Abtak Media Google News

હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ, જિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયાધિશ, નિવૃત્ત વન અધિકારી અને નિવૃત્ત અધિક કલેકટર મળી પાંચ સભ્યોનું કમિશન બનશે

ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું કમિશન રચવાનો નિર્ણય કર્યો છે.

આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આ કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ, જિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયાધિશો, વન વિભાગના એક નિવૃત્ત અધિકારી તેમજ એક નિવૃત્ત અધિક કલેકટર એમ પાંચ સભ્યોનું આ કમિશન બનાવવામાં આવશે.

આદિજાતિ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાચા આદિવાસીઓના બંધારણીય હક્કોનું રક્ષણ થાય અને ખોટા વ્યકિતઓ આદિવાસી તરીકેના લાભો લઇ ન જાય તેવા હેતુસર રાજ્ય સરકારે આ કમિશન રચવાનો નિર્ણય કરીને આદિજાતિઓના હક્કોના રક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું કે, ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તાર નેસ વિસ્તારમાં વસતા લોકોના અનૂસુચિત જનજાતિના પ્રમાણપત્ર અંગે લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્ને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સાચા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજના આગેવાનો તથા રબારી, ચારણ, ભરવાડ સમાજના અગ્રણીઓ સાથે  બે વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર. સી. ફળદુની ઉપસ્થિતીમાં બેઠક યોજવામાં આવી હતી.

ભારત સરકારે તા. ર૯-૧૦-૧૯પ૬ના જાહેરનામાથી ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારના આવા રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જન જાતિ તરીકે જાહેર કરેલા છે.

આ સંદર્ભમાં ગીર, બરડા અને આલેચના નેસ વિસ્તારમાં રહેતા સાચા લાભાર્થીઓ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહિ, આંદોલન કરીને સાચા લાભાર્થીઓને લાભ આપવા અંગેની રજૂઆતો પણ સરકારને મળેલી છે.

તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર વિવાદ અંગે રાજ્યના વરિષ્ઠ મંત્રીઓને આદિવાસી અને માલધારી સમાજના આગેવાનો સાથે ચર્ચા-બેઠક કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાચા આદિવાસીઓ લાભથી વંચિત ન રહે અને ખોટા વ્યકિતઓ લાભ ન લઇ જાય તેવી રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા અને આદિવાસી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઇને આ કમિશન રચવાનો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકે નિર્ણય કર્યો છે. આદિજાતિ વિકાસ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ કમિશનની રચના કરવા બાબતે બેય પક્ષના પ્રતિનિધીઓએ પણ સંમતિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.