Abtak Media Google News

તાવની બીમારીની સારવાર માટે જતા ડોકટરે ઇન્જેકશન મારતા રિએકશન આવ્યાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિપ્રાય

કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના યુવાનને તાવની બીમારીની સારવાર માટે કોટડા સાંગાણી તાલુકાના અનિડા વાછરા ગામના ડોકટરે ઇન્જેકશન આપતા યુવાનનું મોત નીપજ્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિપ્રાય આવતા પોલીસે અનિડા વાછરા ગામના તબીબ સામે બેદરકારી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના દિપક રવજીભાઇ બથવાર નામના ૨૦ વર્ષના યુવાનને અનિડા વાછરા ગામના ડો શૈલેષ રૈયાણીએ તાવની બીમારી અંગે ઇન્જેકશન આપતા રિએકશન આવવાના કારણે મોત નીપજ્યા અંગેની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે તબીબ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મેટોડા જીઆઇડીસીમાં કામ કરતા દિપક બથવારને તાવ આવતા તે અનિડા વાછરા ગામના ડોકટર શૈલેષ રૈયાણી પાસે દવા લેવા ગયો ત્યારે તેને ડાબા પગમાં ઇન્જેકશન આપ્યું હતું. તેના પગમાં સોજો આવી જતા ગોંડલની ખાનગી હોસ્પિટલ બાદ અહીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ગત તા.૧૮-૧૨-૧૭ના રોજ દિપક બથવારનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

દિપક બથવારનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવતા સારવારમાં ગંભીર બેદરકારી દાખવી હોવાથી રિએકશન આવ્યાનો અભિપ્રાય આપ્યું હતું. તેમજ ડો.શૈલેષ રૈયાણી બીએએમએસની ડીગ્રી ધરાવતા હોવાનું અને તેમને ઇન્જેકશન આપવા અંગેનું જરૂરી નોલેજ ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.