Abtak Media Google News

ખૂનના ગુનામાં પોલીસે છાવરેલા શખ્સને ફસાવવાના કારસમાં ખુદ સરપંચના ભાઇ ફસાયા: રૂા.૬૦ હજારમાં બે ભાડુતીની મદદથી પોતાના પર જ કરાવ્યું ફાયરિંગ: પોલીસને ગુમરાહ કરવાનું સરપંચના ભાઇને ભારે પડયું

જામજોધપુર નજીક આવેલા ગઢકડામાં થયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પોલીસ દ્વારા છાવરવામાં આવ્યો હોવાથી તેને હત્યાની કોશિષના ગુનામાં ફસાવવા સરપંચના ભાઇએ રચેલા તરકટમાં ખુદ ફસાતા પોલીસે ખોટી એલઇબી ઉભી કરી પોલીસને ગુમરાહ કરવાના ગુનામાં સરપંચના ભાઇ સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડીયા ગામના સરપંચના ભાઇ ફિરોજ ઓસમાણ સફીયા એક સપ્તાહ પૂર્વે ગ્રામ પંચાયતની કચેરીમાં ખેડુતને વળતર સહાયના ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે ત્યાં મોડીરાતે બાઇક પર ઘસી આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ભાગી ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

જામનગર એલસીબી પી.આઇ. જલુ સહિતના સ્ટાફની તપાસ દરમિયાન ફાયરિંગની ઘટના શંકાસ્પદ જણાતા એફએસએલની મદદ લઇને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ગઢકડાના યુસુફ સફીયા અને હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ સફીયાની સંડોવણી હોવાની મળેલી બાતમીના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ ફાયરિંગના બનાવમાં જેને ફરિયાદ નોંધાવી તે ફિરોજ ઓસમાણ સફીયાએ જ પોતાના પર ફાયરિંગ કરવાની સોપારી આપી હતી એટલું જ નહી તેના બદલામાં રૂા.૬૦ હજાર પણ આપ્યાની બંને શખ્સોએ કબુલાત આપતા બંને બાઇક પર જઇ કરેલા ફાયરિંગમાં ઇસ્માઇલ જુસબ સફીયાના સાથળમાં ગોળી લાગી હોવાની કબુલાત આપી છે.

બંને શખ્સોની કબુલાતના આધારે ફાયરિંગકાંડના ફરિયાદી ફિરોજ સફીયાની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા અને પોતાના પર જ પોતે ફાયરિંગ કર્યાની સ્ફોટક કબુલાત આપી હતી.

ગઢકડા ગામે છ માસ પહેલાં ફિરોજ સફીયાના ભાઇ મુસ્તાક સફીયાની હત્યા થઇ હતી જેમાં પોલીસે દસ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જે પૈકી અશરફ સફીયા વિરૂધ્ધ પોલીસને પુરાવા ન મળતા તેની ધરપકડ કરી ન હોવાથી તેને હત્યાની કોશિષના ગુનામાં સંડોવી દેવા માટે ષડયંત્ર રચી અયુબ સફીયા અને હાજી ઉર્ફે શાહરૂખ સફીયાને સોપારી આપી પોતાના પર જ ફાયરિંગ કરાવ્યાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી જામનગરી બંદુક કબ્જે કરી છે.

ગઢકડા ગામે સરપંચના ભાઇ પર થયેલા ફાયરિંગનો બનાવ રાતે બન્યો હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ સમગ્ર ઘટના શંકાસ્પદ જણાતા પોલીસે હત્યાની કોશિષનો ભેદ ઉકેલવા બનાવને શંકાસ્પદ રીતે કેટલાક શંકમંદોની પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. એફએસએલના સાયન્ટિફીક પુરાવા અને બાતમીદારની મદદથી પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી પોલીસને ગેર માર્ગે દોરનાર સંરપંચનો ભાઇ દ્વારા ખોટી એલઈબી ઉભી કરી હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરી ટૂંકા સમયમાં જ દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.