સેવા સંકલ્પના ત્રણ વર્ષ પુરાં કરતા હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી

ચાર સરકારી પ્રાથમિક શાળા અને બે લાયબ્રેરી મળી કુલ છ ઈમારતો બનાવી આપી ત્રણ વર્ષમાં ૧.૪૭ કરોડનું દાન કર્યું; ૧૧ કરોડના દાનનો સંકલ્પ

ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને મુઠી ઉંચા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ સમાજને પાછું આપવાના પોતાના સંકલ્પના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા છે.

આજથી ત્રણ વર્ષ પહેલા ૧૨/૧૦/૨૦૧૭ ના રોજ જગદીશ ત્રિવેદીએ વૈશ્વિક લોકપ્રિયતા વચ્ચે જાહેરાત કરી હતી કે હવેથી જીવું ત્યાં સુધી મારા તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરીશ. આ નિમિત્તે ઓછામાં ઓછું અગિયાર કરોડનું દાન કરવાનો શિવસંકલ્પ કરનાર જગદીશ ત્રિવેદીએ સંકલ્પનાં ત્રણ જ વર્ષમાં ૧ કરોડ ૪૭ લાખ રુપિયાનું દાન કરીને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

એમણે થાનગઢ ખાતે પોતાના માતા-પિતા જે શાળામાં નોકરી કરતાં હતા એ બે શાળા, તેમજ સાયલાના યજ્ઞનગરની શાળા અને આજે તેમના પ૪ મા જન્મદિવસે હળવદ શહેરની પે સેન્ટર શાળા મળીને કુલ ચાર સરકારી પ્રાથમિક શાળાઓ ચણી આપી છે.

તદુપરાંત એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને બે પુસ્તકાલય સાથે કુલ ૬ ઈમારતો ચણીને દાનમાં આપી છે. આ ઉપરાંત રાજુલાની હોસ્પિટલને સાત લાખ, બીટી સવાણી કીડની હોસ્પિટલ અને સાવરકુંડલા હોસ્પિટલને પાંચ-પાંચ લાખનું દાન કરેલ છે. અનેક જરુરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી અને ગરીબ દર્દીઓની સારવારનો ખર્ય આપનાર જગદીશ ત્રિવેદીએ ત્રણ વર્ષના ટુંકા ગાળામાં ૧ કરોડ ૪૭ લાખ રુપિયાનું દાન કરેલ છે. તેમણે જાહેર કર્યુ છે કે જો શરીર સાથ ન આપે અથવા મારા કાર્યક્રમો બંધ થઈ જશે તો મારી સ્થાવર મિલ્કત વેચીને પણ હું અગિયાર કરોડનું દાન આપીશ એ મારો શિવસંકલ્પ છે.

Loading...