Abtak Media Google News

ગોર ખીજડીયામાં કોંગો ફિવરની શંકાએ આરોગ્ય વિભાગની દશ ટીમ મોકલાઈ: ડીડીઓ અને આરોગ્ય અધિકારી પણ દોડ્યા

મોરબીમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેમાં ગોર ખીજડિયા ગામમાં એક વ્યક્તિનું કોંગો ફિવરની અસરથી મોત થયાની શંકાએ સેમ્પલ પુના લેબોરેટરીમા મોકલવામાં આવ્યા છે અને જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા રોગચાળો વધુ ન વકરે તે માટે ગામમાં ૧૦ ટીમ મોકલી સાવચેતીના પગલાં લેવાઈ રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં કોંગો ફિવરના શંકાસ્પદ કેસે દેખા દીધી છે જેમાં ગોરખીજડિયા રહેતા અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતા હરખજીભાઈ દેવશીભાઈ કણઝારીયા ઉ.૪૮ ની તબિયત લથડતા તેમને તારીખ ૧૨ ના રોજ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા જ્યાં તારીખ ૧૩ ના રોજ એમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અને હરખજીભાઈનું કોંગો ફિવરથી મોત નિપજયુ હોવાની શંકાના આધારે તેમના સેમ્પલ પુના ખાતે લેબોરેટરીમા મોકલી આપવામાં આવ્યા હતા.

બીજી તરફ કોંગો ફિવરના લક્ષણો સાથે મોરબી જિલ્લાના ગોરખીજડિયાના વતની હરખજીભાઈનું મૃત્યુ નિપજવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, આરોગ્ય અધિકારી ડો.કતિરા સહિતનો કાફલો ગોરખીજડિયા દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનો સાહિતનાઓની મુલાકાત લીધી હતી. વધુમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કાંતિરાએ સાવચેતીના પગલાં ભરવા શરૂ કરી ગોરખીજડિયા ખાતે આરોગ્ય વિભાગની દશ ટીમોને પણ દોડાવી ૧૦૦ ઘરોમાં સર્વે કરી પશુપાલન વિભાગ દ્વારા પશુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને મેલેરિયા અધિકારી દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

*કોંગો ફિવરના લક્ષણો*

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાના જણાવ્યા મુજબ કોંગો ફીવરના દર્દીઓમાં મુખ્યત્વે  સખત તાવ આવવો, ઉલ્ટીમાં લોહી પડવું, પેશાબમાં લોહી નીકળવુ એ મુખ્ય લક્ષણો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.