Abtak Media Google News

ભાજપ અલ્પ સંખ્યક મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કોંગ્રેસના કુકર્મોનો કર્યો ઘટસ્ફોટ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન સરકારે આપેલા દાનના બદલામાં કોંગ્રેસની સરકારે ચીનને અનુકુળ આવે તેવી નીતિઓ ઘડી હોવાનો આક્ષેપ ભાજપ અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહેમદે કર્યો હતો. તેમણે કોંગ્રેસની સરકાર દ્વારા અનેક કુકર્મો આચરાયા હોવાનું પણ કહ્યું હતું. ‘અબતક’ને વિશેષ સંપર્ક સાધીને તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ડબલ્યુટીઓની સંધી પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમાં એક શરત એ પણ હતી કે, કોઈપણ દેશ પોતાની હસ્તકલા અથવા કુટીર ઉદ્યોગને બચાવવા અન્ય દેશોના સામાન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવી શકે છે. પાંચ વર્ષ સુધી ભારતમાં ચીનનું કોઈપણ ફર્નિચર આયાત થતું ન હતું. ત્યારબાદ ચીને સોનિયા ગાંધીના એનજીઓને દાન આપવાનું શરૂ કર્યું. કોંગ્રેસ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે ગુપ્ત સંધી થઈ. ત્યારબાદ કમલનાથ ચીનની યાત્રાએ ગયા અને ચીનનું ફર્નિચર ભારતમાં ડ્યુટી ફ્રી કરી દેવાયું !

તેમણે વધુમાં કહ્યું હતું કે, ચીનના ડયુટી ફ્રી ફર્નિચરના કારણે ભારતનો આખે-આખો ફર્નિચર ઉદ્યોગ બરબાદ થઈ ગયો. ભારતમાં લાકડા-વાંસથી બનનારા ફર્નિચરનું સ્થાન ચાઈનીઝ ફર્નિચરે લઈ લીધું. આખો ઉદ્યોગ ચાઈનીઝ ફર્નિચર ઈન્ડસ્ટ્રીમાં ચાલ્યો ગયો. આજે તમે કોઈપણ ફર્નીચરના શો-રૂમમાં જાવ ૧૦૦ ટકા મેઈડ ઈન ચાઈના જ નજર આવશે. આ કોંગ્રેસનું કુકર્મ છે. હવે કાયદા મંત્રી રવિશંકરસિંહે ચીન સાથેની આયાત નીતિની સમીક્ષા કરવાનું કહ્યું અને ભારત પોતાના ઉદ્યોગને બચાવવા ફરીથી અલગ અલગ વસ્તુઓ ઉપર અલગ અલગ ડયૂટી લગાવશે તેવો નિર્ધાર કર્યો ત્યારે માતા, પુત્ર, પુત્રી અને જમાઈ ચીનની તરફેણમાં બોલવા લાગ્યા. મોદી અને મોદી સરકાર ઉપર કાદવ ઉછાડવા લાગ્યા, આ લોકો ચીનના પાડેલા દલાલ છે. હવે તેમને પોતાની દલાલી ખતરામાં પડી રહી હોવાનું માલુમ પડ્યું છે તેઓ ગંભીર આક્ષેપ ઈરફાન અહેમદે કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે કોંગ્રેસ પીએમ કેર ફંડનું ઓડિટ કેગ પાસે કરવાની માંગણી કરી રહી છે. આ એ જ કોંગ્રેસ છે જેણે ૧૯૯૧ થી ૧૯૯૬માં પ્રધાનમંત્રી રાહત કોષમાંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે રૂ૧૦૦ કરોડનું ડોનેશન આપ્યું હતું. ૨૦૧૨માં જ્યારે યોજના આયોગે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું કેગથી ઓડિટ કરવાનું કહ્યું ત્યારે સોનિયા ગાંધીએ ઓડિટ કરવાની ના પાડી હતી. અધુરામાં પૂરું રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો વાર્ષિક સમીક્ષા રિપોર્ટની નકલ પણ ટેબલ ઉપર મુકવાનો વિરોધ કર્યો હતો.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને કરોડો રૂપિયાનું દાન ચીન સરકાર પાસેથી પણ મળ્યું હતું. કોંગ્રેસે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે એમઓયુ કર્યા હતા. જેના બદલામાં કોંગ્રેસ સરકારે ચીનને ફાયદો કરતી અનુકુળ પોલીસીઓ બનાવી હતી. ૨૦૦૯માં કોંગ્રેસ સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. ત્યારબાદ ભારતીય બજારોમાં ચીનના ઉત્પાદનોની ભરમાર થઈ ગઈ હતી. અગાઉ ચીન અને ભારત વચ્ચે ૧.૧ બીલીયન ડોલરનું ટ્રેડ ડિફીશીટ હતું જે કોંગ્રેસના કુશાસનમાં ૧૦ વર્ષમાં વધીને ૩૬.૨ બીલીયન ડોલરે પહોંચી ગયું હતું. આજે જ્યારે કોંગ્રેસ ભારત સામે ચીનની ભાષા બોલી રહી છે તે ચીન દ્વારા અપાયેલા દાનનું જ પરિણામ છે તેવું અંતમાં ઈરફાન અહેમદે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.