Abtak Media Google News

આ તે કેવો સંસાર ત્યાગ…?

૨૦૧૫માં ભગવો ધારણ કરનાર પુત્રના શિક્ષણ પાછળ જમાપુંજી ખર્ચ કરનાર વિકલાંગ માતા પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

અમદાવાદના એક દિવ્યાંગ દંપતિએ તેમના પુત્ર સામે કોર્ટમાં ભરણ પોષણ માટેની અપીલ કરી છે. ઘરડા દંપતિએ કોર્ટમાં કહ્યું છે કે દિકરો કામ ધંધો છોડીને સાધુ બની ગયો છે. અને આ પરિસ્થિતિમાં તેમની સામે જીવન નિર્વાહનું સંકટ ઉભુ થયું છે. માટે વૃધ્ધ દંપતિએ કોર્ટમાં રાવ નાખતા કહ્યું છે કે સાધુ બનેલો પુત્ર તેમના ભરણ પોષણની જવાબદારી ઉઠાવે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે ૬૪ વર્ષના લીલાભાઈ અને તેમની પત્નીએ પુત્ર ધર્મેશ સામે ગુજરાત રાજય કાનૂની સેવા પ્રાધિકરણના એક કાઉન્સીલીંગ સેશનમાં અપીલ કરી છે. તેમણે જણાવ્યું છેકે તેમનો ૨૭ વર્ષિય પુત્ર ધર્મેશ નોકરી છોડી સાધુ બની ગયો છે. અને પરિવારને છોડીને આમ તેમ ફરતો રહે છે. આ સંજોગોમાં વૃધ્ધાવસ્થામાં તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે. જો કે હાલ લીલાભાઈનો પરિવાર તેમના પેન્શન પર નિર્ભર છે.

લીલાભાઈએ વધુમાં જણાવ્યું કે તેમનો અન્ય એક દિકરો માનસીક વિકલાંગ છે. અને તેની જવાબદારી પણ અમારા ઉપર છે. અમે બંને પતિ પત્ની પણ વિકલાંગ છીએ અનેમારૂ માનવું છે કે ધર્મેશનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે લીલાભાઈએ તેમના પુત્રના શિક્ષણ પાછળ ૨૦ લાખ રૂપીયા પોતાની જીવનભરની બચતમાંથી ખર્ચી નાખ્યા છે. સાધુ બની બેઠેલા ધર્મેશ પાસે ફાર્માસ્યુટીકલ ડીગ્રી છે. અને તેના શિક્ષણ પાછળ લીલાભાઈએ તેમની જમાપુજી ખર્ચ કરી નાખી છે. ૨૦૧૫માં જ ધર્મેશે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. વિકલાંગ દંપતિને એવી આશંકા છે કે તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે.

ઓગષ્ટમાં દંપતિએ એસએલએસએ આ અંગે હસ્તક્ષેપ કરી ન્યાય અપાવે તેવી માંગ કરી હતી જોકે કાનૂની સલાહકારના જવાબમાં ધર્મેશે એવું કહ્યું કે તેણે આ માર્ગ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લીધો છે. અને તેણે તેના માતા પિતા સામે માનસીક ત્રાસનો આરોપ લગાવી તેને આધ્યાત્મિક માર્ગમાંથી હટી જવાનો આરોપ પણ લગાવ્યો છે.

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીને ધર્મેશે કહ્યુ કે તે સાધુ છે અને તેના માતા પિતાનું ભરણપોષણ કરવા તેની પાસે કોઈ મૂડી નથી કાનૂની સલાહકારોએ બંને પક્ષોની દલીલ સાંભળી એક વચગાળાનો માર્ગ અપનાવવા બંને પક્ષોને જણાવ્યું છે સલાહકારોએ સાધુ બનેલા પુત્રને માતા પિતા અને વિકલાંગ ભાઈના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા કહ્યું છે તો બીજી તરફ માતા પિતા પણ તેમના પુત્રને લઈને કોઈ ધાર્મિક સંસ્થાને જવાબદાર નઠેરવી શકે. જોકે માતા પિતાને ભરણ પોષણની માંગ કરવા કોર્ટના દરવાજા ખખડાવવાનું જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.