Abtak Media Google News

વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મરણતોલ ફટકો: ભાજપના ઉમેદવાર નીતિન રામાણી, બસપા અને અપક્ષ ઉમેદવાર સહિત હવે માત્ર ઉમેદવારો વચ્ચે ટક્કર

કોંગ્રેસનો સાથ છોડી નરશી પટોરિયાએ કેશરીયો ખેસ ધારણ કરતા ભાજપે મનાવ્યો વિજયોત્સવ: આતશબાજી, કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ: નીતિન રામાણી નાચ્યા

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ પેટાચુંટણી માટેનું મતદાન યોજાવાનું છે તે પૂર્વે આજે કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશી પટોરિયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લઈ ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત સહિતના કોંગી નેતાઓ ઉંઘતા હતા ત્યારે ભાજપના ચાણકય ગણાતા ધનસુખ ભંડેરી અને કમલેશ મિરાણીએ ઓપરેશન પટોરિયા સફળતાપૂર્વક પાર પાડી દીધું હતું. પોતાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધાની જાણ થતા કોંગી નેતાઓ પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા.

Dsc 5200

શહેરના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ કોંગ્રેસનો સાથ છોડયા બાદ કોર્પોરેટરપદેથી પણ રાજીનામું આપી દેતા વોર્ડની ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. ત્યારે આ ચુંટણી જંગમાં ભાજપના નીતિન રામાણી અને કોંગ્રેસના નરશી પટોરિયા વચ્ચે મુખ્ય ટકકર હતી જોકે આજે સવારે ૧૦:૩૪ કલાકે અચાનક જ કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઈ માંડણભાઈ પટોરિયાએ પોતાનું ઉમેદવારીપત્રક પાછુ ખેંચી લેતા કોંગ્રેસમાં ભુકંપ સર્જાય ગયો છે.

Dsc 5197

ગઈકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન કોંગ્રેસના માન્ય ઉમેદવાર તરીકે નરશીભાઈનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવાર યોગીન છનીયારાનું ફોર્મ આપોઆપ રદ થઈ ગયું છે. મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ રાજકીય પક્ષના સતાવાર એટલે કે મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર તથા ડમી ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લીધા હોય અને હરીફ પક્ષમાં જોડાઈ ગયા હોય એક તરફ માત્ર રાજકોટ જ નહીં પરંતુ દેશભરમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જજુમી રહી છે ત્યારે આજે શહેર ભાજપના નેતાઓએ કોંગ્રેસને ઉંઘમાં રાખી ઓપરેશન પટોરિયા સફળતાપૂવકર્ પાર પાડી દીધું હતું.

પોતાના સતાવાર ઉમેદવારનું અપહરણ કરી અને ધાક-ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે કર્યો છે જોકે જયારે ભાજપના નેતાઓ ઓપરેશન પટોરિયા પાર પાડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત ગાદલામાં ગુલાબી ઠંડી વચ્ચે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા.

સત્તાવાર અને ડમી ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યાનો પ્રથમ બનાવ: કમલેશ મિરાણી

Dsc 5154

વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઈ પટોરિયાએ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકો કેન્દ્રમાં, રાજયમાં અને મહાપાલિકામાં વિકાસલક્ષી શાસન આપી રહ્યા છે.

આ વાત અમે નરશીભાઈ પટોરિયાને સમજાવવામાં સફળ થયા છીએ. સાથે મળીને વોર્ડ નં.૧૩નો વિકાસ કરીશું તે વાત પટોરિયાને ગળે ઉતરતા તેઓએ કોંગ્રેસનો સાથ છોડી કેશરીયા કર્યા છે. તેઓને હું ભાજપમાં આવકારું છું. મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ માન્ય રાજકીય પક્ષના સતાવાર ઉમેદવાર કે જેને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હોય તેને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હોય, આટલું જ નહીં કોંગ્રેસના ડમી ઉમેદવાર યોગીન છનીયારાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ગઈકાલે પાછુ ખેંચી ભાજપમાં જોડાઈ ગયા હતા.

વિજયસિંહ વાળા અને યોગીન છનીયારાએ પણ પંજાનો સાથ છોડયો

8 22

વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. ઉમેદવાર નરશી પટોરિયાએ ફોર્મ પાછુ ખેંચી લીધા બાદ પોતાના સમર્થકો સાથે કેશરીયો ખેસ ધારણ કરી લીધો છે. બીજી તરફ વોર્ડના કોંગી અગ્રણી વિજયસિંહ વાળા અને યોગીન છનીયારાએ પણ પંજાનો સાથ છોડી કેશરીયા કર્યા છે. આજે સવારે નરશી પટોરિયા ઉપરાંત વિજયસિંહ વાળાને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહિતના નેતાઓએ કેશરીયા ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. દરમિયાન ગઈકાલે સાંજે વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર યોગીન છનીયારાએ પણ કોંગ્રેસનો સાથ છોડી કેશરીયા કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની અણઆવડતના પાપે મહાપાલિકામાં સતત કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી રહ્યું છે.

પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના ધરણા

Dsc 5223

વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોરીયાએ અચાનક ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા રાજકીય ખળભળાટ મચ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે ચાર શખ્સો બ્લેક ફિલ્મ લગાવેલી કારમાં આવ્યા હતા અને તેઓએ નરશીભાઈ પટોરીયાનું અપહરણ કર્યું હતુ.

ઉપરાંત એવો પર આક્ષેપ કર્યો હતો કે કલેકટર કચેરીમાં જે અધિકારી સવારે ૧૧ વાગ્યા પહેલા કયારેય ડોકાતા નથી. તેઓ સવારે ૧૦.૩૦ કલાકે કચેરીએ પહોચી ગયા અને ફોર્મ પરત ખેંચવાની એન્ટ્રી ૧૦.૩૪ એ પાડી દીધી હતી. આ સમગ્ર મામલે કાર્યવાહી કરી ત્વરીત પગલા ભરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર કચેરીએ ધરણા શરૂ કરવામાં આવ્યા છે.

ભાજપ વોર્ડ નં.૧૩માં વિકાસની હારમાળા સર્જશે: ઉદય કાનગડ

ભાજપની વિકાસની રાજનીતિથી આકર્ષાય આજે વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોરિયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાઈ જતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે તેઓને આવકાર્યા હતા. સાથોસાથ જણાવ્યું હતું કે, મહાપાલિકાના ભાજપના શાસકો હંમેશા વિકાસની રાજનીતિને માને છે. મહાપાલિકા જ નહીં રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર પણ વિકાસલક્ષી રાજનીતિને જ મહત્વ આપી શાસન ચલાવી રહ્યા છે. વોર્ડ નં.૧૩માં વિકાસની હારમાળા સર્જી દેવા માટે ભાજપ કોઈ પાછી પાની કરશે નહીં.

વોર્ડ નં.૧૩માં હવે છ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ: નીતિન રામાણીનો વિજય નિશ્ચિત

વોર્ડ નં.૧૩ની પેટા ચુંટણીના આડે હવે ૧૦ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશી પટોરિયાએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર નીતિન રામાણીનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. હવે વોર્ડની એક બેઠક માટે ૬ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે.

આજે કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોરિયા ઉપરાંત અપક્ષ ઉમેદવાર ચમનભાઈ ગોવિંદીયા અને મંગલભાઈ મુછડીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે છ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણી, બસપાના ઉમેદવાર અતુલભાઈ રાઠોડ ઉપરાંત અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલા, જયંતીભાઈ મકવાણા, નિલેશભાઈ ઝરીયા અને મુકેશભાઈ ડાભી વચ્ચે ચુંટણી જંગ જામશે.

મહેશ રાજપુત ઉંઘતા રહ્યા: ભંડેરી-મિરાણીએ ઓપરેશન પટોરિયા પાર પાડયું

વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોરિયાએ આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી લેતા રાજકોટના રાજકારણમાં જબરો ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. આ તમામ ઘટના માટે જો કોઈ દોષી હોય તો તે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણકે જયારે ભાજપ ઓપરેશન પટોરિયા પાર પાડવા માટે અર્થાત મહેનત કરી રહ્યા હતા.

ત્યારે મહેશ રાજપુત ગુલાબી ઠંડીમાં મીઠી નિંદ્રાનો આનંદ માણતા હતા જયારે તેઓને મીડિયાએ એવું પુછયું કે તમારા સતાવાર ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધાની વાત સાચી છે ત્યારે તેઓને વાસ્તવમાં આ વાતનો પુરેપુરો ખ્યાલ ન હતો તેઓએ આને એક માત્ર અફવા ગણાવી હતી. શહેર ભાજપના ચાણકય ગણાતા મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સવારથી જ ઓપરેશન પટોરિયા પાર પાડવા માટે મહેનત શરૂ કરી દીધી હતી.

કોંગ્રેસ પ્રમુખ નિંદ્રામાંથી ઉઠે તે પૂર્વે જ નરશીભાઈ પટોરિયાએ સવારે ૧૦ કલાક અને ૩૪ મિનિટે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. છેલ્લા ૪-૫ દિવસથી ભાજપ ઓપરેશન પટોરિયા પાર પાડવા માટે અલગ-અલગ ચોકઠા ગોઠવી રહ્યું હતું જોકે શહેર કોંગ્રેસનો ભાર પોતાના ખંભે જ છે તેવું માની આકાશમાં ઉડતા મહેશ રાજપુતને આ વાતની ગંધસુધા પણ આવી ન હતી જેનું પરીણામ કોંગ્રેસને ભોગવવાનો વારો આવ્યો છે અને મહાપાલિકામાં એક બેઠક પણ ગુમાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.