શિક્ષણને અસરકારક બનાવવા પ્રત્યાયન જરૂરી

શિક્ષક, વિદ્યાર્થી અને શાળા સમાજ વચ્ચે પ્રત્યાયન થવું અત્યંત આવશ્યક: એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે

પ્રત્યાયન એ બે વ્યકિતના વિચારોનું પ્રતિબિંબ છે. પ્રત્યાયન એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. મનના વિચારો, મંતવ્યો, સંવેદનાઓ અને લાગણીઓના પ્રત્યાયન દ્વારા એક વ્યકિતનો બીજી વ્યકિત વચ્ચે સમજનો સેતુ રચાય છે. એક વ્યકિતએ કરેલ રજુઆત તે જ સ્વરૂપે બીજી વ્યકિત સમજે તો સફળ પ્રત્યાયન થયું કહેવાય.

શિક્ષણને અસરકારક બનાવવા શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી અને શાળા-સમાજ વચ્ચે પ્રત્યાયન થવું અત્યંત આવશ્યક છે. પ્રત્યાયન લેખીત, મૌખિક, દ્રશ્ય-શ્રાવ્ય, શાંત સ્વરૂપે પણ હોઇ શકે, આજે તમામ ક્ષેત્રો અદ્યતન ટેકનોલોજીથી ધમધમતાં થયાં છે. પ્રત્યાયન માટેના અસંખ્ય સાધનો શોધાઇ રહ્યા છે. કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઇલ વગેરે સાધનો પ્રત્યાયન માટે આજના સમયની દેન છે. શિક્ષણ પ્રક્રિયાને રસાળ બનાવવા માટે વ્યકિત અને વસ્તુઓ અસરકારક પ્રત્યાયન પુરૂ પાડે છે.

પ્રત્યાયનના હેતુઓ ઘ્યાનમાં રાખી વિવિધ પ્રવૃતિઓ પણ શિક્ષણને અસરકારકતા બક્ષે છે. કાવ્ય, નાટક, સંવાદો એ પ્રત્યાયનના ઉત્તમ ઉદાહરણ છે. વિજ્ઞાન ટેકનોલોજી, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોના સફળ પ્રત્યાયન માટે સ્થાનીક સ્ત્રોત અગત્યનો ભાગ ભજવે છે.

પત્યાયનના એ બે સમૂહ કે વ્યકિતઓ વચ્ચેની ઘટના છે. જેમાં બંને સમુહ કે વ્યકિત સમાન મહત્વ ધરાવે છે. અંગ્રેજીમાં પ્રચલિત વાકય છે.

‘Communication is a two party affair in which two party is equally important, વાસ્તવિક રીતે જોતાં આપણો સંદેશો એ સાંકેતિક સ્ત્રોતની અંતિમ નીપજ છે. આપણે સંદેશો અલગ-અલગ માઘ્યમ દ્વારા વ્યકત કરીએ છીએ. બોલીએ છીએ ત્યારે વાણી આપણો સંદેશો બને છે. જયારે લખીએ છીએ ત્યારે લેખન આપણો સંદેશો બને છે. ચિત્ર દોરીએ ત્યારે ચિત્ર અને હાવભાવ કરીએ ત્યારે અભિનય આપણો સંદેશો બને છે.

વર્ગખંડમાં અઘ્યાપન પ્રક્રિયા કર્યા બાદ આપણે મૂલ્યાંકન કરીએ છીએ જે થયેલ પ્રત્યાયનનું માપન છે. જો વિદ્યાર્થી શિક્ષણની પ્રક્રિયા, પ્રવૃતિને સારી રીતે સમજયો હશે તો મૂલ્યાંકન પરિણામ ઊંચુ રહેશે. વિદ્યાર્થીના મૂલ્યાકન સાથે સાથે શિક્ષકે કરેલ પ્રત્યાયનનું પણ મૂલ્યાંકન થાય છે. વર્ગખંડમાં શિક્ષકે શીખવતી વખતે પોતાના અવાજને મોબાઇલમાં રેકોડીંગ કરી સાંભળવાથી પોતાના પ્રત્યાયનની ત્રુટિઓ ઘ્યાને આવી શકે છે અને તેને સુધારી શકાય છે. શિક્ષણને અસરકારક બનાવવા પ્રત્યાયન મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

શિક્ષણમાં અસરકારક પ્રત્યાયનના હેતુઓ/ઉદ્દેશો

  • વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા
  • શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે માહિતીની આપ-લે કરવી
  • વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે મનોરંજન પુરુ પાડવું, (ગમ્મત સાથે જ્ઞાન આપવું)
  • વિદ્યાર્થીઓની ગેરસમજ દૂર કરવી.
  • શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે માનવસંબંધો સુદ્રઢ કરવા
  • શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે
  • વિદ્યાર્થીઓને શિક્ષણની સમસ્યા નિવારવા માટે પ્રોત્સાહન આપવું
  • વિદ્યાર્થીઓ શિક્ષક પાસેથી જે તે વિષયની અભિરૂચિ કેળવે
  • વિદ્યાર્થીઓ વિષયવસ્તુનું જ્ઞાન મેળવે
  • વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે પરામર્શન થાય.

પ્રત્યાયનની પરિભાષા

પ્રત્યાયનની એ એક વ્યકિત દ્વારા બીજી વ્યકિતને વિચારો અથવા માહિતીના સ્વરૂપે અર્થ પ્રેષિત કરવાની પ્રક્રિયા છે.

– મૈગનસન

પ્રત્યાયન એક બે કે તેથી વધુ વ્યકિતઓ વચ્ચે હકીકતો, વિચારો, ભાવનાઓનો

વિનિમય છે.

– ન્યુમેન અને સમર

પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યકિતઓ અથવા સંગઠ્ઠનો વચ્ચે માહીતી સંક્રાંત કરવામાં આવે છે કે જેના પરિણામે સમજદારીનો પ્રતિભાવ પ્રાપ્ત થાય છે.

– પીટર લિટલ

Loading...