કાલથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

પાંચ દિવસ બહેનો કરશે મોળા ઉપવાસ: મંગળવારે જાગરણ

રાજકોટ સહિત ગુજરાતભરમાં  તા.૩ જુલાઇથી પાંચ દિવસ કુંવારીકાઓ, બહેનોના પ્રિય ધાર્મિક તહેવાર જયાપાર્વતી  વ્રતની પરંપરાગત  ઉઝવણીનેા પ્રારંભ થશે.

પ્રતિ વર્ષ અષાઢ વદ તેરસથી શરૂ થઇ અષાઢ વદ બીજ એમ પાંચ દિવસ જયાપાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલથી શરૂ થનાર આ વ્રત ઉજવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે કોરોના મહામારીના ભય વચ્ચે પણ બહેનો વ્રત ઉજવવા અતુર છે. આ વ્રત કુંવારીકાઓ દ્વારા કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવીને અબીલ, ગુલાલ, પુષ્પક વગેરે સામગ્રીથી બહેનો શંકર-પાર્વતીનું પુજન કરે છે. અને પાંચ દિવસ સુધી નમક વિનાના ભોજન સાથે એકટાણુ કરે છે. તેમજ વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી ભાવપૂર્ણ વ્રત સંપન્ન કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે આ વ્રત ગૌરી એટલે કે માં પાર્વતીએ પોતાના પિતાના ઘેર રહીને કર્યુ હતું. તેથી જ આ વ્રતને ગૌરી વ્રત પણ કહેવાય છે.

કહેવાય છે કે કુંવારીકાઓ આ વ્રત કરીને માં પાર્વતીને પ્રાર્થના કરે છે કે તેને પણ સુંદર, સંસ્કારી જીવનસાથી મળે.

આ તકે શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને લઇને વ્રતનું પુજન ઘેર રહી પણ કરી શકાશે.

આવતીકાલ શુક્રવારથી શરૂ થઇને પાંચ દિવસ એટલે કે મંગળવાર સુધી આ વ્રત ઉજવાશે અને મંગળવારે જાગરણ સાથે સંપન્ન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે કોરોના મહામારીના ભયનાં ઓથાર હેઠળ પણ વ્રતનું ઉજવણું કરવા બહેનોમાં ઉત્સુકતા જોવા મળી છે.

Loading...