Abtak Media Google News

નેતાઓ પાસે વિવાદીત નિવેદન અપાવ્યા બાદ તેને વ્યક્તિગત નિવેદન ઠેરવી દેવું તે કોંગ્રેસની ટેવ: સામ પિત્રોડાનું નિવેદન સેના અને સૈનિકોની શહાદતનું અપમાન

સામ પિત્રોડાના વિવાદીત નિવેદન અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સામ પિત્રોડાના નિવેદન મામલે શહિદોના પરીવાર તેમજ પ્રજાની માફી માંગવી જોઈએ. નેતાઓ પાસેથી વિવાદીત નિવેદન અપાવ્યા બાદ તેને વ્યક્તિગત નિવેદન ઠેરવી દેવું તે કોંગ્રેસની ટેવ છે. સેના અને સૈનિકોની શહાદતનું અપમાન કરીને કરવામાં આવી રહેલી વોટબેંકની રાજનીતિ કોંગ્રેસે બંધ કરી
દેવી જોઈએ.

તાજેતરમાં ટેલીકોમ ક્રાંતિના પ્રણેતા અને કોંગ્રેસી નેતા સામ પિત્રોડાએ એરફોર્સની સર્જીકલ સ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવતું નિવેદન આપ્યું હતું. જો કે, આ નિવેદનને ઠેર-ઠેર વખોડી કાઢવામાં આવ્યું છે. સામ પિત્રોડાના નિવેદન સામે પ્રતિક્રિયા આપવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સામ પિત્રોડાનું નિવેદન ચિંતાને જન્મ દેના‚ છે. સામ પિત્રોડાએ પુલવામા ખાતે દેશના સૈનિકો શહિદ થયા તેને એક રૂટીન ઘટના કહી છે. ઉપરાંત એવું પણ કહ્યું કે, કેટલાક લોકોની હરકતથી પુરા દેશને દોષી ન માનવું જોઈએ અને આતંકી હુમલાનો જવાબ વાતચીતથી પણ આપવો જોઈએ. સામ પિત્રોડાના આ નિવેદન મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રજાસમક્ષ આવીને પ્રજાની તેમજ શહિદોના પરિવારોની માફી માંગવી જોઈએ.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી સમયે વોટબેંકની રાજનીતિ કોંગ્રેસ કરે છે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ આ વોટબેંકની રાજનીતિ દેશ હિત અને સૈનિકોની સહાદત ઉપર થાય તે વ્યાજબી નથી. કોંગ્રેસ પ્રમુખે આ મામલે પ્રજાને જવાબ આપવો જરૂરી બને છે. કોંગ્રેસે એરફોર્સ પર કરેલી શંકા રાષ્ટ્રહિત માટે ઉચિત નથી. કોંગ્રેસ એર સ્ટ્રાઈક ઉપર શંકા કરીને કોને સપોર્ટ આપવા માંગે છે તે સ્પષ્ટપણે કહી દેવું જોઈએ.

કોંગ્રેસે અગાઉ પણ ચિદમ્બરમ અને નવજોતસિંગ સિધુ સહિતના નેતાઓ પાસેથી વિવાદાસ્પદ નિવેદનો અપાવડાવ્યા છે. બાદમાં આ નિવેદનોને તેઓના વ્યક્તિગત નિવેદનો ઠેરવીને બચાવ પણ કરી લીધો છે. અંતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આતંકવાદનો ખાત્મો બોલાવવા ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક અસરકારક પગલા લીધા છે. આ તમામ પગલાઓ સફળ પણ રહ્યાં છે જે સમગ્ર વિશ્ર્વ જાણે છે. દેશના લોકોને પણ ભાજપ પર વિશ્ર્વાસ જાગ્યો છે તેમજ સૈનિકોને વિશ્ર્વાસ જાગ્યો છે કે, તેઓની પાછળ સરકાર પર્વતની જેમ અડગ રીતે ઉભી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.