Abtak Media Google News

વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા સહિત ૨૦૦ આગેવાનોએ કરી પ્રદેશ પ્રમુખને આક્રમક રજુઆત

મોરબીમાં કોંગ્રેસનું ઘર સળગ્યું છે ત્યારે મોરબી – માળીયાના ધારાસભ્ય મેરજા અને ટંકારા ધારાસભ્ય કગથરા વિરુદ્ધ આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ વાંકાનેર ધારાસભ્ય પિરઝાદા, જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલીયા સહિતના ૧૫૦ થી ૨૦૦ આગેવાનોએ આક્રમક રજુઆત કરતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિધાનસભા ચૂંટણી બાદ મોરબી જિલ્લામાં મજબૂત બનેલી કોંગ્રેસમાં જુથવાદે લબકારા મારતા હાલમાં કોંગ્રેસના ઉભા બે ફાડીયા થઈ ગયા છે જેમાં તાજેતરમાં જિલ્લા તાલુકા પંચાયતની હોદ્દેદારોની ચૂંટણી બાદ તો મતભેદો વેરઝેરમાં પરિણમતા ભાજપ છાવણી ગેલમાં આવી ગઈ છે.

દરમિયાન મોરબીમાં કોંગ્રેસની કફોડી હાલત અને બે ધારાસભ્યોની મનમાનીને લઈ આજે વાંકાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં મોરબી જિલ્લાના ૧૫૦ થી ૨૦૦ આગેવાનો ૩૦ થી ૪૦ ગાડીઓનો કાફલો લઈ રાજીવ ગાંધી  પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળી મોરબી જિલ્લાની કોંગ્રેસની પ્રવાહી સ્થિતિ અને ધારાસભ્યોની મનમાની અંગે આક્રમક રજુઆત કરી હતી.

દરમિયાન આ મામલે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા સમક્ષ રજૂઆત કરતા તેઓએ ટુક સમયમાં જ તમામને વિશ્વાસમાં લઈ યોગ્ય પગલાં ભરી મામલો થાળે પાડવાની ખાતરી આપી હતી.

પ્રદેશ પ્રમુખ સમક્ષ આજની આ રજુઆતમાં મોરબી જિલ્લામાંથી કોંગી આગેવાનોમાં બેચરભાઈ હોથી, યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા ( રંગપર ), નાથાભાઇ ભરવાડ, ઘનશ્યામભાઈ જાકાસણીયા, અમુભાઈ હૂંબલ, જીવણભાઇ કુંભારવાડિયા, વિજયભાઈ સરાડવા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.