Abtak Media Google News

જસદણ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ: ભાજપને એક વખત પ્રચાર પણ પતાવી લીધો જયારે કોંગ્રેસને ઉમેદવાર નકકી કરવાના ફાંફા

આઝાદી બાદ જસદણ પંથક કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ પંથકમાં જબ્બર લોકપ્રિયતા ધરાવતા કોળી સમાજના માંધાતા નેતા કુંવરજીભાઈ બાવળીયાએ તાજેતરમાં કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી તેઓ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી બની ચુકયા છે. કુંવરજીભાઈ રાજીનામું આપતા ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠક માટે આગામી ૨૦મી ડિસેમ્બરના રોજ પેટાચુંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે ચુંટણીજંગમાં દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પોતાના જ ગઢમાં કોંગ્રેસ ગોટે ચડી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવાર તરીકે ગઈકાલે શકિતપ્રદર્શન સાથે કુંવરજીભાઈ બાવળીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસને ઉમેદવાર નકકી કરવામાં ફાફા પડી રહ્યા છે. પરીણામે તેઓએ વર્તમાન ધારાસભ્યને ઉમેદવારી ફોર્મ ઉપડાવ્યા છે.

આ કોંગ્રેસની રણનીતિ છે કે પછી ઉમેદવાર નકકી કરવામાં તેઓ સર્વસંમતિ સાધી રહ્યા નથી તે ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ એવું પણ મનાઈ રહ્યું છે કે, ઉમેદવાર અંગે કોંગ્રેસ આ વખતે ભાજપ અને ખાસ કરીને કુંવરજીભાઈને ઠેક સુધી અંધારામાં રાખવા માંગે છે. ભાજપમાં પણ કુંવરજીભાઈ સામે થોડી નારાજગી જોવા મળી રહી છે. કારણકે કોંગ્રેસનો સાથ છોડતાની સાથે જ ભાજપે કુંવરજીભાઈને સીધા જ કેબિનેટ મંત્રી બનાવી દીધા છે. જસદણ અને વિંછીયા પંથકમાં બાવળીયા સામે થોડો અંડર કરન્ટ પણ જોવા મળી રહયો છે જે પરીણામ પર અસર કરે તેવું પણ લાગી રહ્યું છે.

ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવચરભાઈ નાકીયાને ફોર્મ ઉપડાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નકકી કરવામાં ભલે ગોટે ચડયું હોય પરંતુ આ કોંગ્રેસની રણનીતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે જસદણ વિધાનસભાની બેઠક માટે ભાજપે પ્રચારનો પ્રથમ તબકકો પૂર્ણ કરી લીધો છે. મતદારો અને રાજકીય પંડિતોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ અને કુંવરજીભાઈ માટે સહેલો લાગતો જસદણ વિધાનસભાનો જંગ વાસ્તવમાં અપેક્ષા કરતા ઘણો અઘરો અને મુશ્કેલ છે.

કોંગ્રેસની રણનીતિ ? કુંવરજીભાઈ માટે કપરા ચઢાવ

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી માટે ઉમેદવાર નકકી કરવામાં કોંગ્રેસ સતત ઢીલ દાખવી રહ્યું છે જે કોંગ્રેસની રણનીતિ હોવાનું પણ મનાઈ રહ્યું છે. જે રીતે ગઈકાલે હાઈકમાન્ડે વર્તમાન ધારાસભ્ય ઉપરાંત ચાર નેતાઓને ફોર્મ ઉપડાવ્યા તેના પરથી એવું સ્પષ્ટ થઈ ગયું છેકે કોંગ્રેસ ભાજપ અને કુંવરજીભાઈને છેક સુધી અંધારામાં રાખી દાવ ખેલવા માંગે છે.

કોંગ્રેસના રણનીતિ કુંવરજીભાઈ માટે કપરા ચઢાણ સાબિત થાય તેવું પણ રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે કારણકે કોંગ્રેસે કોળી સમાજના કદાવર નેતા અને લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડાને પણ ફોર્મ ઉપડાવ્યું છે તો સામે બીજી તરફ પાટીદા સમાજ અને પાસના નેતા લલિત વસોયાને પણ ફોર્મ ઉપાડવાનો આદેશ આપ્યો છે કે જેના પરથી એવુ લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ કોઈ ચોકકસ રણનીતિ સાથે આગળ વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.