાસ થયો છે તે અંગે જાહેર મંચ પર ચર્ચા કરવા ખુલ્લો પડકાર કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ૧૯૪૬માં નર્મદા યોજનાના પાયા નખાયા હતા એ સરદાર સાહેબનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે. રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ ગણાવી માનસિક રીતે તેમનામાં પરિપક્વતાનો અભાવ હોવાનું જણાવતા ઉમેર્યું કે, તેમની ટ્યૂબલાઇટ મોડી થાય છે. પચાસ વર્ષ સુધી શાસન ભોગવ્યું છતાં કોંગ્રેસ જનતાની સેવા કરવામાં નિષ્ફળ રહી છે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રાસંગિક સંબોધનમાં કાર્યકરોને વિકાસની ગૌરવવંતી ગાથાને જનજન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના પ્રપંચો લોભામણી જાહેરાતો, જુઠાણા ગુજરાતની જનતા સ્વીકારવાની નથી. ગૌરવયાત્રા જનતાની યાત્રા છે સર્વસમાજની યાત્રા છે. પ્રારંભે સ્વાગત પ્રવચન રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ સભાને સંબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.