Abtak Media Google News

લીંબડી, કપરાડા અને ડાંગ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસનો વિલંબ : હાઈકમાન્ડ જાતીય સમીકરણો ઉકેલવામાં ઊંધામાથે

કોંગ્રેસ ત્રણ બેઠકોમાં ઉમેદવારની પસંદગીને લઈને ગૂંચવાણી છે. લીંબડી, કપરાડા અને ડાંગ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ બેઠકો ઉપર જાતીય સમીકરણો ઉકેલવામાં હાઈકમાન્ડ ઊંધામાથે થયું છે. જેનો ઉકેલ મળ્યા બાદ આ બેઠકો ઉપર નામની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી ઉમેદવારોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાતા ત્યાં ખાલી પડેલી જગ્યાઓ પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારોનાં નામ જાહેર કરવા કોંગ્રેસ માટે મોટો પડકાર હતો. અનેક બેઠકો અને કલાકો સુધી ચાલેલા મંથન બાદ આખરે કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં સતત બીજા દિવસે પણ કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે અબડાસા બેઠક પરથી ડો. શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી, મોરબી બેઠક પરથી જયંતીલાલ જયરાજભાઇ પટેલ, ધારી બેઠક પરથી સુરેશ કોટડીયા, ગઢડા (એસ.સી બેઠક) પરથી મોહનભાઇ સોલંકી, કરણજણ બેઠક પરથી કિરિટ સિંહ જાડેજાના નામની જાહેરાત કરી હતી. જ્યારે લીંબડી, કપરાડા અને ડાંગ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાતમાં વિલંબ જોવા મળ્યો છે.

કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા, ગઢડા પર નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ નામો નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા લાંબુ મંથન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોડી સાંજે પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ત્રણ બેઠકો પણ હજી પણ કોકડું ગુંચવાયેલું રહ્યું છે. લીંબડી, કપરાડા અને ડાંગ બેઠક પર હજી સુધી ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ બેઠકો પરણ જાતીય સમીકરણ અને એક કરતા વધારે પ્રબળ દાવેદાર હોવાના કારણે અહીં નામ પર હજી સુધી કોંગ્રેસ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકી નથી.

આગામી ૩જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. વિધાનસભાની જેમ પેટાચૂંટણીમાં ય કોંગ્રેસે પાટીદાર ફેક્ટર ખેલ્યુ છે. કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ટિકીટની ફાળવણી કરી છે. મહત્વની વાત તો એ છેકે, પેટાચૂંટણીમાં સ્થાનિક જ નહીં, પણ નવા ચહેરાને તક અપાઇ છે. જોકે, હજુ કપરાડા , લિંબડી અને ડાંગ બેઠક પર કોને ટિકીટ આપવી તે અંગે દિલ્હીમાં મનોમંથન જારી છે.

કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે જ ભંગાણ: પ્રવક્તા કૈલાશદાન ગઢવીનું રાજીનામું

148151L

કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસમાં વિવાદના વંટોળની શરૂઆત થઈ છે. અબડાસા બેઠક પરથી કોંગ્રેસ શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપતા કૈલાશદાન ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. તેમણે આ  સાથે કોંગ્રેસનું પ્રભારી અને પ્રમુખ પદ પણ છોડ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભાજપમાં પણ આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં આવતા અંદરખાને વિરોધની જ્વાળા પ્રગટી રહી છે. જે બહાર આવી નથી.માટે આયાતી ઉમેદવારોને જુના નેતાઓ છુપી રીતે નડતરરૂપ બને તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.