Abtak Media Google News

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… એક જમાનાના સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ અને ભારતીય લોકતાંત્રીક ત્વારીખમાં સૌથી વધુ શાસન ચલાવવાનો જેને જશ મળ્યો છે તેવા કોંગ્રેસની દશા અને દિશા અત્યારે દયનીય બની છે. અત્યારે દેશના લોકતંત્રનો એક જમાનાનો મોટો આધાર કોંગ્રેસ પોતે જ પોતાની આંતરીક  સંસ્થાકીય લોકશાહીને બચાવી રાખવા માટે અસ્તિત્વનો જંગ ખેલી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષની વરણીનો મામલો છેલ્લા ઘણા સમયથી વણઉકેલ રહ્યો છે. કોંગ્રેસ માટે પણ અત્યાર સુધી બિન ગાંધી પ્રમુખ જોઈએ તેવા પડ્યા નથી. સોનિયા ગાંધીની નાદુરસ્ત તબીયત અને રાહુલ ગાંધીના હોદો સંભાળવાના ઈન્કારની સ્થિતિ વચ્ચે કોંગ્રેસના બચાવવા માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની રણનીતિનો દાણો દબાવી જોયો છે પરંતુ હજુ કોઈ નિશ્ર્ચિત પરિણામ મળ્યું નથી ત્યારે કોંગ્રેસના નવા અધ્યક્ષની વરણી જલ્દી થાય તે માટેની કવાયતમાં નેતાગીરીમાં પણ બે ભાગલા પડી ગયા છે. અત્યારે કોંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણીઓમાં લોકતાંત્રીક જવાબદારી સંભાળવાના બદલે પક્ષની આંતરીક લોકશાહીને બચાવી રાખવાનો મોટો પડકાર ઉભો થયો છે. પક્ષમાં નેતાઓમાં પક્ષ અધ્યક્ષ મુદ્દે મતમતાંતર અને વિચાર ભેદના કારણે બે ફાડીયા જેવું વાતાવરણ ઉભુ થયું છે. એક તરફ ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસનીક, પી.ચિદમ્બરમ્ દ્વારા પક્ષમાં જલ્દીથી ચૂંટણી યોજીને પક્ષ પ્રમુખનો મુદ્દો ઉકેલવાની હિમાયત કરવામાં આવી છે. તો બીજી તરફ અશોક ગેહલોત, અમરિન્દરસિંગ, ભુપેશ બધેલ, એ.કે.એન્ટોની, અંબીકા સોની અને હરીશ રાવત જેવા નેતાઓનું કહેવું છે કે, પહેલા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે ધ્યાન દેવું જોઈએ. ત્યારપછી પક્ષની આંતરીક પક્ષ પ્રમુખની વરણીનો મુદ્દો હાથ પર લેવો જોઈએ. આંતરીક ચૂંટણીને લઈ અશોક ગેહલોત અને આનંદ શર્માના જુથો વચ્ચે રીતસરના બે ભાગ પડી ગયા છે. કોંગ્રેસ કાર્યવાહક સમીતીની બેઠકમાં પક્ષના ફૂલટાઈમ પ્રમુખની વરણીની ચર્ચા થઈ હતી. અત્યારે કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધીની જગ્યા કોની આપવી તેનો મુદ્દો ચર્ચાની એરણ પર છે. કોંગ્રેસ માટે પાંચ રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણી અને વિપક્ષ તરીકેની જવાબદારીની ભૂમિકાના આ સંજોગોમાં પક્ષની આંતરીક ચૂંટણીનો મુદ્દો પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતમતાંતરનું કારણ બની ગઈ છે. એક તરફ ગુલામનબી આઝાદનું જુથ જલ્દી ચૂંટણીની માંગ કરી રહ્યું છે. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જલ્દી ચૂંટણીનો વિરોધ કરીને પક્ષ માટે પ્રથમ પં.બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ, પોંડીચેરીની ચૂંટણી મહત્વની હોવાનું ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ આ અંગે હજુ કોઈ પ્રતિભાવ સ્પષ્ટ કર્યા નથી. ગેહલોત અને ગુલામ નબી આઝાદના જુથ વચ્ચે ચૂંટણીઓ અને પક્ષના આંતરીક લોકતંત્ર અંગેની મોટી વિચારભેદની પરિસ્થિતિ ઉભી થઈ છે.કોંગ્રેસની કાર્યવાહક સમીતી અંગે પ્રવકતા કે.સી.વેણુગોપાલે અખબારી યાદીમાં સ્પષ્ટતા કરી હતી કે, પક્ષ પ્રમુખપદની ચૂંટણી માટે મનોમંથન કરી રહ્યું છે. આ મુદ્દો પક્ષની આંતરીક લોકશાહીને સધ્ધર રાખી બંધારણના નિર્દેશ મુજબ થશે. અત્યારે પક્ષ માટે વિધાનસભાની ચૂંટણીઓ અગત્યની છે. બીજી તરફ કાર્યવાહક સમીતીની બેઠકમાં થયેલા ત્રણ ઠરાવમાં આંદોલનકારીઓને સમર્થન આપી કૃષિ બીલ પાછું ખેંચવા અંગે ટેકો આપ્યો હતો. બીજા ઠરાવમાં કોવિડ-૧૯ની રસી ટૂંક સમયમાં તૈયાર કરનાર વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો અને ત્રીજા ઠરાવમાં સંયુક્ત સંસદીય સમીતીને અર્નબ ગૌસ્વામી પ્રકરણમાં બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે તપાસની માંગ કરી હતી. અત્યારે કોંગ્રેસના અધ્યક્ષની વરણીનો મુદ્દો પક્ષના આંતરીક લોકતંત્ર માટે પડકારરૂપ બની રહ્યો છે અને કોંગ્રેસની નેતાગીરીને પોતાની સંસ્થાકીય લોકશાહીના સખળ-ડખળનો ભય સતાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.