Abtak Media Google News

પાટીદાર પંચાયત બાદ કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુંમરની માંગણીને પગલે મુખ્યમંત્રીને પત્ર લખતા વિપક્ષી નેતા ધાનાણી

મંદ પડેલા પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરી પાટીદારો પર થયેલા દમન બાદ આજદિન સુધી ન્યાય ન મળતા આ મામલે કોંગ્રેસના લાઠી વિદ્યાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરજી ઠુંમરે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવી ચર્ચા કરવા માંગ ઉઠાવતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માંગ કરી છે અને જો રાજય સરકાર પાટીદાર દમન મામલે ખાસ સત્ર નહીં બોલાવે તો ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારતા પાટીદાર અનામતનો મુદો ફરી જોર-શોરથી ચગ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માલવણનાં યોજાયેલ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં હાજરી આપ્યા બાદ લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમક્ષ પાટીદાર અનામત આંદોલન બાદ પટેલ સમાજ પર થયેલા અત્યાચાર અને ૧૪ પાટીદાર યુવકોના મોત મામલે વિધાનસભામાં ખાસ સત્ર બોલાવી ચર્ચા કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવા જણાવતા વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માંગ ઉઠાવી છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાથી ધારાસભ્યોએ હાર્દિક પટેલ આયોજીત પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાગ લીધો હતો અને તેમની માંગણી મુજબ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી ઉઠાવવામાં આવી છે. રાજયની ભાજપ સરકાર પાટીદાર યુવાનોની હત્યા અને દમન મામલે વિધાનસભામાં ચર્ચા કરવા તૈયાર નહીં થાય તો આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર લડત આપવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસની ખાસ સત્રની માંગ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સતાની લાલશામાં કોંગ્રેસ પાટીદારોનો ઉપયોગ કરવા માંગે છે.

ગત વિધાનસભામાં કોંગ્રેસે પાટીદારોનો હાથ પકડી સતા કબજો કરવા મરણીયા પ્રયાસ કરવા છતાં સફળતા ન મળતા આગામી લોકસભા ચુંટણીમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસનો આક્ષેપ હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસને એકપણ પાટીદાર સંસ્થાનો સાથ નથી છતાં પણ પાટીદારોમાં ભાગલા પાડવા જ કોંગ્રેસે ખેલ ખેલી રહ્યું હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.