Abtak Media Google News

ચાર વર્ષમાં કરોડની ગ્રાન્ટનું ધોવાણ: કેન્દ્રીય મંત્રીની સુચનાનો પણ ઉલાળીયો

જુનાગઢમાં ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરા અને ધારાસભ્ય ભીખાભાઈ જોષીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી સાથે જુનાગઢના બિસ્માર બાયપાસ અને જુડાના પ્રશ્ર્ને આવેદનો આપ્યા હતા જોકે કોંગ્રેસની રેલીની શરૂઆતની સાથે જ તંત્ર દ્વારા બાયપાસ રીપેરીંગનું કામ શરૂ કરી દેવાતા જુનાગઢના લોકોમાં રેલી, રેલા અને આવેદન સિવાય હાલ કોઈ કામ ન થતા હોવાની ચર્ચા ઉઠવા પામી હતી.

આ અંગે વિસ્તૃત માહિતી અનુસાર જુનાગઢમાંથી પસાર થતા જેતપુર-સોમનાથ બાયપાસ રોડમાં ઝાંઝરડા ચોકડીથી મધુરમ સુધીમાં મસમોટા ગાબડા પડી ગયા છે. વારંવાર રોડ તુટતો હોય ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ત્યારે આ રસ્તા રીપેર કરવાની માંગ સાથે બુધવારે કોંગ્રેસે સ્થાનિક વેપારીઓ સાથે રોષપૂર્ણ બાઈક રેલી યોજી હતી. બાદમાં અધિક કલેકટરને આવેદન આપી આ રોડને તાત્કાલિક રીપેર કરવા જવાબદારોને આદેશ કરવા માંગ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા ધારાસભ્ય ભીખાભાઈ જોષીની આગેવાનીમાં ઝાંઝરડા ચોકડીના વેપારીઓએ રેલી કાઢી આવેદન આપ્યું હતું.

આ તકે વિનુભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે, આ રોડ નબળી ગુણવતાના મટીરીયલ્સથી બનાવવામાં આવે છે. જેથી દર વર્ષ સામાન્ય વરસાદમાં જ રોડમાં ગાબડા પડી જાય છે. છેલ્લા ચારેક વર્ષમાં રોડમાં ગાબડા પડી જાય છે. છેલ્લા ચારેક વર્ષમાં રોડના ગાબડા પુરવામાં જ અંદાજીત ૨૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે છતાં રોડની સ્થિતિ જૈસે થે રહી છે. અગાઉ ૨૮ જુલાઈ ૨૦૧૮ના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આવ્યા હતા અને રોડ તેમજ પુલીયાના નિરીક્ષણ કરી તાત્કાલિક રીપેર કરવા તાકીદ કરી હતી તેને જવાબદારો ધોળીને પી ગયા છે. આ ઉપરાંત જુડા દ્વારા બહાર પડાયેલ ટેકસ બાબતના જાહેરનામાનો પણ કોંગ્રેસી આગેવાનોએ ઉગ્ર વિરોધ કરી જુડા દ્વારા આઠ રૂપિયા જેવો પ્રતિમીટર નખાયેલ વેરાને સખ્ત રીતે વખોડી કાઢયો હતો. મનપા દ્વારા જે જમીન ઉપર ટેકસ વસુલાય છે તેજ જમીનો ઉપર આ વધારાનો બોજ પ્રજા માટે કમરતોડ સમાન છે જેની ઉગ્ર રજુઆત કોંગ્રેસી આગેવાનોએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.