Abtak Media Google News

રાજકોટમાંથી રાતો રાત કોંગ્રેસના ૭૦ ઉમેદવારોને બહાર મોકલી દેવાયા: ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બધાને ફરી રાજકોટ લવાશે: ઉમેદવારો પર બે-બે આગેવાનોની વોચ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચી લીધાની ઘટનાથી સ્તબ્ધ બની ગયેલી કોંગ્રેસે હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ પૈકી ૭૦ બેઠકો પર કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તેઓને ગઈકાલે રાતો રાત રાજકોટની બહાર મોકલી દેવામાં આવ્યા છે. એક પણ ઉમેદવારને રેઢો ન મુકવા આદેશ આપવામાં આવ્યો છે. ચાર ઉમેદવારો પર બે-બે આગેવાનોની વોચ ગોઠવી દેવામાં આવી છે. આજે બપોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુરતીયાને ફરી રાજકોટમાં લાવવામાં આવશે. કોંગ્રેસમાં હાલ સ્થિતિ ખુબજ તરલ છે. હજુ એકાદ-બે વોર્ડના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે તેવી ચર્ચા પણ અંદર ખાને ચાલી રહી છે.

ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે છેલ્લી ઘડી સુધી જબરી ખેંચતાણ ચાલી હતી. ગઈકાલે ચકાસણી દરમિયાન પણ કોંગ્રેસની ભયંકર બેદરકારી સામે આવી હતી. કોરૂ મેન્ડેટ આપી દેતા એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. અને એક ઉમેદવારને ત્રણ સંતાન હોવાના કારણે તેનું ફોર્મ રદ થયું હતું. પરંતુ આ વોર્ડમાં ડમીએ નાક બચાવી લીધું હતું. વોર્ડ નં.૧૪ના કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈ જાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાની વાતનો ખ્યાલ આવતા તાત્કાલીક અસરથી ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું હતું અને હાલ પોતાના ૭૦ ઉમેદવારોને તાત્કાલીક અસરથી રાજકોટની બહાર મોકલી દેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, હાલ તમામ વોર્ડમાં ચાર-ચાર ઉમેદવારોને સતત સાથે રહેવા અને એક પણ ઘડી એકબીજાને રેઢા ન મુકવા સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે. ઉમેદવારો પર બે-બે આગેવાનોની વોચ પણ ગોઠવી દેવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને રાજકોટ લાવવામાં આવશે. છતાં જો કોઈ ઉમેદવાર રાજકોટ વહેલું આવવું હશે તો તેને સતત ચારેય ઉમેદવારોની સાથે રહેવું પડશે.

એક તરફ કોંગ્રેસ રાજકોટવાસીઓને પોતાના પર ભરોષો મુકવાનું વચન આપી રહી છે તો બીજી તરફ ખુદ કોંગ્રેસ જ પોતાના ઉમેદવાર પર ભરોષો રહ્યો નથી. કારણ કે, જે રીતે ચાર સત્તાવાર ઉમેદવારોને રેઢા ન મુકવાના આદેશ આપવામાં આવ્યો છે અને તકેદારીના ભાગરૂપે શહેરની બહાર ધકેલવામાં આવ્યા છે તે સાબીત કરે છે કે કોંગ્રેસમાં હવે સંગઠન સાથે વિશ્ર્વાસનું પણ સતત ધોવાણ થઈ રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનો પાયો ઉમેદવાર કરતા કાર્યકર હોય છે પરંતુ કોંગ્રેસમાં તમામ નેતાઓ જ હોય કાર્યકરોની અગાઉથી જ ભારે તંગી જોવા મળી રહી છે. આવામાં દિવસ ઉગતાની સાથે જ કોંગ્રેસના થોકબંધ કાર્યકરો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. જેના કારણે કોંગ્રેસને પ્રચારમાં કેવી રીતે નીકળવું તે પણ મુંઝવણ સતાવી રહ્યો છે. કાર્યકરો પર સતત વિશ્ર્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રદેશ હાઈ કમાન્ડને પણ રાજકોટના સ્થાનિક નેતા પર રતિભારનો વિશ્ર્વાસ નથી. કારણ કે ઉમેદવારોને મેન્ડેટ આપવા માટે પ્રદેશ પ્રમુખે શહેર કોંગ્રેસ પ્રમુખને અધિકૃત કરવાના બદલે પ્રદેશના બે આગેવાનોને અધિકૃત કર્યા હતા. આ વાત સાબીત કરે છે કે કોંગ્રેસને ખુદ પર જ વિશ્ર્વાસ નથી તો પ્રજા ક્યાંથી પંજા પર ભરોષો કરે. દેશની સૌથી જૂની અને હવે ઘરડી કહી શકાય તેવી પાર્ટીમાં ભરોષો પણ વેન્ટિલેટર પર આવી ગયો છે.

વિજય જાની અને માણસુર વાળાને પાણીચું

વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈ જાનીએ ચૂંટણી લડવા માટે પક્ષે આપેલું મેન્ડેટ છતાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધાનું ઘટના બાદ કોંગ્રેસે આકરા પગલા લેવાનું શરૂ કર્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે તાત્કાલીક અસરથી વિજયભાઈ જાનીને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે વોર્ડ નં.૧૪ના પૂર્વ પ્રમુખ માણસુરભાઈ વાળાને પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ બધુ કરવાથી હવે પક્ષને કોઈપણ જાતનો ફાયદો થવાનો નથી કારણ કે વિજય જાનીએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કોંગ્રેસ વોર્ડ નં.૧૪માંથી માત્ર ત્રણ ઉમેદવારો સાથે જ ચૂંટણી લડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.