Abtak Media Google News

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક પુરી થયા બાદ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અને ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહેરમાં બાખડયા: કજીયા પાછળ જુની અદાવત કારણભુત

અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. આ બેઠક પુરી થયા બાદ બહાર નિકળતી વેળાએ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઈ ખાટરીયા અને ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેશ માંડણકા વચ્ચે છુટા હાથની જામી હતી. બંને કોંગ્રેસી નેતાઓ જાહેરમાં બાખડી પડતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ કજીયા પાછળ જુની અદાવત કારણભુત હોવાનું જાણવા મળ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના ગુજરાત રાજયના પ્રભારી રાજીવ સાતવે કારોબારી બેઠક અમદાવાદ ખાતે ગઈકાલે બોલાવી હતી. આ બેઠકમાં રાજયભરના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જસદણની ચુંટણી તેમજ આગામી લોકસભાની ચુંટણીની પણ મહત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી પરંતુ બેઠક દરમિયાન કોંગ્રેસ માટે શરમજનક કહી શકાય તેવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

બેઠક દરમિયાન જ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પૂર્વ કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા અને ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ માંડણકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બાદમાં આ બોલાચાલી મારામારીના સ્વરૂપમાં તબદિલ થઈ હતી. અર્જુનભાઈ ખાટરીયાની સાથે કોંગ્રેસના યુવા નેતાઓ પણ જોડાઈ જતા અંતે મુકેશ માંડણકાને ભાગવુ પડયું હતું.

મળતી માહિતી મુજબ બંને કોંગ્રેસી નેતાઓના કજીયા પાછળ જુની અદાવત કારણભૂત છે. એક વર્ષ પૂર્વે ગોંડલ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અર્જુનભાઈ ખાટરીયા હતા. અર્જુનભાઈને ટીકીટ મળી તે પૂર્વે મુકેશ માંડણકાએ પણ દાવેદારી નોંધાવી હતી પરંતુ તે સમયે એક મહિલાએ મુકેશ માંડણકા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર સ્કેન્ડલ અર્જુનભાઈ ખાટરીયા પ્રેરીત હોવાનો ખાર રાખીને ઘણા સમયથી મુકેશ માંડણકા રોષથી ઉભરાતા હતા.

સ્કેન્ડલમાં અર્જુનભાઈ ખાટરીયાનો હાથ હોવાના આક્ષેપ સામે અર્જુનભાઈ ખાટરીયાએ કહ્યું હતું કે, જયારે તેઓને ખબર પડી કે સ્કેન્ડલમાં તેઓનું નામ આવ્યું છે એટલે તેઓએ તુરંત જ ચોખવટ પાડવા તેમજ સાચી વાત બહાર લાવવા માટે  રૂબરૂ મળીને ખુલાસો કરવાનું નકકી કર્યું હતું પરંતુ આ સમયે મુકેશ માંડણકા ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંને કોંગ્રેસી નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં ભારે નામના ધરાવે છે.

ત્યારે બાળકોની જેમ પક્ષની બેઠક પૂર્ણ થતા વેત જ મારામારીએ આવી જતા કોંગ્રેસની આબ‚ના લીરા ઉડયા છે. વધુમાં મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા મુકેશ માંડણકાને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જયારે બીજી બાજુ સમગ્ર ઘટના અર્જુનભાઈ ખાટરીયાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જણાવી તાકીદે પગલા લેવાની માંગ ઉઠાવી છે. હાલ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવાનું ટાળવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસના કકળાટથી કમળને કિલકિલાટ

એકબાજુ ચુંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસનું સંગઠન મજબુત થવાને બદલે દિવસેને દિવસે કથળતું જઈ રહ્યું છે. કોંગ્રેસના આંતરીક વિખવાદની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. કોંગ્રેસના તુટતા જતા સંગઠનથી ભાજપને તો ફાયદો જ છે. જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ફોર્મ ભરવવાની પ્રક્રિયા ચાલુ છે.

૨૦મીએ પેટાચુંટણીનું મતદાન છે. ઉપરાંત લોકસભાની ચુંટણીને પણ હવે થોડો સમય રહ્યો છે ત્યારે કોંગ્રેસનો આંતરીક કકળાટ દિન-પ્રતિદિન વધી રહ્યો છે જે ચુંટણીને સીધી અસર કરશે. હાલ કોંગ્રેસના આ કકળાટથી કમળમાં તો જાણે કિલકિલાટ હોય તેવો માહોલ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.