Abtak Media Google News

ધારાસભ્ય તરીકેનાં શપથ ગ્રહણ કર્યા પૂર્વે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો ઘટસ્ફોટ: લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણની ભીતિ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરવાના છે. શપથગ્રહણ કર્યા પૂર્વે કુંવરજીભાઈ બાવળીયાએ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસના નારાજ નેતાઓ તેઓના સંપર્કમાં છે. કુંવરજીભાઈના દાવાથી લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણ થવાની ભીતિ દર્શાઈ રહ્યી છે. વધુમાં કુંવરજીભાઈએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસના નારાજ નેતાઓની રજુઆત તેઓ ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડશે.

અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજીભાઈ બાવળીયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેઓના ભાજપમાં પ્રવેશથી રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અનેક ઉથલ પાથલ સર્જાયા હતા. થોડા દિવસો પૂર્વે જસદણની પેટાચુંટણીમાં પણ કુંવરજીભાઈ બાવળીયાનો ઝળહળતો વિજય થયો હતો. ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ મત વિસ્તારમાં અનેક કોંગ્રેસી નેતાઓને પોતાના તરફ ખેંચીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ પેટાચુંટણીમાં જીત્યા હતા. જેથી આજે તેઓ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ધારાસભ્ય તરીકેના શપથ લેવાના હતા. આ પૂર્વે તેઓએ એક નિવેદન આપ્યું કે, કોંગ્રેસના નારાજ નેતાઓ તેઓના સંપર્કમાં છે. આ નારાજ નેતાઓની રજુઆત તેઓ ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડવાના છે. ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયાએ ધારાસભ્ય તરીકેના શપથ લેતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

કુંવરજીભાઈના આ દાવા સામે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ એક થઈને જસદણ ચુંટણીમાં લડયો છે. સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસ હંમેશા આ બેઠક જીતતી આવી છે. જયારે આ વખતે ભાજપે અનેક હઠકંડા અપનાવી તેમજ નાણાની રેલમછેલ કરીને જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે જો ખરેખર કોંગ્રેસના નારાજ સભ્યો કુંવરજીભાઈ બાવળીયાના સંપર્કમાં હોય તો લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણ થાય તેવી ભીતિ દેખાઈ રહી છે. કોંગ્રેસના નારાજ સભ્યોના કારણે ભાજપને ઘણો લાભ થઈ શકે તેમ છે. ઉપરાંત કોંગ્રેસે આ નારાજ સભ્યોને શોધી કાઢી તેમના પ્રશ્નો નો હલ કરવો અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.