Abtak Media Google News

જયોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ આપેલી પ્રતિક્રિયામાં પાર્ટીમાં યુવાઓની ઉપેક્ષા થતી હોવાનો સુર વ્યકત કર્યો

દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડનો કબજો દાયકાઓથી અમુક પીઢ નેતાઓનાં હાથમાં છે. આ પીઢ નેતાઓ પોતાના હરીફો ઉભા ન થાય તે માટે નવી યુવા નેતાગીરીને તૈયાર થવા દેતા નથી પાર્ટીમાં યુવા નેતાગીરી મનકમને ઉભી થાય તો આવા પીઢ નેતા તેમની સતત અવગણના કરીને તેમને હતોત્સાહ કરવાનો પ્રયાસ કરવાનું ચુકતા નથી. રાજકીય પરિપકવતાના કારણે રાહુલ ગાંધીના અધ્યક્ષપદેથી રાજીનામા બાદ હાલ કોંગ્રેસ પાર્ટીમાં ટોચના નેતૃત્વનો પ્રશ્ર્ન પણા વિકરાળ બન્યો છે. ગાંધી પરિવારના નેતા સિવાય કોઈને પણ અધ્યક્ષ બનાવવામાં આવે તો પાર્ટીમાં વ્યાપેલી જુથબંધીના કારણે કોંગ્રેસ તુટી જાયતેવી સંભાવના પણ વ્યકત થઈ રહી છે. ત્યારે કોંગ્રેસમાં પીઢ નેતાઓ દ્વારા યુવા નેતાઓની થતી ઉપેક્ષાથી પાર્ટીની ઘોર ખોદાય રહ્યાનું તાજેતરમાં જયોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી સ્પષ્ટ થવા પામ્યું છે. સિંધિયાના રાજીનામાના પગલે કોંગ્રેસના પીઢ નેતાઓથી નારાજ યુવા નેતાઓ ધીમેધીમે ખુલ્લી બહાર આવી રહ્યા છે.

4. Thursday 2

દોઢ વર્ષ પહેલા યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાક વિકલ્પે કોંગ્રેસે પાતળી બહુમતીથી સત્તા મેળવી હતી. કોંગ્રેસને સત્તા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રીપદના પ્રમુખ દાવેદાર મનાતા હતા પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડનો કબ્જો કરીને બેઠેલા પીઢ નેતાઓએ તેમના જુના સાથીદાર એવા કમલનાથને આગળ કરીને તેમને મુખ્યમંત્રી પદે બેસાડી દીધા હતા. તે સમયે નારાજ સિંધિયાને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને વિજય મળે તો તેમને કેબિનેટમંત્રી બનાવવાની ખાતરી આપીને મનાવી લેવાયા હતા. લોકસભા ચૂંટણીમાં દેશભરમાં વ્યાપેલી મોદી સુનામીમાં કોંગ્રેસનો કારમો પરાજય થવા પામ્યો હતો. જેમાં જયોતિરાદિત્ય સિંધિયાનો પક્ષ પોતાની પરંપરાગત બેઠખ ગુનામાંથી પણ પરાજય થયો હતો. સિંધિયાને પોતાને ઉત્તર પ્રદેશનાં પ્રભારી બનાવીને પીઢ નેતાઓની ટોળકીએ

  • તેમને ગુના બેઠક પરથી હરાવ્યાની શંકા પણ હતી.

જે બાદ સિંધિયાએ અવાર નવાર મધ્યપ્રદેશનીકમલનાથ સરકારની કામગીરી સામે પ્રશ્ર્નાર્થો ઉભા કરીને પોતાની નારાજગી વ્યકત કરી હતી. આગામી ૨૬મીએ યોજાનારી રાજયસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશની ચારમાંથી એક બેઠક જયોતિરાદિત્યએ પોતાને આપવા પાર્ટી હાઈકમાન્ડ પાસે માંગ કરી હતી. પરંતુ તે સામે પણ પાર્ટી હાઈકમાન્ડના પીઢ નેતાઓએ ટીકીટની ખાતરી આપવાનો ઈન્કાર કરતા કોંગ્રેસમાં પીઢ નેતાઓની ટોળકી દ્વારા પોતાની અવગણના થઈ રહ્યાની લાગણી સાથે સિંધિયાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતુ.

સિંધિયાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને લખેલા રાજીનામામાં પોતાની આ વ્યર્થા રજૂ કરી હતી. જે બાદ, સિંધિયા ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા હતા ભાજપમાં જોડાયાના ત્રણ જ કલાકમાં ભાજપે તેમને મધ્યપ્રદેશમાંથી રાજયસભાની ટીકીટ આપવાની જાહેરાત પણ કરી નાખી હતી.

જયોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામાને પાર્ટીના પીઢ નેતાઓએ વિશ્ર્વાસઘાત સમાન ગણાવ્યું હતુ. ત્યારે પાર્ટીના અનેક યુવા નેતાઓએ સિંધિયાનાઆ પગલાને તેમની મજબુરી સમાન ગણાવતા કોંગ્રેસમાં પીઢ અને યુવા નેતાઓ વચ્ચે વ્યાપેલી વિચારધારાના મતભેદો જાહેરમાં આવવા પામ્યા છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને સિંધિયાના નજીકના મિત્ર ગણાવતા સચિન પાયલોટે જયોતિરાદિત્યના રાજીનામાની ટીકા કરવાને બદલે તેઓ પાર્ટીમાં રહીને જુદા જુદા જુથો સાથે સમાધાન કરી શકયા હોત તેમ ટવીટ કરીને જણાવ્યું હતુ ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભામાં પણ કોંગ્રેસ પાસે પાતળી બહુમતી છે. અને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે અવાર નવાર અનેક મુદે વિવાદો સામે આવતા રહ્યા છે.જેથી મધ્યપ્રદેશમાં સત્તા આંચકયા બાદ ભાજપ રાજસ્થાનમાં ગેહલોત પાયલોટ વચ્ચેના મતભેદનો લાભ ઉઠાવીને સચીન પાયલોટને ભાજપમાં ખેંચી લઈને સત્તા હસ્તગત કરવાની યોજના બનાવી છે.

સિંધિયાના રાજીનામા બાદ હરિયાણા કોંગ્રેસના યુવા નેતા કુલદીપ બિશ્ર્નોઈએ પણ ટવીટ કરીને ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતુ કે પાર્ટી નેતૃત્વએ સિંધિયાને મનાવવા વધારે જરૂર હતી સિંધિયાની જેમ દેશભરનાં અનેક યુવા નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડમાં કબજો કરીને બેઠેલા પીઢ નેતાઓની નારાજગી અનુભવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા પી.એલ. પુનિયાએ પણ પોતાના ટવીટમાં સિંધિયાના કોંગ્રેસ છોડવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે આ ઘટના માટે સિંધિયા એકલા જ જવાબદાર છે? ગુરૂદાસપૂરામાં સાંસદ પ્રતાપસિંહ બાજવાએ સિંધિયાના કોંગ્રેસ છોડવાનાં નિર્ણયને મોટા નુકશાન સમાન ગણાવીને આ નિર્ણય પાર્ટીમાં ચાલતી વિચારધારાની લડાઈ સમાન ગણાવ્યું હતુ જયારે આસામના યુવા સાંસદ ગૌરવ ગોગોઈએ પણ સિંધિયાના નિર્ણયથી પોતે નિરાશ હોવાની લાગણી વ્યકત કરી હતી. આમ, સિંધિયાના રાજીનામા બાદ યુવા નેતાઓએ આપેલી પ્રતિક્રિયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કોંગ્રેસમાં યુવા નેતાઓની ઉપેક્ષા થઈ રહી છે.

  • જ્યોતિરાદિત્યને પ્રધાનપદનો ‘શિરપાવ’ આપશે ભાજપ!!!  રાજકોટના ભારદ્વાજ સહિતના રાજ્યસભાના ઉમેદવારોની ઘોષણા કરતો ભાજપ

આગામી ૨૬મીએ યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આવતીકાલે આખરી દિવસ છે. જયોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ ભાજપે રાજયસભાની ચૂંટણી માટેના નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં જયોતિરાદિત્યને મધ્યપ્રદેશમાંથી રાજકોટના વકીલ અને પાર્ટીના વરિષ્ટ આગેવાન અભયભાઈ ભારદ્વાજ, રાજયના પૂર્વ ધારાસભ્ય અને આદીવાસી મહિલા નેતા રમીલાબેન બાટાને ગુજરાતમાંથી ભુવનેશ્ર્વર કાબીરાને આસામમાંથી વિવેક ઠાકુરને બિહારમાંથી ઉદયન રાજે ભોંસલેને મહારાષ્ટ્રમાંથી રાજેન્દ્ર ગેહલોતને રાજસ્થાનમાંથી, દિપક પ્રકાશને ઝારખંડમાંથી અને લીસેમ્બા સાંનાજોમ્બાને મણિપૂરમાંથી ટીકીટ આપવામાં આવી છે. જયારે ભાજપે તેના

એનડીએના સાથી પક્ષો માટે બે બેઠકો આપી છે જેમાં આરપીઆઈના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે મહારાષ્ટ્રમાંથી જયારે બોડોલેન્ડ પીપલ્સ ફ્રેન્ટના બિશ્ર્વજીત ડાયમરીને આસામમાંથી ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયેલા જયોતિરાદિત્યને ભાજન કેન્દ્રીય પ્રધાનપદનો શિરપાવ આપશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડયું છે.

  • સિંધિયાને મંત્રીપદ આપીને કોંગ્રેસના નારાજ યુવા નેતાઓને સંદેશો આપશે ભાજપ

કોંગ્રેસ પાર્ટીનાં હાઈકમાન્ડમાં દાયકાઓથી કબજો કરીને બેઠેલા પીઢ નેતાઓ યુવા નેતાઓની અવગણના કરતા હોવાનું તાજેતરમાં સિંધિયાના રાજીનામા પરથી સ્પષ્ટ થવા પામ્યું છે. ભાજપમાં જોડાયેલા સિંધિયાને કેન્દ્રીય મંત્રી પદ આપીને ભાજપ કોંગ્રેસમાં વિચારધારાના મતભેદ અને જુથબંધીના કારણે ગુંગળામણ અનુભવી રહેલા નારાજ યુવા નેતાઓને સંદેશો આપવા માંગે છે કે, કોંગ્રેસમાં યુવાનોની કદર નથી તમારૂ રાજકીય ભવિષ્ય ઉજજવળ બનાવવું હોય ભાજપમાં જોડાઈ જાઓ આમ ભાજપ એક કાકરે અનેક પંખીઓ મારવાની યોજના બનાવી છે. રાજસ્થાન કોંગ્રેસના યુવા નેતા અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પીઢ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે પણ સમયાંતરે તણખા ઝરતા રહેશે. ઉપરાંત કોંગ્રેસના શકિતશાળી યુવા નેતાઓને ખેંચી લઈને કોંગ્રેસને પાંગળા નેતાઓની પાર્ટી બનાવી દેવાની પણ ભાજપની યોજના છે.

  • ‘મામા’ના મનસુબા પૂરા થશે?

કોંગ્રેસ હાઈકમાન્ડનો કબજો કરીને બેઠેલા પીઢ નેતાઓની અવગણનાથી કંટાળીને જયોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જેના પગલે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારમાં અવગણનાની લાગણી અનુભવતા છ મંત્રીઓ સહિત ૨૨ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જેના પગલે કમલનાથ સરકારના અસ્તિત્વ પર શંકટ ઉભી થવા પામ્યું છે. કોંગ્રેસના બળવાખોર ૨૨માંથી ૧૩ ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી કમલનાથ સરકારને થોડી રાહતની લાગણી ઉભી થવા પામી છે. ભાજપમાં જોડાવવાનો ઈન્કાર કરનારા ધારાસભ્યો મનાવી લઈને તેમના રાજીનામા ખેંચીને કમલનાથના ટેકામાં પાછા લેવામાં આવે તો કોંગ્રેસની સરકાર બચી શકે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. બીજી તરફ કમલનાથને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરીને નવેસરથી ચૂંટણી આપી શકે છે. જેમ મુખ્યમંત્રી બનવા થનગની રહેલા ભાજપના ચોથીવખત શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ મામાના નામે પ્રખ્યાત છે. તેમનું આ સ્વપ્ન પૂર્ણ થશે કે કેમ? તેવા પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.